ભાનુશાળી હત્યા કેસ, ‘મીઠી ખારેક’ની CDને લઈ SIT મૌન, 4 શખ્સોના નિવેદન લેવાયા

0
963

અમદાવાદઃ પોલીસને જયંતી ભાનુશાળી હત્યા કેસની તપાસ CDકાંડને કારણે સંવેદનશીલ લાગે છે. મીડિયાથી બચવા અને ગુનાનું સ્થળ કચ્છમાં હોવાથી ‘ઉપરી’ની સુચનાથી SITએ નાછૂટકે કચ્છમાં ધામા નાંખવા પડ્યાં છે. હત્યામાં ઝડપાયેલા પ્રથમ બે આરોપી નીતિન અને રાહુલ પટેલ સાથે નારાયણી ફાર્મમાં રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. તેમજ ચાર શખ્સોના કોર્ટમાં નિવેદન લેવાયા હતા. માત્ર એટલું જ નહીં, ‘મીઠી ખારેક’ તરીકે ચર્ચાસ્પદ CDકાંડ ઉજાગર ન થાય તે માટે SIT અને મદદગાર એજન્સીઓએ મૌન ધારણ કર્યું છે.

મોબાઈલ, CPU અને લેપટોપ કબજે લઈ સેક્સ સીડીઓ સલામત કરી?

CDકાંડથી અનેક લોકોના જીવ ઊંચા થયા

પોલીસ સૂત્રો અંદરખાને સ્વીકારે છે કે, છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીએ યુવતીઓનો ઉપયોગ કરી સામસામી પોલીસ ફરિયાદો કરાવી તેમાં બન્ને CD વિવાદના કળણમાં ફસાતા ગયા. ડીસેમ્બરમાં રાજકીય આગેવાને કરેલા અંતિમ પ્રયાસરૂપ ‘સમાધાન બેઠક’ નિષ્ફળ રહ્યાં પછી ‘મરૂં કે મારૂં’ની સ્થિતિ સર્જાઈ હતી. ભાનુશાળીની હત્યા થઈ અને છબીલ પટેલ મુખ્ય સુત્રધાર તરીકે ઉપસી આવ્યો. પરંતુ મીઠી ખારેક તરીકે ચર્ચાસ્પદ CDકાંડથી અનેક લોકોના જીવ ઊંચા થઈ ગયાં છે. તેમજ મદદગારોએ તપાસ દરમિયાન CDકાંડમાં રાહત મળે તે માટે મોબાઈલ ફોન, સીપીયુ અને લેપટોપ કબજે કર્યા હોવાની ચર્ચા છે. મનિષા ગોસ્વામી અને મુંબઈની યુવતીને પકડી પૂછપરછ કરાય તો ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેના લોહીયાળ વિવાદમાં CDકાંડ જ હોવાનું સ્પષ્ટ થાય તેવી ચર્ચા પણ છે.

છબીલ પટેલને ઝડપી CDકાંડ પર પડદો પાડવા પોલીસ સક્રિય

બીજી તરફ, ભાનુશાળી હત્યાના સુત્રધાર તરીકે ઉપસી આવેલા છબીલ પટેલ ખરેખર મસ્કતમાં છે કે કેમ? તેની તપાસ કરવા એસઆઈટી કેન્દ્રીય એજન્સીની મદદ લઈ શકે છે. પોલીસને એવી વિગતો મળી છે કે, છબીલ પટેલે ભાગી છૂટીને આશ્રય મેળવવા ખારેકમાંથી દારૂ બનાવતી ડીસ્ટીલરી ધરાવતા મિત્રોની મદદ લીધી છે. મદદગાર પોલીસ હવે છબીલ પટેલને ઝડપી લઈ CDકાંડના વિવાદ ઉપર સંપૂર્ણ અંકુશ મેળવવા સક્રિય બન્યાંની ચર્ચા છે..

164 મુજબ ઈન કેમેરા અને બંધબારણે નિવેદન લેવાયા

સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ગઈકાલે નારાયણી ફાર્મમાં છેલ્લા ઘણા સમયથી કામ કરતા એક આદિવાસી શખ્સ ઉપરાંત તેના પુત્ર તથા અન્ય ત્રણ હિન્દી ભાષી શખ્સને ગઈકાલે સીટની ટુકડીએ ભારે ગુપ્તતા વચ્ચે ભચાઉની કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં છબીલ પટેલના રેલડી(ભુજ) સ્થિત નારાયણી ફાર્મ ખાતે કામ કરતા કર્મચારીઓ સહિત ચારેક શખ્સોના ન્યાયાધીશ સમક્ષ સી.આર.પી.સી. 164 મુજબ ઈન કેમેરા અને બંધબારણે નિવેદન લેવાયા હતા. જો કે આદિવાસી કર્મચારીના પુત્રનું નિવેદન લેવાયું ન હતું પણ તેના આધારો તપાસનીશો દ્વારા હસ્તગત કરાયા હતા.

નિવેદનમાં ટેકારૂપ પુરાવા મળ્યાં

આ કાર્યવાહી વિશે સત્તાવાર રીતે કોઇ વિગતો બહાર આવી નથી, પણ સૂત્રો શાર્પશૂટર મનાતા શખ્સો અને તેમની સાથે યરવાડા (પૂના)થી આવેલા અને ફાર્મમાં રોકાયેલા ત્રણ મરાઠી શખ્સો મળી કુલ ચાર લોકોના નિવેદન લેવાની આ કાર્યવાહીમાં ટેકારૂપ પુરાવા મળ્યા છે. તેમજ સમગ્ર કાંડના મુખ્ય ભેજાં અને સૂત્રધારની ભૂમિકા વિશે પણ મહત્ત્વની કડીઓ પ્રાપ્ત થઇ છે. સીટની ટુકડીની આજની આ કાર્યવાહી બાદ હવે બેથી ત્રણ દિવસમાં વધુ કેટલાક આરોપીની ધરપકડ થવાનીસંભાવના છે.

શાર્પશૂટર મનાતા બે શખ્સને 10 દિવસ પહેલાં જ ઉઠાવી લેવાયા

યરવાડા (પૂના)પોલીસને ટાંકીને વહેતા થયેલા અખબારી અહેવાલ મુજબ જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પશૂટર મનાતા બે શખ્સને 10 દિવસ પહેલાં જ ઉઠાવી લેવાયા છે. તેમજ ગુજરાત પોલીસ અન્ય પાંચેક શખ્સોને પણ લઇ ગઇ હોવાની ચર્ચા છે. આ સમગ્ર સ્થિતિ જોતાં હત્યાને અંજામ’ આપનારા બે શાર્પશૂટર પૈકી એક હિન્દુ અને એક મુસ્લિમ છે. આ બન્ને યરવડાના વતની છે. હિન્દુ શખ્સ જે જુદાજુદા 15 જેટલા ગુનામાં સંડોવાયેલો છે અને તે વાપીમાં રહેતો હતો. આ સિવાય કેસને સંલગ્ન અન્ય માથાઓ મનિષા ગોસ્વામી અને સુરજિત ભાઉ પણ વાપીના વતની હોવાથી તપાસનીશો આ તમામની એકમેક સાથેની કડીઓ જોડી જોડી હત્યા કેસ ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here