બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના ચૂંટણી પરિણામો પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચૂંટણી પરિણામોને આશ્ચર્યજનક ગણાવ્યા છે. એમ પણ કહ્યું કે, આવા વિચિત્ર પરિણામને ગળે ઉતરવું ઘણું મુશ્કેલ છે. વાસ્તવમાં માયાવતીના ભત્રીજા આકાશ આનંદે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીની કમાન સંભાળી હતી. માયાવતીએ આશા વ્યક્ત કરી હતી કે અહીં પાર્ટીનું પ્રદર્શન સુધરશે, પરંતુ બંને રાજ્યોમાં પાર્ટીને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, માયાવતીએ એમ પણ કહ્યું કે જનતાને સમજવામાં ગંભીર ‘ભૂલ’ એ ચૂંટણીની ચર્ચાનો નવો વિષય છે. સમગ્ર ચૂંટણી દરમિયાન માહોલ તદ્દન અલગ હતો. પરંતુ, ચૂંટણીનું પરિણામ તેનાથી સાવ જૂદું જોવા મળ્યું અને સંપૂર્ણપણ એકતરફી બની ગયું. આ એક એવી રહસ્યમય બાબત છે. આ અંગે ગંભીરતાથી વિચારવું અને તેનો ઉકેલ જરૂરી છે. જો કે, બસપા પણ પૂરી તાકાત સાથે ચૂંટણી લડવાનો દાવો કરી રહી હતી. પરંતુ ધાર્યા પ્રમાણે પરિણામ ન આવતા ખૂબ જ ઓછા વોટ શેર મળ્યા છે.
ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોમાં બસપાને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશમાં પાર્ટી 3.40% વોટ શેર મળ્યા છે. જોકે, પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી. છત્તીસગઢમાં પાર્ટીને 2.05 ટકા વોટ મળ્યા હતા, પરંતુ કોઈ ઉમેદવાર સફળ રહ્યો ન હતો. અમુક અંશે રાજસ્થાનમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું. અહીં પાર્ટી 1.82% વોટ શેર સાથે 2 સીટો જીતવામાં સફળ રહી. તેલંગાણામાં પણ પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પાર્ટી 1.37% વોટ શેર સાથે પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી. આ પરિણામ માયાવતી માટે નિરાશાજનક રહ્યું છે, જેમણે લોકસભા ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી હતી.