મમતાએ કહ્યું- મરી જઈશ પણ સમાધાન નહિ કરૂ, કેન્દ્રએ એક વરિષ્ઠ પદનું અપમાન કર્યુ છે

0
52

કોલકાતા: શારદા કૌભાંડમાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની તપાસ માટે પહોંચેલી સીબીઆઈની ટીમ અને પોલીસ વચ્ચે રવિવારે થયેલા વિવાદ પછી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ મોદી સરકાર વિરુદ્ધ ધરણાં શરૂ કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, આંધ્રના સીએમ ચંદ્રાબાબૂ નાયડુ, જમ્મૂ-કાશ્મીરમા પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા સહિત 9 વિપક્ષી દળોએ મમતાને સમર્થન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મમતા બેનરજી સાથે ફોન પર વાત કરી છે.

સંસદમાં હોબાળો

CBI-બંગાલ પોલીસ વિવાદને લઈને સોમવારે રાજ્યસભા અને લોકસભામાં ભારે હોબાળો થયો. બંને ગૃહ દિવસભર માટે સ્થગિત કરાયાં.
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે CBIને 2014માં શારદા કૌભાંડની તપાસ કરવાના નિર્દેશ આપ્યાં હતા.
કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર સિંહે કહ્યું કે રાજ્ય માટે બંધારણની મર્યાદામાં કામ કરવું યોગ્ય રહેશે નહીંતર તેઓ ધ્યાન રાખે કે રાષ્ટ્રપતિ શાસનનો પણ વિકલ્પ છે.

તૃણુમૂલ કોંગ્રેસના સાંસદો સૌગત રાય, કલ્યાણ બેનર્જી, મૂનમૂન સેને લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અને CBIની કાર્યવાહીને બંધારણ વિરૂદ્ધના ગણાવ્યાં.

આ બંધારણની હત્યા નહીં તો શું છે- BJP

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “અમે પૂછવા માંગીએ છીએ કે મમતા ધરણા પર કેમ બેઠી છે? પોલીસ કમિશનરને બચાવવા માગે છે કે પોતાને બચાવવાના પ્રયાસ કરી રહી છે? તે છુપાવવા શું માગે છે? ચિટફંડ મામલે તૃણુમૂલના સાંસદ અને મંત્રીની ધરપકડ થઈ, ત્યારે મમતાએ ધરણા ન કર્યાં. પોલીસ કમિશનરની પાસે એવું શું છે જેને બચાવવા માટે મમત રોડ પર બેસી ગઈ છે. એક લાલ ડાયરી, એક પેન ડ્રાઈવનો ઉલ્લેખ થયો હતો જેમાં અનેક લોકોના નામ છે, પેમેન્ટની જાણકારી છે. શું તેમને બચાવવા માગે છે મમતા? જેને ચિટફંડ કૌભાડની તમામ ગુપ્ત માહિતીઓ ખબર છે તેને અને પોતાને બચાવવા મમતા ધરણા પર બેઠી છે. મુખ્યમંત્રીના ઘરે બેઠક હોય અને તે ઉઠીને પોલીસ કમિશનરના ઘરે ચાલી જાય તે પણ પહેલી વખત થયું છે. આ બંધારણની હત્યા નથી તો શું છે?”

ભાજપ ચોર પાર્ટી-અમારી નહીં- મમતા

મમતા બેનરજીએ કહ્યું, દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન થઈ ચૂક્યો છે. આડે ઈમરજન્સી કરતાં પણ વધારે ખરાબ હાલત છે. અમારી ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સીબીઆઈને કાર્યવાહી કરવા માટે પ્રેશર કરી રહી છે. મોદીએ સીબીઆઈને કહ્યું કે, કઈંક તો કરો. ભાજપ ચોર પાર્ટી છે. કોલકાતામાં અમારી રેલી પછી મોદી અને અમિત શાહ અમારી પાછળ પડી ગયા છે. ભાજપની એક્સપાઈરી ડેટ નજીક છે. પોલીસ કમિશ્નરના ઘરે અજીત ડોભાલના ઈશારાથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજીવ કુમાર દુનિયાના ખૂબ સારા ઓફિસર છે. ચિટફંડ કૌભાંડમાં અમે તપાસ કરી છે, અમુક લોકોની ધરપકડ પણ કરી છે. સીબીઆઈ ટીમ વોરંટ વગર પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી છે. મારુ કામ બધાને સુરક્ષા આપવાનું છે. મોદી વિરુદ્ધ આપણે એક થવાનું છે. મોદીને હટાવીને દેશ બચાવો. આજે દેશના માળખા અને સંવિધાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. હું લોકતંત્રને બચાવવા માટે ધરણાં પર બેઠી છું. આજે કેબિનેટ બેઠક પણ અહીંથી જ થશે. જોકે પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે આ પહેલી વખત વિવાદ નથી થયો. ત્રણ મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે.

ભાજપે કહ્યું- ગેટ વેલ સુન રાહુલજી

સીબીઆઈ-પોલીસ વિવાદને કારણે સોમવારે રાજ્યસભા અને લોકસભામાં હોબાળો થયો હતો., ત્યારબાદ બન્ને ગૃહ બપોર સુધી સ્થગિત કરી દેવાયા હતા. કેન્દ્રીય મંત્રી બીરેન્દ્ર સિંહે કહ્યું કે, રાજ્ય માટે બંધારણ પ્રમાણે કામ કરવુ જ યોગ્ય રહેશે. નહિતર તેમને રાષ્ટ્રપિત શાસન હોવાનું પણ ધ્યાન રાખવુ પડશે. મમતાના ધરણાને રાહુલનાં સમર્થન પર ભાજપે ટ્વીટ કરીને રાહુલને પર્સનાલિટી ડિસઓર્ડરનો રોગી ગણાવ્યા હતા અને તેમનાં સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ભાજપે રાહુલનાં એ ટ્વીટ શેયર કર્યા, જેમાં તેઓ મમતાનો વિરોધ કરી રહ્યા હતા.

16 નવેમ્બર 2018- સીબીઆઈને રાજ્યમાં તપાસ કરતાં રોક્યા

મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તે સીબીઆઈ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ તેમના ફાયદા માટે કરી રહી છે. મમતા સરકારે પશ્ચિમ બંગાળમાં સીબીઆઈને તપાસ કરતા રોકી લીધા છે. ડીએસપીઈ એક્ટ પ્રમાણે, સીબીઆઈને રાજ્યમાં જઈને તપાસ કરવાનો અધિકાર છે પરંતુ તે માટે સામાન્ય મંજૂરી જરૂરી હોય છે.

6 ડિસેમ્બર 2018- મમતાએ ભાજપને રથયાત્રાની મંજૂરી ન આપી

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યનું વાતાવરણ બગડવાની વાત કરીને ભાજપને રથયાત્રાની મંજૂરી આપી નથી. આ મામલે ભાજપ કોલકાતા હાઈકોર્ટ પહોંચી હતી. અહીં સિંગલ બેન્ચે ભાજપને રથયાત્રાની મંજૂરી આપી દીધી હતી પરંતુ ડિવિઝન બેન્ચે આ નિર્ણયને ફેરવી દીધો હતો. ત્યારપછી ભાજપ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે, ભાજપ રથયાત્રા માટે રિવાઈઝ્ડ પ્લાન કરે. કોર્ટે મમતા સરકારને કહ્યું કે, ભાજપને જનસભા અને રેલી માટે મંજૂરી આપવામાં આવે.

29 ડિસેમ્બર 2018- ડેટા શેરિંગ મામલે મમતાનો ઈન્કાર

મમતા બેનરજીએ રાજ્યના દરેક વિભાગને કહ્યું કે, કેન્દ્ર સાથે ડેટા શેર કરવામાં ન આવે. તેમણે કહ્યું કે, કેન્દ્ર રાજ્યને નિયંત્રીત કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરી રહી છે અને તેઓ રાજકીય માળખામાં દખલ કરી રહ્યાં છે. મમતા સરકારે આયુષ્માન ભારત સહિત કેન્દ્રની ઘણી યોજનાઓ પશ્ચિમ બંગાળમાં લાગુ કરી નથી.

યોગીનું હેલિકોપ્ટર ન ઉતરવા દીધું

દક્ષિણી દિનાઝપુર જિલ્લામાં રવિવારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ગણતંત્ર બચાવો રેલી થવાની હતી પરંતુ રાજ્ય સરકારે પૂર્વ સૂચના ન હોવાથી યોગીનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નહતી. તે કારણથી સીએમ યોગી રેલીમાં પહોંચી શક્યા નહતા. ત્યારપછી તેમણે ફોન અને ઓડિયો લિંક દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.

વિવાદનું કારણ- ભાજપનું પશ્ચિમ બંગાળમાં 22 સીટ જીતવાનું લક્ષ્ય
  • 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં 42 સીટમાંથી 22 સીટ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
  • 2014માં ભાજપને અહીં 2 સીટ મળી હતી અને ત્યારે પાર્ટીનો વોટશેર 16.8 ટકા હતો
  • 2016માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 3 સીટ જીતી હતી, ત્યારે વોટશેર 10.2 ટકા હતો.
  • ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક લોકસભા અને એક વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપ બીજા નંબરની પાર્ટી બની હતી.
  • પંચાયત ચૂંટણીમાં ભાજપ બીજા નંબરની પાર્ટી બની હતી. ટીએમસીએ 31,802 ગ્રામ પંચાયત સીટમાંથી 20,848 સીટ જીતી હતી. ભાજપ  5636 સીટ જીતીને બીજા નંબરે હતી.
  • આ મહિને ઠાકુર નગરમાં મોદીની સભા થઈ હતી. મોદી અહીં મટુઆ સમુદાયના નેતા વાણી દેવીને મળ્યા હતા. અહીંની પાંચ સીટ પર મટુઆ સમુદાય મહત્વનું સ્થાન ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here