Thursday, May 19, 2022
Homeબોડેલી નજીક નર્મદા કેનાલમાં ગાબડું, સાઈફન તૂટી જતા હજારો લીટર પાણી કોતરમાં...
Array

બોડેલી નજીક નર્મદા કેનાલમાં ગાબડું, સાઈફન તૂટી જતા હજારો લીટર પાણી કોતરમાં વહી ગયું

- Advertisement -

છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના છછાદરા ગામની નર્મદાની સબ માઈનોર કેનાલમાં સાઇફન તૂટી જતા હજારો લીટર પાણી કોતરમાં વહી રહ્યું છે. અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ પણ વર્ષોથી વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે છછાદરા ગામના ખેડૂતોને એક ટીપું પાણી આજ દિવસ સુધી મળ્યું નથી.

ખેડૂતોને પાક બચાવવા માટે વર્ષોથી મુશ્કેલી પડે છે

બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી વચ્ચે આવતા ગામોને સિંચાઈ માટે પાણી મળે તે માટે માઈનોર કેનાલ અને સબ માઈનોર કેનાલ બનાવવામાં આવી છે. 30 વર્ષ પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેટલીક જગ્યાએ કેનાલના વહીવટકર્તાઓના અનગઢ વહીવટ ને કારણે છેવાડાના ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. અને આવા પીડિત ખેડૂતોને પોતાની મહેનતનો મહામૂલો પાક બચાવવા માટે વર્ષોથી મુશ્કેલી પડે છે. અને પાણી ખેતર સુધી પહોચાડવા માટે સેંકડો મીટર દૂર સુધી હજારો રૂપિયાના ખર્ચે પાઈપો નાખીને પાણી લઇ જવું પડે છે.

સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી છે

બોડેલી તાલુકાના છછાદરા તેમજ પાણેજ અને ચુન્ધેલીને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા માટે નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલી ભિલોડીયા માઈનોર કેનાલમાંથી છછાદરા સબમાઇનોર કેનાલ બનાવવામાં આવી છે. કેનાલમાંથી છછાદરા ગામના ખેડૂતોની 1500 હેક્ટર જમીનને આજ દિવસ સુધી એક ટીપું પાણી મળ્યું નથી. જેનું મુખ્ય કારણ ગામમાં જે સાઇફન બનાવ્યા છે તે ખુબ જ ઊંચાઈ પર છે. જેના કારણે પાણી સામે છેડે પહોચી શકાતું નથી. અને ખેડૂતો સુધી પાણી પહોચતું નથી. આ અંગે સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી છે. છતાંય કોઇ પરિણામ આવ્યું નથી. સમય જતા આ કેનાલનાં ઢાળિયા પણ તૂટી ગયા છે અને કેનાલ અને સાઇફનને જોડતી પાઇપલાઇન પણ તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ છે. જેને લઈને કેનાલમાં આવતું હજારો લીટર પાણી આ તૂટેલી જગ્યાએથી ધોધ સ્વરૂપે કોતરમાં વહી રહ્યું છે.

૩૦ વર્ષ પછી પણ એક ટીપું પાણી મળ્યું નથી

છછાદરા માઈનોર કેનાલમાંથી ૩૦ વર્ષ પછી પણ એક ટીપું પાણી મળ્યું નથી. ખેડૂતો એન્જિન મૂકીને પાણી લે છે, જેમાં ડીઝલનો ખુબ મોટો ખર્ચ આવે છે. આ કેનાલમાં પાણી નહીં આવતા 1500 હેક્ટર જમીન કોરાટ પડી રહી છે. ઘણીવાર રજૂઆતો કરી છે. સાહેબોને મળ્યા છીએ ધારસભ્યને પણ વાત કરી છે. પણ હજુ કોઈ પરિણામ આવ્યું નથી. પાણી કોતરમાં જાય છે  ખેડૂતોને મળતું નથી. અને ખેડૂતોને નુકસાન જાય છે. -બાબુભાઈ તડવી, સરપંચના પતિ, છછાદરા

પાણી કોતરમાં વહી જાય છે

સાઇફનના કુવાનું લેવલ ૩ ફૂટ ઊંચું નીચું છે તેને કારણે પાણી આવતું નથી. જેને લઈને સાઇફન વારંવાર તૂટી જાય છે. અને પાણી કોતરમાં વહી જાય છે. અમે તાલુકામાં, જીલ્લામાં બધે રજૂઆત કરી છે. છતાંય અમારા કામનું નિવારણ આવતું નથી.  -સુરપાલસિંહ રાજપૂત, સ્થાનિક ખેડૂત

ગામના યુવાનોને લગ્ન માટે કોઈ છોકરી પણ આપતું નથી

અમારે પાણીમાં જ મોટો ખર્ચ થઇ જાય છે એટલે અમારી પાસે બચત રહેતી નથી. સરકાર ભાવ આપે તો પણ અમારી પાસે કાઈ બચતું નથી. પાણી નહીં મળવાને લીધે યુવાનોને ખુબ તકલીફ પડે છે ગામના યુવાનોને લગ્ન માટે કોઈ છોકરી પણ આપતું નથી.  -દેવેન્દ્રસિંહ રાજપૂત, સ્થાનિક યુવાન ખેડૂત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular