નવી દિલ્હીઃ મધ્યપ્રદેશનાં ભોપાલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં પ્રવાસ પહેલા જ પાર્ટી તરફથી વિવાદીત પોસ્ટરો ભોપાલમાં જોવા મળ્યા હતા. જેમાં રાહુલ ગાંધીને ફરી ભગવાન રામનાં વેશમાં બતાવવામાં આવ્યા છે. આ બેનરમાં રાહુલ સાથે પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી કમલનાથ પણ જોવા મળી રહ્યા છે.
8મી ફેબ્રુઆરીએ રાહુલ ભોપાલનાં પ્રવાસે
8મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ભોપાલ પ્રવાસ પહેલા જ ત્યા લગાડવામાં આવેલા પોસ્ટરોથી ફરી વિવાદમાં સપડાયા છે. ભોપાલનાં રસ્તાઓ પર કોંગ્રેસ તરફથી લગાવાયેલા પોસ્ટરોમાં રાહુલ ગાંધીને ‘રામ ભક્ત’ બતાવવામાં આવ્યા છે.
મોદીને રાવણનાં રૂપમાં દર્શાવાયા
આ પોસ્ટરોમાં મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથને ‘હનુમાન અને ગૌભક્ત’ બતાવવામાં આવ્યા છે. ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લગાવાયેલા બેનરોમાં લખવામાં આવ્યુ છે કે, સર્વાનુમતિથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું, આવા છે રામ ભક્ત રાહુલ. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદીને રાવણનાં રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોસ્ટરમાં પ્લેનનું ચિત્ર દર્શાવી રાફેલ ડીલનો પણ ઉલ્લેખ કરાયો છે.