ભાઠામાં ઝાડીમાંથી 9 વર્ષની બાળા ફાંસો ખાધેલી હાલતમાં મળી, હત્યાની આશંકા

0
32

સુરતઃ  ભાઠા ગામ માલિક મહોલ્લા પાસે બાવળની ઝાડીઓમાંથી રવિવારે સાંજે 9 વર્ષની બાળકીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહોલ્લાનાં બાળકોનું ધ્યાન જતાં બાળકીની માતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બાદ મૃતદેહ ઉતારી લેવાયો હતો. શંકાસ્પદ જણાતા આ મામલામાં પીએમ કરનાર તબીબોએ પણ શંકાસ્પદ ભૂમિકા ભજવી નિયમ વિરુદ્ધ રાત્રે પોસ્ટમોર્ટમ કરી નાખ્યું હતું. કોઈ એન્ટ્રી વગર લાશ પરિવારને સોંપી દેવાતાં મોતનું રહસ્ય ઘેરાયું છે.

ભાઠા ગામ માલિક મહોલ્લા ખાતે રહેતા રમેશભાઈ રાઠોડનું 1 વર્ષ અગાઉ અવસાન થયા બાદ તેમની પત્ની ગીતા સુનીલ નામના યુવક સાથે એક વર્ષથી રહે છે. બન્ને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સાંજે ગીતાબેનની મોટી પુત્રી રોશની (ઉ.વ.9)ઘરથી થોડાક અંતરે બાવળની ઝાડીઓમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મહોલ્લાના છોકરાઓની નજર પડતાં તેમણે ગીતાબેનને જાણ કરી હતી. જેથી ગીતાબેન ત્યાં દોડી ગયાં હતાં. બનાવની જાણ થતાં ઇચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે રોશનીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.

ઇચ્છાપોર સીએચસીમાં પોસ્ટમોર્ટમની સુવિધા ન હોવાથી તેનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોડી સાંજે 7:30 વાગ્યે મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો હતો. નિયમ મુજબ શંકાસ્પદ મોતના કિસ્સામાં સાંજે 6 વાગ્યા પછી પોસ્ટમોર્ટમ કરી શકાય નહીં. જોકે, પોસ્ટમોર્ટમ કરવા માટે સિવિલ પહોંચેલા ઇચ્છાપોર સીએચસીના ડો.હિમાંશુ ગામીત અને ડો.મિહિર આઇસક્રીમવાલાએ નિયમ વિરુદ્ધ રાત્રે જ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું હતું અને રાતોરાત રોશનીના મૃતદેહને પરિવારને સોંપી દીધો હતો. ત્યારે બંને તબીબોએ કોના દબાણમાં આવી નિયમ વિરુદ્ધ રાત્રે પોસ્ટમોર્ટમ કર્યું તે પણ અહીં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.

ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના એમ.આઈ. પઠાણે જણાવ્યું હતું કે, અમને આપઘાત બાબતે શંકા હતી. જેથી અમે ફોરેન્સિક વિભાગની મદદ લીધી હતી. પોસ્ટમોર્ટમમાં પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. સાવકો પિતા માર મારતો હોવાથી બાળકીએ આપઘાત કર્યો હોય તેવી શક્યતા દેખાઈ છે. આ કેસમાં હત્યા કે આત્મહત્યા અંગે તપાસ ચાલુ છે.

માસૂમ રોશની અગાઉ ધોરણ 3માં અભ્યાસ કરતી હતી. એક મહિના પહેલા જ તેનું સ્કૂલમાંથી નામ કમી કરાવી લેવામાં આવ્યું હતું અને અભ્યાસ છોડાવી દેવાયો હતો. ઘરનું તમામ કામ રોશની કરતી હતી.

મૃતક રોશનીના સગા મામા મુકેશ રાઠોડે તેના મોત અંગે શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રોશનીના ગળામાં દુપટ્ટાનો ફાંસો લાગેલો હતો. તેમાં આઠ જેટલી ગાંઠ મારેલી હતી. જે ખૂલતી પણ ન હતી. દુપટ્ટો કાપીને રોશનીના ગળામાંથી કઢાયો હતો. તેના આંતરવસ્ત્ર પર લોહી જેવા ડાઘ પણ હતા. બાળકી ફાંસો ખાય તો આટલી મજબૂત ગાંઠ કેવી રીતે લાગે રોશની સાથે કઈક ખોટું થયું હોય અને તેની હત્યા થઈ હોય તેવી અમને શંકા છે.

મૃતકની માતા ગીતા રાઠોડે જણાવ્યું હતું કે, હું મજૂરી કરીને ઘરે પાછી આવી ત્યારે રોશની ઘરમાં રોટલી બનાવતી હતી. તે ક્યારે પાછળના રસ્તેથી ઝાડીઓ તરફ જતી રહી તેની મને ખબર જ ન પડી. છોકરાઓ રમતાં-રમતાં ઝાડીઓ બાજુ ગયા ત્યારે તેમની નજર પડતાં મારી પાસે દોડી આવી મને જણાવ્યું હતું. જેથી હું તરત જ દોડતી-દોડતી ત્યાં પહોંચી ગઈ હતી. પણ ત્યાં સુધીમાં તો રોશનીની જીભ બહાર આવી ગઈ હતી. આ પહેલાં પણ રોશનીએ વૃક્ષ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જોકે, બૂમો પાડતાં હું દોડીને ગઈ અને દાતરડા વડે દુપટ્ટો કાપી નાખતાં ત્યારે રોશની બચી ગઈ હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાત્રે પોસ્ટમોર્ટમ કરાયું હોય તેવી વાત મળી છે. એક્સિડન્ટ સિવાયના કોઈ પણ કેસમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી. રાત્રે પોસ્ટમોર્ટમ શા માટે કરાયું તે અંગે તપાસ કરી પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરો પાસે ખુલાશો માંગીશું અને જો દોષિત જણાશે તો તે અંગે કાર્યવાહી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here