બંગાળમાં આજે રાત્રે 10 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત; મમતા ચાર રેલી કરશે, મોદી બે સભા સંબોધશે

0
13

કોલકાતાઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલાં બંગાળમાં ચૂંટણી લડાઈ આક્રમક જોવા મળી રહી છે. રાજકીય હિંસામાં વધારો થતા ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડી દીધો છે તો મમતા બેનર્જીના નજીક અધિકારીઓ અડફેટે ચડ્યા છે. અધિકારીઓની બદલી કે તેને દૂર કરવાની કાર્યવાહીને કારણે મમતા બેનર્જી વધુ ભડક્યા છે અને ચૂંટણી પંચને આડે હાથ લીધા છે. હટાવવામાં આવેલા કે બદલી કરાયેલાં અધિકારીઓમાં મમતા બેનર્જીના ખાસ અધિકારીઓ છે. ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ (ગૃહ) અત્રિ ભટ્ટાચાર્યને પદ પરથી હટાવ્યાં છે. આ ઉપરાંત સીઆઈડીના એડીજી રાજીવ કુમારને પણ તેમના પદ પરથી હટાવી દીધા છે.

ચૂંટણી પંચે પગલું ભર્યું: બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચેના ભારે ઘર્ષણના પગલે ચૂંટણી પંચે ગુરૂવારે રાત્રે 10 વાગ્યાથી જ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ (ગૃહ) અત્રિ ભટ્ટાચાર્ય અને સીઆઈડીના એડિશનલ ડાયરેક્ટર રાજીવ કુમારને તેમના પદેથી હટાવવાના આદેશ આપ્યાં છે. ચૂંટણી પંચની કાર્યવાહીને લઈને મમતા દીદી ભડક્યા છે. તેઓએ કહ્યું કે ભાજપના નિર્દેશ પર ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. રાજીવ કુમાર તે જ પોલીસ અધિકારી છે જે પહેલાં કોલકાતાના પોલીસ કમિશનર હતા અને જેમન ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. ચૂંટણી પંચે તેમને તાત્કાલિક ગૃહમંત્રાલયમાં હાજર થવાનું કહ્યું છે. પંચે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

બંગાળમાં આરપારની લડાઈઃ વડાપ્રધાન મોદી આજે બંગાળમાં બે રેલીઓને સંબોધિત કરશે તો બંગાળના સીએમ મમતા બેનર્જી આજે ચાર સભાઓને સંબોધિત કરશે. બંગાળમાં ચૂંટણી પંચે પ્રચારનો સમય ઘટાડી દીધો છે જેના કારણે આજે રાત 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર થંભી જશે. બુધવારે મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો અને અમિત શાહની સજા ટીએમસીને આપી હોવાનું કહ્યું.

બંગાળમાં બબાલઃ લોકસભા ચૂંટણી 2019ની લડાઈના અંતિમ તબક્કા સુધી પહોંચતા ઘણી જ રોચક અને કાંટાળી બની ગઈ છે. બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં બબાલ થઈ તો ભાજપ આક્રમક બની ગયું. તો બીજી બાજુ મમતા બેનર્જીએ પણ પલટવાર કર્યો. આ લડાઈ વચ્ચે ચૂંટણી પંચે બંગાળની 9 સીટ પર પ્રચારનો સમય 24 કલાક ઘટાડી દીધો છે.

કોંગ્રેસ, CPI(M)એ પૂછ્યું- 24 કલાકનો સમય કેમ આપ્યો?: આ નિર્ણય પછી મમતા બેનરજીએ ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મેં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોથી ભરેલું ચૂંટણી પંચ ક્યારેય નથી જોયું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ મુશ્કેલી જ નથી, જેથી અહીં કલમ 324 હેઠળ લાગુ કરવી પડે.’ બીજી તરફ, કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, જો હિંસાના કારણે પ્રચાર રોકવાની નોબત આવી ગઈ તો પંચે ગુરુવાર સુધી રાહ કેમ જોઈ? શું એટલા માટે કે, ગુરુવારે સાંજે ત્યાં મોદીની રેલીઓ છે? નોંધનીય છે કે, ગુરુવારે મોદીની દમદમ અને લક્ષ્મીકાંતપુરમાં રેલીઓ છે. દમદમની રેલી સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થશે.

અમિત શાહ વિરુદ્ધ ત્રણ કેસ દાખલ, 58 લોકોની ધરપકડ: કોલકાતાની હિંસક ઘટનાઓના આરોપમાં પોલીસે અમિત શાહ અને ભાજપ કાર્યકરો વિરુદ્ધ ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરીને 58 લોકોની ધરપકડ કરાઈ હતી. એ પહેલા અમિત શાહે કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ મારા પર ત્રણ હુમલા કર્યા. સીઆરપીએફ ના હોત તો હું બચ્યો ના હોત. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ પણ તૃણમૂલના ગુંડાઓએ જ તોડી છે. આ મુદ્દે તૃણમૂલના ડેરેક ઓ,બ્રાયને કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાંખી હતી. તેના એક નહીં 40 વીડિયો મોજુદ છે, જે તમામ ચૂંટણી પંચને સોંપી દેવાયા છે. ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે.

ટીએમસીએ ચૂંટણીપંચને હિંસાનો વીડિયો સોંપ્યો: ટીએમસીના નેતા ડેરેક ઑ’બ્રાયને કહ્યું હતું કે ભાજપના ગુંડાઓએ વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે તેનો એક વીડિયો પણ રજૂ કર્યો હતો. અમિત શાહ જૂઠું બોલી રહ્યાં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે ચૂંટણીપંચને આ વીડિયો મોકલી આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here