મધ્ય ગુજરાતની 7 બેઠક પર ભાજપ આગળ, વડોદરા અને છોટાઉદેપુરમાં મહિલા ઉમેદવારો 3-3 લાખ મતથી આગળ

0
55

વડોદરાઃ મધ્ય ગુજરાતની 7 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઇ ગઇ હતી. મધ્ય ગુજરાતની તમામ સાત બેઠક પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલની સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પાછળ ચાલી રહ્યા છે. વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર ભાજપની મહિલા ઉમેદવારો 3-3 લાખથી વધુ મતથી આગળ છે. તેમની જીત નિશ્ચિત છે. જ્યારે ભરૂચ, ખેડા અને આણંદ બેઠક પર ભાજપ 1-1 લાખથી વધુની સરસાઇથી આગળ ચાલી રહ્યું છે. આ ત્રણેય બેઠક પર પણ ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે.

કોંગ્રેસના ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પરથી નીકળી ગયા

વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે હાર સ્વીકારી લીધી છે અને મતદાન મથક છોડીને કાર્યકરો સાથે બહાર નીકળી ગયા હતા. જ્યારે વડોદરામાં ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની જીત નિશ્ચિત બનતા મત ગણતરી કેન્દ્રની બહાર ભાજપાના સમર્થકો દ્વારા ભારે આતશબાજી કરી હતી અનેે એક બાર મોદી સરકારના નારા, ઢોલ-નગારા સાથે ભાજપા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ મતગણતરી કેન્દ્ર છોડીને કાર્યકરો સાથે નીકળી ગયા હતા.

મધ્ય ગુજરાતની સાતેય બેઠક ભાજપ આગળ

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 300199 મતથી આગળ

આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ 188667 મતથી આગળ

પંચમહાલ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ 96928 મતથી આગળ

ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 205811 મતથી આગળ

છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા 322490 મતથી આગળ

ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 120114 મતથી આગળ

દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જસંવતસિંહ ભાભોર 61762 મતથી આગળ

બેલેટ પેપરની મતગણતરીમાં વિવાદ થયો
વડોદરા લોકસભા બેઠકની મતગણતરી દરમિયાન બેલેટ પેપરમાં 3 મત વધુ નીકળતા કોંગ્રેસે પુનઃ મતોની ગણતરી કરાવવા માટેની અરજી ચૂંટણી અધિકારીને કરી હતી. મતગણતરી કેન્દ્ર પર 4 નંબરના ટેબલ પર પોસ્ટલ બેલેટ 1538 મતો હતા. તેના બદલે 1541 મતો નીકળ્યા હતા. જેથી વિવાદ સર્જાયો હતો.

ભાજપના સમર્થકોમાં ભારે ઉત્સાહ
વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સતત આગળ ચાલી રહ્યા હોવાથી ભાજપના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેની સામે કોંગ્રેસના સમર્થકોમાં નિરાશા વ્યાપી જવા પામી છે. વડોદરાની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણતરી કેન્દ્રથી 200 મીટરના વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકોને આવવા ન દેતા મતગણતરી કેન્દ્ર પર સુમસાન માહોલ જોવા મળ્યો હતો. પરંતુ મતગણતરી કેન્દ્રથી 200 મીટર દૂર ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા. અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. જોકે કોંગ્રેસના સમર્થકો જોવા મળ્યા ન હતા.

જિલ્લા ચૂંટણાી અધિકારીએ મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ આજે સવારે મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. અને મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા સ્થિત પોલિટેકનિક કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર પોલીસ તંત્ર દ્વારા 526 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. જેમાં 4 એ.સી.પી., 2 જોઇન્ટ સી.પી., 2 ડી.સી.પી., 18 પી.આઇ., 49 પી.એસ.આઇ. અને 452 એ.એસ.આઇ., હે.કો., પો.કો. અને એલ.આર.ડી. મળી કુલ્લે 526 પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યાં છે. ગણતરીના કલાકોમાં જ પરિણામ જાહેર થઇ જશે, ત્યારે મધ્ય ગુજરાતની 7 બેઠકો પૈકી આણંદ બેઠક પર કોંગ્રેસ મજબૂત છે. જ્યારે વડોદરા, ભરૂચ, પંચમહાલ, ખેડા બેઠક પર ભાજપ મજબૂત છે. જોકે છોટાઉદેપુર અને દાહોદ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળશે.

કઈ બેઠક પર કેટલું મતદાન

વડોદરા બેઠક પર 2014ની પેટાચૂંટણીમાં 45.57% મતદાન થયું હતું. જ્યારે 2019માં 22.29% વધીને 67.86 ટકા મતદાન થયું
ભરૂચ બેઠક પર 2014માં 74.54% મતદાન થયું હતું. જ્યારે 2019માં -1.32% ઘટીને 73.22% મતદાન થયું
પંચમહાલ બેઠક પર 2014માં 59.20% મતદાન થયું હતું. જ્યારે 2019માં 2.53% વધીને 61.73% મતદાન થયું
ખેડા બેઠક પર 2014માં 59.50% મતદાન થયું હતું. જ્યારે 2019માં 1.18% વધીને 60.68% મતદાન થયું
આણંદ બેઠક પર 2014માં 64.63% મતદાન થયું હતું. જ્યારે 2019માં 2.16% વધીને 66.79% મતદાન થયું
દાહોદ બેઠક પર 2014માં 63.78% મતદાન થયું હતું. જ્યારે 2019માં 2.4% વધીને 66.18% મતદાન થયું
છોટાઉદેપુર બેઠક પર 2014માં 71.15% મતદાન થયું હતું જ્યારે 2019માં 2.29% વધીને 73.44% મતદાન થયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here