ઓસ્ટ્રેલિયાઈ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે વર્લ્ડ કપમાં ભારતના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી છે. તેમને કહ્યું કે, જસપ્રીત બુમરાહના અદભૂત પ્રદર્શનથી ભારત પાસે વર્લ્ડ કપ જીતવાની તક છે. જો કે, તેમને એવું પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર ફરી એકવાર ટ્રોફી પાછી લઈ શકે છે.
2015માં વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાઈ ટીમના કેપ્ટન રહી ચુકેલા ક્લાર્કે ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા આ વખતે વર્લ્ડ કપ જીતવાનું દાવેદાર છે.
ભારતની સફળતામાં બુમરાહનો હાથઃ ક્લાર્કે કહ્યું કે, બુમરાહની ફિટનેસ ઘણી સારી છે. તેની પાસે એ તમામ ક્ષમતા છે જે એક ફાસ્ટ બોલર પાસે હોવી જોઈએ, તે નવા બોલને સ્વિંગ કરાવી શકે છે. વચ્ચેની ઓવરોમાં જ્યારે બોલર કઈ ન કરી શકે, ત્યારે પણ તે બેટ્સમેનનું ધ્યાન ભટકાવવા માટે ગતિ વધારી શકે છે. તે 150ની ઝડપે બોલ નાંખી શકે છે અને ડેથ ઓવરમાં તો તે ઘણો સારો યોર્કર નાંખે છે. જો તેને રિવર્સ સ્વિંગ મળી જાય તો તે જીનીયસ છે. હું આશા રાખું છું કે, તે સ્વસ્થ રહે અને વર્લ્ડ કપમાં ભારતની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવે.
કોઈ પણ કેપ્ટન માટે બુમરાહ સૌથી શ્રેષ્ઠ વિકલ્પઃ ક્લાર્ક પ્રમાણે, કોહલી અથવા કોઈ પણ કેપ્ટન પાસે બુમરાહથી શ્રેષ્ઠ વિકલ્પ ન હોઈ શકે. તેમને કહ્યું કે, એક કેપ્ટન તરીકે તમે ઈચ્છશો કે કોઈ બોલર જરૂર પડે વિકેટ પાડી દે. બુમરાહ બોલિંગની શરૂઆત કરી શકે છે. તે મિડલ ઓવર્સમાં બોલ નાંખી શકે છે. ડેથ ઓવર્સમાં પણ બોલિંગ કરી શકે છે. જેનાથી ભારત વર્લ્ડ કપ ફાઈનલ સુધી જીતી શકે છે. વનડેમાં બન્ને બોલની જગ્યાએ જો એક બોલથી જ આખી 50 ઓવર નાંખવામાં આવે તો બુમરાહની પરિસ્થિતીના પ્રમાણે ચાલવાની ક્ષમતા તેને વસીમ અકરમ જેવો અદભૂત બનાવી દે છે.
વોર્નર ટીમના એક્સ ફેક્ટર બની શકે છેઃ ક્લાર્કે કહ્યું કે, તેમને ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર પાસે આવા જ પ્રદર્શનની આશા હતી, કારણ કે તે પોતે એક અદભૂત ખેલાડી છે. આ વખતે તેઓ બીજી ટીમને ડરાવી રહ્યાં છે, તેઓ ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે. જો ઓસ્ટ્રિલિયા આ વર્લ્ડ કપ જીતી જશે તો ડેવિડ વોર્નર સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન હશે.
ભારત સામે મેચમાં વોર્નરની ધીમી બેટિંગનો બચાવ કરતા ક્લાર્કે કહ્યું કે, વનડે સામાન્ય રીતે T-20થી અલગ હોય છે. એવામાં તેમને વન ડે ફોર્મેટમાં પાછા આવવામાં સમય લાગી ગયો. તે પોતાની ઈનિંગમાં શરૂઆતથી જ ધેર્યથી રમી રહ્યાં હતા. લોકો કહી શકે છે કે વોર્નર સારું પ્રદર્શન નથી કરી રહ્યાં, પરંતુ તેમને બે વખત 150નો સ્કોર પાર કર્યો છે. આ જ બતાવે છે કે તે કેટલા અદભૂત ખેલાડી છે.