કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટીયરિંગ કમિટીમાં બેઠક બોલાવી હતી. જેમાં તમેણે તમામ હોદ્દેદારો પાસે પોતા પોતાના વિસ્તારના કામનો હિસાબ માગ્યો હતો અને તેમણે સુચન આપ્યું હતું કે તમામને પોત પોતાના વિસ્તારમાં કામ કરવું પડશે. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, અશોક ગહલોક સહિત પાર્ટીના આગેવાનો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં પક્ષને લઈ અનેક નિર્ણય કરવામાં આવ્યાં છે. જેમાં એવો નિર્ણય લેવાયો છે કે, ભારત જોડો યાત્રા બાદ હાથથી હાથ જોડો યાત્રા શરૂ કરવામાં આવશે, સાથો સાથ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે.
ખડગેના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ સ્ટીયરિંગ કમિટીની આ પ્રથમ મોટી બેઠક હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરીની આસપાસ ભારત જોડો યાત્રા શ્રીનગર પહોંચશે, ત્યારબાદ 26 જાન્યુઆરીથી હાથ જોડો અભિયાન શરૂ કરવામાં આવશે. બે મહિના સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત બ્લોક કક્ષાએ પ્રવાસ, જિલ્લા કક્ષાએ સંમેલન અને રાજ્ય કક્ષાએ સંમેલન કરવામાં આવશે. જેમાં ભારત જોડો યાત્રાનો સંદેશો અને મોદી સરકાર વિરૂદ્ધની ચાર્જશીટ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે, જેમાં ખડગે સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ ભાગ લેશે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે પ્રિયંકા ગાંધી દરેક રાજ્યમાં મહિલા માર્ચનું નેતૃત્વ કરશે.
આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં હાજર તમામ મહાસચિવો અને પ્રભારીઓને ગ્રાઉન્ડ લેવલ પર થયેલા ફેરફારો અંગે સવાલ કર્યા હતા. તેમણે પૂછ્યું કે શું તમે જવાબદારી વાળા રાજ્યો-પ્રાન્તોની મુલાકાત લો છો? શું તમે સ્થાનિક સમસ્યાઓને જાણી છે? તેમણે એમ પણ પૂછ્યું કે એવા કેટલા એકમો છે જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લા અને બ્લોક બદલાયા નથી? આ દરમિયાન ખડગેએ ભારત જોડો યાત્રા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આજે આ યાત્રાને 88 દિવસ વીતી ગયા છે. આ યાત્રાએ હવે રાષ્ટ્રીય ચળવળનું સ્વરૂપ લીધું છે. આ આંદોલન મોંઘવારી, બેરોજગારી, આર્થિક અને સામાજિક અસમાનતા, નફરતની રાજનીતિ સામે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના આ ઠરાવ સાથે દેશના કરોડો લોકો જોડાયેલા છે.