ભાનુશાળીની હત્યા મામલે સુરજિત ભાઉ અને શેખરની અટકાયત

0
329

અમદાવાદઃ અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને કરાયેલી હત્યાના ગુનામાં સીઆઇડી
ક્રાઇમે સૂરજિત ભાઉ તથા શેખર નામના વ્યક્તિને ઝડપી લીધા છે. જ્યારે મોડી રાત્રે મૂળ વાપીની મનીષા ગોસ્વામીની પણ કચ્છમાંથી અટકાયત કરાઈ હોવાની અટકળો વહેતી થઈ છે. ભાનુશાળીની હત્યા નીપજાવનારા શૂટરોને પૂનાથી બોલાવ્યા હોવાની વાત સામે આવતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાવાની શક્યતાઓ વચ્ચે શુક્રવારે સાંજે મીડિયા સમક્ષ જાહેરાત થવાની અટકળો વહેતી થઈ હતી.

પોલીસે બતાવેલા CCTV પરથી મનજીબાપુએ સુરજિત ભાઉને ઓળખી બતાવ્યો

ATS અને CID ક્રાઇમની ટીમોએ ભુજમાં ધામા નાખ્યા હતા

ભાનુશાળીની હત્યા મુદ્દે એટીએસ અને સીઆઇડી ક્રાઇમની ટીમોએ ભુજમાં ધામા નાખ્યા હતા. દરમિયાન, રેલવે સ્ટેશન, હાઈવે અને શહેરના સીસીટીવી ફૂટેજ તેમજ રિઝર્વેશન ચાર્ટ સહિતના સાંયોગિક પુરાવા મેળવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મેળવવામાં આવેલાં ફૂટેજમાં દેખાતી વ્યક્તિઓ ટિકિટ ચેકર, એટેન્ડન્ટ તથા સહપ્રવાસી પવન મોરેએ કરેલા હત્યારાના વર્ણન સાથે મળતી આવતી હતી. દરમિયાન, જયંતી ભાનુશાળીની અંતિમવિધિમાં આવેલા મનજીબાપુને ભાનુશાળી પોતાના ગુરુ માનતા હતા. પોલીસ દ્વારા રેલવેની તેમને ઓફિસે લઈ જવાયા હતા. જ્યાં તેમને કબ્જે કરાયેલા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. જેના આધારે તેમણે પૂનાના સૂરજિત ભાઉને ઓળખી બતાવ્યો હતો.

અધિકારીઓની ચૂપકીદીનું કારણ શું?

આ કેસની સિલસિલાબદ્ધ હકીકત જાહેર કરવા માટે ગાંધીનગર ખાતે અધિકારીઓની બેઠકોનો દૌર શરૂ થયો છે. દરમિયાન, સીઆઇડી- રેલવેના ડીજી આશિષ ભાટિયા મીડિયાકર્મીઓના ફોન ઉપાડતાં ન હોવાથી શુક્રવારે મોડી સાંજે સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયા પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરશે તેવી વાતે જોર પકડ્યું હતું. નવાઇની વાત તો એ છે કે, સાંજે પરિસ્થિતિ પલટાઇ ગઇ હતી. અધિકારીઓએ ચર્ચામાં રહેલી વાત અંગે નનૈયો ભણવાનું અને ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. પરિણામે, એકાએક ગાંધીનગરના ઉચ્ચ વર્તુળોમાંથી રાજકીય ચેઇન પુલિંગ થયાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ભાનુશાળીના પોસ્ટરોએ હત્યારાને સાવચેત કર્યા

અમદાવાદમાં રહેતા જયંતી ભાનુશાળી ભુજની સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દરમિયાન તેઓ ગત તા. 3 જાન્યુઆરીના રોજ રાતા તળાવ ટ્રસ્ટ તથા સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપવા ભુજ ગયા હતા. એ પહેલાં તેમને આવકારતાં પોસ્ટર લગાવાયાં હતાં. તેનાથી ગુનેગારો સચેત થઇ ગયા હોવા જોઈએ અને તેમણે હત્યાના કાવતરાને અંજામ આપવાનું ગુનેગારોએ કાવતરું રચી નાખ્યું હોવું જોઈએ.

મનજીબાપુએ મનીષા સાથે સમાધાન કરાવ્યું હતું

ભાનુશાળીની હત્યાના કેસમાં તેમના ભત્રીજા સુનીલે મૂળ વાપીમાં રહેતી મનીષા ગોસ્વામીને પણ આરોપી ગણાવી છે. મનીષાએ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પછીથી તેમના વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાન માટે જયંતી ભાનુશાળીના ગુરુ મનજીબાપુની મહત્ત્વની ભૂમિકા રહી હતી. દરમિયાન, શુક્રવારે મોડેથી મનીષાની કચ્છમાંથી અટકાયત કરાયાની અટકળો વહતી થઈ હતી.

જયંતી ઠક્કરને બોલાવી પૂછપરછ કરાઈ

ભાનુશાળીની હત્યાના ગુનાની ફરિયાદમાં જેમને આરોપી તરીકે દર્શાવ્યા છે તેવા જયંતી જેઠાલાલ ઠક્કરનું પોલીસે ગુરુવારેની રાત્રે નિવેદન લીધું હતું. જોકે મનીષા ગોસ્વામીનું નિવેદન હજુ લઈ શકાયું નથી. આ સિવાય ફરિયાદી સુનિલ વસંતભાઈ ભાનુશાળીનું રેલવે પોલીસ દ્વારા શુક્રવારે નિવેદન લેવામાં આવ્યું હતું.

મેં ભાનુશાળીને ચેતવ્યા હતા: મનજી

ભાનુશાળી મનજીબાપુને ગુરુ માનતા હતા. અમદાવાદ આવતાં પહેલાં ભાનુશાળી મનજીબાપુને મળ્યા હતા તેવી વાત ચર્ચાઈ રહી છે. સીઆઈડી ક્રાઇમે લીધેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મેં જયંતી ભાનુશાળીને સાવચેત રહેવા માટે ચેતવ્યા હતા.’

ઉમેશે એટ્રોસિટીની ફરિયાદ નોંધવી

ભાનુશાળીના ભત્રીજા સુનિલે તેના કાકાની હત્યામાં સામેલ હોવા અંગે દર્શાવેલા છ શકમંદમાંથી એક એવા પત્રકાર ઉમેશ પરમારે તેને ખોટી રીતે કેસમાં ખોટી રીતે સંડોવાયો હોવાની રજૂઆત કરી સુનીલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગાંધીધામ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ટ્રેન ઉપડતાં પહેલાં બે જનરલ ટિકિટ ACમાં કન્વર્ટ કરાઈ હતી

જયંતી ભાનુશાળી જે સયાજીનગરી એક્સપ્રેસમાં મુસાફરી કરવાના હતા એ જ ટ્રેનની જનરલ ટિકિટ ખરીદ્યા બાદ બે જણાએ ટિકિટ ચેકર પાસે સેકન્ડ એસી.માં ટિકિટ કન્વર્ટ કરાવી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ ટિકિટ કન્વર્ટ કરાવનારા કોણ છે? તેમણે કેમ ટિકિટ કન્વર્ટ કરાવી? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરીને મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. બીજી તરફ હત્યારા સેકન્ડ એસીના દરવાજેથી અંદર ઘૂસ્યા હોવાની પોલીસને માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે જનરલ ટિકિટમાંથી સેકન્ડ એસીમાં ટિકિટ કન્વર્ટ કરાવનારાઓ હત્યામાં સામેલ છે કે પછી અન્ય કોઈ બે શખ્સો ગાંધીધામથી ટ્રેનમાં ચઢ્યા હતા? તે ચકાસવાની કામગીરી પોલીસે હાથ  ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here