દેશમાં ખેડૂત આંદોલનની આગ લાગી છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સોશિયલ મીડિયામાં ખેડૂતોને નામે એક પત્ર લખી દાવો કર્યો હતો કે 2002માં ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક અંદાજે રૂપિયા 9000 કરોડ હતી, જે આજે વધીને દોઢ લાખ કરોડથી વધુ થઈ છે, એટલે કે ખેડૂતોના ઘામાં મરચું ભભરાવતા પાટીલના આ દાવા મુજબ 18 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક 16 ગણી વધી છે.
એક તરફ, ગુજરાતના ખેડૂતો પાયમાલીના પંથે છે તો બીજી તરફ, પાટીલ કહે છે કે ખેડૂતોએ જંગી કમાણી કરી છે. તેમના દાવા મુજબ, ગુજરાતના ખેડૂતો મહિને રૂ. 24,000ની કમાણી કરે છે, જ્યારે કેન્દ્ર સરકારની કૃષિ પોકેટ બુકના આંકડા મુજબ, ગુજરાતના ખેડૂતની માસિક આવક માત્ર રૂ. 3500 જ છે. પાટીલને પોતે બફાટ કર્યાનું ભાન થતાં જ બે કલાકમાં જ પોસ્ટ ડિલિટ કરી હતી.
પાટીલે પણ આ આંકડાઓ ક્યાંથી લીધા છે એનો ઉલ્લેખ કર્યો નહોતો. તેમના દાવા મુજબ, 2002માં ખેડૂતોની વાર્ષિક આવક 9000 કરોડની હતી. એ પછી સરકારી આંકડા મુજબ, 11 ટકાના દરે વિકાસ થયો છે. આ આંકડા સાચા માનીએ તોપણ દોઢ લાખ કરોડની આવક થતી નથી.