કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ખુબ શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી રમાયેલી પાંચ મેચોમાંથી ચાર મેચોમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન પોતાના ફિટનેસ પર પણ ખુબ જ ધ્યાન આપે છે. વર્લ્ડ કપ દરમિયાન પણ પોતાના ફિટ રાખવા માટે તેઓ આકરી મહેનત કરી રહ્યા છે. 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ સામે થનાર મુકાબલા પહેલાં પણ તે કસરત કરતો જોવા મળ્યો છે.
કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે જીમમાં પરસેવો વહાવતો જોવા મળી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરવાની સાથે તેણે લખ્યું કે, કોઈ રજા નથી, વગર મહેનતે કાંઈપણ કરી શકાતું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કોહલી પોતાની બેટિંગ જેટલું જ ધ્યાન તે પોતાની ફિટનેસ પર આપી રહ્યો છે. 30 વર્ષીય કોહલી ફિટનેસના મામલામાં નવા ખેલાડીઓ માટે આદર્શ સમાન છે.
ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝ બાદ 30 જૂને યજમાન ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મુકાબલો ખુબ જ નિર્ણાયક હશે, કેમ કે આ મુકાબલા બાદ સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડની સ્થિતિ સાફ થઈ જશે. તે બાદ ટીમ ઈન્ડિયાને શ્રીલંકા અને બાંગ્લાદેશનો પણ સામનો કરવાનો છે.