Monday, January 24, 2022
Homeભાનુશાળી હત્યા કેસ, મનિષા અને ભાઉની સીધી સંડોવણી, નવા વળાંકો આવવાની શક્યતા
Array

ભાનુશાળી હત્યા કેસ, મનિષા અને ભાઉની સીધી સંડોવણી, નવા વળાંકો આવવાની શક્યતા

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે રિમાન્ડ ઉપર લેવાયેલા પુનાના વિશાલ નાગનાથ યલ્લમ કાંબલે પાસેથી સીટને અનેક નવી વિગતો જાણવા મળી છે. જેમાં મનિષા ગોસ્વામી, સુરજિત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટ સહિતના શખ્સોની સંડોવણી ખુલી છે. છબીલ પટેલ અને વિશાલ કાંબલે એકબીજાને ઓળખતા નહોતા.પરંતુ મનિષા ગોસ્વામી, સુરજિત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટે તેની ઓળખાણ કરાવી. ત્યાર બાદ વિશાલે શશીકાંત અને અનવરને બોલાવી સોપારી અપાવી હતી. આરોપી વિશાલની કેફિયતના આધારે મનિષા અને ભાઉ સહિત ત્રણેય શખ્સો આ હત્યા કેસમાં સીધી રીતે સામેલ હોવાની વિગતો સામે આવી છે.

6થી 7 શખ્સોએ નવેમ્બરમાં ષડયંત્ર રચવાની શરૂઆત કરી જાન્યુઆરીમાં અંજામ આપ્યો

વિશાલે છબીલની શાર્પ શૂટરો સાથે મુલાકાત કરાવી હતી
આ મામલે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, વિશાલ કાંબલેએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને શાર્પશૂટર શશીકાંત દાદા કાંબલે અને અશરફ અનવર શેખની પ્રથમ મુલાકાત કરાવી હતી. વિશાલ સંબંધમાં શશીકાંતનો દૂરનો બનેવી થાય છે. મુખ્ય સૂત્રધાર છબીલ અને શાર્પશૂટરો વચ્ચે 9 નવેમ્બર 2018ના રોજ મુંબઇ (વાસી)માં આવેલા ઇનોરબીટ મોલમાં પહેલી મુલાકાત કરાવાઇ હતી. જેમાં રૂા. 30 લાખમાં સોપારી આપવાનું નક્કી થયા બાદ એડવાન્સ પેટે રૂા. પાંચ લાખ અપાયા હતા.
શશીકાંત, અશરફ, વિશાલે એક-એક હથિયાર રાખ્યું હતું
શાર્પ શૂટર અશરફ શેખે આ એડવાન્સ રકમમાંથી રૂા. બે લાખ લઇને રૂા. 1.30 લાખમાં ત્રણ પિસ્તોલ અને 15 કારતૂસ ખરીદ્યા હતાં. ત્યાર બાદ શશીકાંત, અશરફ અને વિશાલે એક-એક હથિયાર રાખ્યું હતું.પૂછપરછમાં સ્પષ્ટ થયેલી કાવતરાની વિગતો મુજબ આ ભાનુશાળીની હત્યા પહેલાં ભુજમાં એરપોર્ટ રિંગરોડ ઉપર આવેલા તેના નિવાસસ્થાને કરવાના હતા. પરંતુ તે શકય ન લાગતાં આ વિચાર પડતો મુક્યો હતો.
સ્ત્રીના સંપર્કમાં લાવી રાંચીમાં ઢીમઢાળવાની તૈયારી થઈ હતી
ત્યાર બાદ ભાનુશાળીને રાંચી કે જમશેદપુરની એક સ્ત્રીના સંપર્કમાં લાવી હનિટ્રેપ રચીને રાંચી બોલાવવા સમયે રાંચી-જમશેદપુર વચ્ચે હત્યા કરવાની યોજના ઘડાઈ હતી. જેથી 11થી 15મી ડિસેમ્બર દરમિયાન શશીકાંત, અનવર અને રાજુ કાતરે નામનો અન્ય એક શખ્સ રાંચી પહોંચ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશનની નજીક આવેલી હોટલ પેરેડાઇઝમાં રોકાયા હોવાના પુરાવા પણ સીટને મળ્યા છે. ત્યાર બાદ હત્યાને અંજામ આપવા 15 ડિસેમ્બરે વિશાલ કાંબલે પણ રાંચી પહોંચ્યો હતો. પરંતુ જયંતી ભાનુશાળી દિલ્હીથી અમદાવાદ પરત ચાલ્યા જતાં આ યોજના પણ નિષ્ફળ રહી હતી.
ભાનુશાળીની હત્યા માટે લીધેલી પિસ્તોલથી પુનામાં હત્યા કરાઈ
આ દરમિયાન વિશાલ કાંબલે મુખ્ય આરોપી સાથે ત્રણ-ચારવાર ભુજ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમયે વિશાલ અને શાર્પશૂટર સહિતના આરોપી અમદાવાદની એક હોટલમાં રોકાયા હતા. જો કે અંતે ભાનુશાળીની સયાજીનગરી ટ્રેનમાં જ હત્યા કરવાની યોજના ઘડી હતી. આ માટે સમય લાગે તેમ હોવાથી વિશાલ કાંબલે 5 જાન્યુઆરીએ તેનો જન્મદિન હોવાથી પુનામાં રોકાયો હતો. જ્યાં 6 જાન્યુઆરીએ સંદીપ દેવકરણની ગોળી મારી હત્યા કરાઇ હતી. આ કેસમાં તેની પાસે ભાનુશાળીની હત્યા માટે ખરીદેલી પિસ્તોલનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં તેની ધરપકડ થયા બાદ સીટે યરવાડા જેલમાંથી તેનો કબજો લીધો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular