પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર શુક્રવારે દિલ્હીથી પટના પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારના પ્રસ્તાવથી JDU સહમત નથી. પાર્ટીઓને રેશિયો પ્રમાણે હિસાબથી મંત્રીમંડળમાં ભાગીદારી મળવી જોઈએ. સાંકેતિક પ્રતિનિધિત્વની જરૂરિયાત નથી. જો કે, તેમને ભાજપ સાથે નારાજગીની વાતને ફગાવી દીધી છે. નીતિશે કહ્યું કે, બિહારમાં અમે સાથે મળીને સરકાર ચલાવી રહ્યાં છીએ. 2020માં થનારી વિધાનસભા ચૂંટણી પર તેની કોઈ અસર નહીં થાય.
સાંકેતિક પ્રતિનિધિત્વની જરૂર નથીઃ નીતિશે કહ્યું કે, અમિત શાહના બોલાવવા પર હું તેમને મળવા દિલ્હી ગયો હતો. તેમણે કહ્યું કે, અમે NDAના ઘટક દળોને એક એક મંત્રી પદ આપી રહ્યાં છે. આ અંગે મેં કહ્યું કે મંત્રીમંડળમાં સાંકેતિક પ્રતિનિધિત્વની જરૂરિયાત નથી. JDUના તમામ સાંસદોએ આ અંગે સહમતી દાખવી છે. JDUની લોકસભામાં 16 સાંસદ અને રાજ્યસભામાં 6 સાંસદ છે. ગઠબંધનમાં હોવાને કારણે JDU, ભાજપ સાથે ઊભું છે.
ઘણા લોકો વ્હેમ ફેલાવી રહ્યા છેઃ નીતિશ કુમારે કહ્યું કે, ઘણા લોકો એવું ફેલાવી રહ્યા છે કે અમે મંત્રીમંડળમાં ઓછામાં ઓછી ત્રણ બેઠકોની માંગણી કરી હતી. જે ખોટું છે. અમે કોઈ સંખ્યાની માંગણી કરી ન હતી. ફક્ત રેશિયો પ્રમાણે ભાગીદારીની વાત કરી હતી. શું JDU ભવિષ્યમાં મોદી કેબિનેટમાં સામેલ થશે? આ અંગે નીતીશએ કહ્યું કે આગળનું પછી વિચારીશું. જ્યાં સુધી સંખ્યાની વાત છે તો ભાજપ પાસે કેન્દ્રમાં બહુમતી છે.