ભુજ : પોલીસના હાથમાંથી કોર્ટ પાસેથી ભાગેલો દુષ્કર્મનો આરોપી છસરાથી ઝડપાઇ ગયો

0
19

ભુજ: ભુજ કોર્ટમાં દુષ્કર્મના કેસમાં હાજરી ભરવા પોલીસ જાપ્તા હેઠળ આવેલો માંડવીના મેરાઉ ગામનો આરોપી પોલીસને થાપ આપી જતાં ચકચાર મચી ગઇ હતી. જોકે પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી નાકા બંધી કરીને આરોપીને મુન્દ્રા તાલુકાના છસરા ગામના પાટીયા પાસેથી સાંજે સાત વાગ્યાના અરસમાં ઝડપી પાડ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત 2018માં માંડવી પોલીસ સ્ટેશનના દુષ્કર્મ કેસના આરોપી જાવેદ ઉર્ફે જાવલો જુમા કુંભાર રહે મેરાઉને શનિવારે પાલારા જેલથી હેડ ક્વાર્ટર પોલીસ ટુકડીના જાપ્તા હેડળ ભુજ કૉર્ટમાં લઇ આવાયો હતો. કોર્ટની કાર્યવાહી દરમિયાન એક વાગ્યાના અરસામાં કોર્ટ રૂમની બહારથી પોલીસની નજર ચુકવી આરોપી જાવેદ નાશી ગયો હતો. આ અંગે જાપ્તાના પોલીસ કર્મીઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં તુરંત જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી દેવાઈ હતી. અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્રારા ઠેર ઠેર નાકાબંધી કરી દેવાઈ હતી. તેમજ બોર્ડર રેન્જ આઇજી ડી.બી.વાઘેલા અને ઇન્ચાર્જ એસપી બી.એમ.દેસાઇ તેમજ ભુજ વિભાગના ડીવાય એસપી જે.એન.પંચાલે પણ તુરંત એક્ટિવ થઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચને જુદી જુદી ટીમ બનાવી આરોપીના ઝડપી લેવા કામે લગાડી દિધી હતી.

દરમિયાન સાંજે સાડા છ વાગ્યાના અરસામાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.ઔસુરાને બાતમી મળી હતી કે, જાવેદ ભુજથી નાસીને અંજાર ગયા બાદ મુંદરાના છસરા ગામે રહેતી તેની ફઈના ઘર તરફ જાય છે. જેથી એલસીબી પીઆઈ એમ.બી.ઔસુરાએ એક ટીમને છસરાના માર્ગે વૉચમાં ગોઠવી દીધી હતી. જાવેદ જેવો ત્યાંથી નીકળ્યો કે તુરંત છસરા ગામના પાટીયા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી જાવેદ ઊર્ફે જાવલો જુમા કુંભાર પોલીસ ધરપકડ બાદ છેલ્લાં 7-8 માસથી પાલારામાં જ્યુડિસિયલ કસ્ટડીમાં હતો આરોપીના જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓ સામે બેદરકારી દાખવવા બદલ વિરુધ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઇ રહી છે.એલસીબીએ આરોપી વિરુધ્ધ મુંદરા પોલીસ મથકે જાપ્તામાંથી નાસી જવાનો વધુ એક ગુનો નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here