બોની કપૂર ‘મિસ્ટર ઇન્ડિયા’ ફિલ્મની રિમેક બનાવશે, કહ્યું- શ્રી દેવીનાં ગયાં બાદ આ ફિલ્મને ફરી બનાવવાનાં ઘણાં કારણો છે

0
43

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મમેકર બોની કપૂરે કન્ફર્મ કર્યું કે, તે ‘મિસ્ટર ઇન્ડિયા’ રીબૂટ માટે પ્લાનિંગ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, ‘શ્રી દેવીના મૃત્યુ બાદ મારી પાસે ઘણાં બધાં કારણો છે આ ફિલ્મ બનાવવાના.’ 1987માં બનેલી ક્લાસિક ફિલ્મમાં શ્રી દેવીની સામે બોની કપૂરનો ભાઈ અનિલ કપૂર અને ‘મોગેમ્બો’ના આઇકોનિક વિલનના રોલમાં અમરીશ પુરી હતા.

ફિલ્મને લઈને બોની કપૂરે જણાવ્યું કે, ‘વિચાર એવો છે કે પહેલાં ફિલ્મનું નવું વર્ઝન બનાવવું અને ત્યારબાદ તેની ફ્રેન્ચાઇઝી બનાવવી. આ ફિલ્મ હાલના સમય મુજબની હોવી જોઈએ. અમારા મગજમાં બેઝિક સ્ટ્રક્ચર છે. અમે હજુ સુધી કોઈ ટાઈમલાઈન નક્કી નથી કરી પણ ફિલ્મને જલ્દી બનાવવાનો ઈરાદો છે.’

બોની કપૂરે વધુમાં એવું પણ જણાવ્યું કે, ‘આ ફિલ્મે શ્રી દેવીની ઇમેજ બદલવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અગાઉ શ્રી દેવી ગ્લેમરસ સ્ટાર તરીકે ગણાતી હતી, પરંતુ ‘મિસ્ટર ઇન્ડિયા’ ફિલ્મ બાદ લોકોના શ્રી દેવીને લઈને વિચાર બદલી ગયા હતા. ત્યારબાદ તેની ગણતરી પાવરફુલ એક્ટ્રેસ તરીકે થવા લાગી હતી. અનિલને પણ ત્યારબાદ ઘણી નામના મળી.’

ઓરિજિનલ ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર નવા ફિલ્મ સાથે જોડાઈ શકે કે કેમ એ અંગે વાત કરતાં બોનીએ જણાવ્યું કે, ‘જો શેખર ફ્રી હોય તો તે આ ફિલ્મને ડિરેક્ટ કરી શકે છે. ઓરિજિનલ ફિલ્મની કાસ્ટ અને ક્રુમાંથી જે કોઈપણ આ નવી ફિલ્મ સાથે જોડાવા માગતા હોય તે ફરી જોડાઈ શકે છે.’

અગાઉ અનિલ કપૂરે ‘મિસ્ટર ઇન્ડિયા’ની સિક્વલને લઈને હિન્ટ આપી હતી જ્યારે તે ફિલ્મનાં ડિરેક્ટર શેખર કપુરને મળ્યો હતો. ત્યારે શેખર કપુરે તેનો અને અનિલનો ફોટો મૂકીને લખ્યું હતું કે, ‘મિસ્ટર ઇન્ડિયા 2 માટેનો લુક ડિસ્ક્સ કરી રહ્યા છીએ અથવા કોઈ બીજી મૂવી સાથે? તું કહે અનિલ.’ અનિલ કપૂરે વળતો જવાબ આપ્યો હતો કે, ‘હું અને શેખર કંઈક નવું અને મજેદાર બનાવવા અંગે ગહન ચર્ચા કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે, મિસ્ટર ઇન્ડિયામાં જે જાદુ અમે કર્યો હતો તેવો જ જાદુ અમે ફરી કરી શકીએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here