બિહાર : ગાર્ડ્સે મીડિયાકર્મીઓને માર્યા, તેજપ્રતાપે કહ્યું- મારા પર થયો જીવલેણ હુમલો

0
39

પટના: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઘણી જગ્યાએથી હિંસાના બનાવ બન્યા છે. બિહારના પટનામાં પણ એક હિંસક ઘટના બની છે. બિહાર સરકારના મંત્રી રહેલા લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના સુરક્ષાકર્મીઓએ મીડિયા કર્મીઓ સાથે મારપીટ કરી છે. તેજપ્રતાપની ગાડી નીચે એક કેમેરા મેનનો પગ આવી ગયો હતો. ત્યારપછી જ્યારે વિરોધ કરવામાં આવ્યો તો તેજપ્રતાપના સિક્યુરિટી ગાર્ડે મીડિયાકર્મીઓ ઉપર જ હુમલો કરી દીધો હતો.

રવિવારે જ્યારે તેજપ્રતાપ યાદવ ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તેમની ગાડી નીચે કેમેરા મેનનોપગ આવી ગયો હતો. કેમેરા મેનનો પગ ગાડી નીચે આવી જતા તેણે છુટ્ટો કેમેરો ગાડી પર ફેંક્યો હતો અને તે દરમિયાન ગાડીનો કાચ ટૂટી ગયો હતો. ત્યારપછી ત્યાં હાજર તેજપ્રતાપના સુરક્ષાકર્મીઓએ મીડિયા સાથે ખરાબ વર્તન કર્યું અને તેમની સાથે મારઝૂડ કરી હતી.

આ ઘટના પછી તેજપ્રતાપ યાદવે ટ્વિટ કરીને લખ્યું છે કે, આજે મતદાન કર્યા પછી જ્યારે હું મતદાન કેન્દ્રથી બહાર આવી રહ્યો હતો ત્યારે મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે મારી ગાડીને પણ નુકસાન થયું હતું અને મારા ડ્રાઈવર અને સુરક્ષાકર્મીને પણ ગંભીર ઈજા થઈ હતી. તેજ પ્રતાપ યાદવ દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, તેજ પ્રતાપ યાદવ સમગ્ર ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહ્યા છે. તેમના પસંદગીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હોવાથી તેઓ તેમની પાર્ટીથી નારાજ છે. ત્યારપછી તેમણે લાલુ-રાબડી સામે પોતાની એક અલગ જ પાર્ટી ઉભી કરી હતી અને બે સીટ પર તેમના પસંદગીના ઉમેદવારને ટિકિટ આપી હતી.

જોકે આ દરમિયાન તેઓ તેમની પાર્ટી આરજેડી માટે પણ પ્રચાર કરતા હતા. પાટલિપુત્રથી ચૂંટણી લડી રહેલી તેમની બહેન મીસા ભારત માટે પણ તેમણે ખૂબ પ્રચાર કર્યો હતો. થોડા દિવસ પહેલાં જ બિહારમાં કોંગ્રે-આરજેડીની સંયુક્ત સભા હતી ત્યારે રાહુલની હાજરીમાં તેમને બોલવા નહતા દીધા તેથી ત્યારે પણ તેજ પ્રતાપ નારાજ થયા હોવાની વાત સાંભળવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here