Friday, March 29, 2024
Homeમમતા V/s મોદીઃ 2007માં 15 પૈસાના SMSથી શરૂ થયેલી દુશ્મની 2019માં મહાસમરાંગણ...
Array

મમતા V/s મોદીઃ 2007માં 15 પૈસાના SMSથી શરૂ થયેલી દુશ્મની 2019માં મહાસમરાંગણ સર્જી રહી છે

- Advertisement -

નેશનલ ડેસ્ક: 250 વર્ષ પહેલાં પ્લાસીનો જંગ હિન્દુસ્તાનનો ઈતિહાસ બદલવામાં નિમિત્ત બન્યો હતો. હવે એ જ ભૂમિ યાને બંગાળ લોકસભાની ચૂંટણીમાં નવા જંગનું કારણ બની રહી છે. એક સમયે અહીં સિરાજ ઉદ્ દૌલા અને રોબર્ટ ક્લાઈવ હતા. હવે એ જંગ મુખ્યપ્રધાન અને વડાપ્રધાન વચ્ચેનો છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો છે. મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી વચ્ચેનો છે. ફક્ત નામ બદલાયા છે, જંગનો પ્રકાર બદલાયો છે, મેદાન પણ એ જ છે અને આ યુદ્ધ પણ અસ્તિત્વ માટે નિર્ણાયક છે.

રસપ્રદ બાબત એ છે કે, લોકસભાની ચૂંટણીનું પરિણામ નક્કી કરી શકે એટલાં મહત્વના આ જંગનો આરંભ થયો હતો માત્ર 15 પૈસાના એક SMSથી!

 

જ્યારે ટાટા નેનો પ્રોજેક્ટથી અંટસની શરૂઆત થઈ.

વર્ષ હતું 2007. ફક્ત રૂપિયા 1 લાખની કિંમતે મધ્યમવર્ગને પરવડે એવી ટચૂકડી સ્વદેશી કાર બનાવવા માટે ટાટા કંપની બંગાળના સિંગુર જિલ્લામાં પ્લાન્ટ શરૂ કરી રહી હતી. રાજ્ય સરકાર દ્વારા મજૂરોના વેતનવધારાના આંદોલન સંદર્ભે વારંવાર ટાટા સામે કડક તાકિદ કરવામાં આવતી હતી. આથી કંટાળેલા રતન ટાટાએ સિંગુરમાંથી ઉચાળા ભરવાની જાહેરાત કરી દીધી.

બરાબર એ જ વખતે મોકો પારખીને ગુજરાતના મુખ્યમંત્રીએ તેમને એક સાદો SMS મોકલ્યો હતો, ‘વેલકમ ટૂ ગુજરાત’! અને રતન ટાટાએ તરત જ નેનો મોટર્સનો પ્લાન્ટ ગુજરાતમાં લઈ જવાની જાહેરાત કરી નાંખી. ભારે મહત્વાકાંક્ષી અને દેશભરમાં પ્રતિષ્ઠિત ગણાતો પ્રોજેક્ટ બંગાળના હાથમાંથી ગુજરાત છીનવી ગયું એવી છાપ સાથે પ્રસાર માધ્યમોએ મમતા બેનર્જીની હાંસી ઊડાવી ત્યારથી મોદી અને મમતા વચ્ચે અંટસ, ચડસાચડસી અને અણબનાવના બીજ રોપાયા હતા.

મોદી અને મમતા વચ્ચેનું સામ્ય
  • એકમેકના કટ્ટર શત્રુ તરીકે સ્થાપિત થઈ ચૂકેલા નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે આમ જુઓ તો રસપ્રદ સામ્ય છે. નરેન્દ્ર મોદી તદ્દન સાધારણ પરિવારમાંથી આવે છે. સંઘના કર્મઠ પ્રચારક તરીકે ભાજપમાં સક્રિય થયા. મહામંત્રીપદે અણમાનીતા થયા પછી ગુજરાતની બહાર જવાની ફરજ પડી અને ફરીથી તેઓ આપબળે સત્તા પર આવીને દેશના સર્વાધિક લોકપ્રિય મુખ્યપ્રધાન સાબિત થયા. પોતાનું ગુજરાત મોડેલ દેશભરમાં આગળ કરીને વડાપ્રધાન બનવા સુધીની સફળતા તેમણે મેળવી.
  • મમતા બેનર્જીની પારીવારિક પૃષ્ઠભૂ પણ નિમ્નમધ્યમવર્ગિય છે. મમતા પણ મોદીની માફક પોતાના તમામ પરિવારજનોને લાઈમલાઈટથી જોજનો દૂર રાખે છે. મોદીએ પત્નીને ત્યજીને જીવન રાજનીતિને સમર્પિત કરેલું છે તો મમતા પણ આજીવન અપરિણિત રહ્યા છે. કોંગ્રેસના નેતા તરીકે ડાબેરીઓ સામે લડી રહ્યાં હતાં. કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીના કારણે બે વખત તેમની હકાલપટ્ટી પણ થઈ. છેવટે તેમણે કોંગ્રેસથી છેડો ફાડીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી અને ડાબેરી સરકારને હરાવીને મુખ્યપ્રધાન બન્યાં.
  • મોદી જેટલાં જીદ્દી છે એટલાં જ મમતા હઠીલા છે. મોદી પોતાના વિરોધીઓને કદી માફ કરતા નથી તો મમતા પણ જૂની શત્રુતા હંમેશા યાદ રાખે છે. મોદી કડક વહીવટકાર છે તો મમતા પણ લોખંડી હાથે સત્તા ચલાવી જાણે છે. બંને નેતા પોતાના પક્ષમાં નિર્વિવાદપણે બિનહરિફ છે અને બંને પોતપોતાના પ્રાંતમાં ભારે લોકપ્રિય છે.

જ્યારે ભાજપે ઘરઆંગણે દીદીને ઘેર્યા.

  • વર્ષ 2014માં ભાજપ તરફથી વડાપ્રધાનપદના દાવેદાર તરીકે મોદીના નામની જાહેરાત થઈ ચૂકી હતી અને દેશભરમાં મોદીલહેર ફરી વળી હતી ત્યારે જે કેટલાંક રાજ્યોમાં ભાજપને મુશ્કેલી પડતી હતી તેમાં બંગાળ મુખ્ય હતું. આઝાદી પછીનો ઈતિહાસ સાક્ષી છે, બંગાળ કદી RSS, જનસંઘ કે ભાજપનું સમર્થક રહ્યું નથી. લોકસભાની 42 બેઠકો ધરાવતા આ પ્રાંતમાં ભાજપે મમતાને હંફાવવાનું બીડું ઝડપ્યું.

    મતોનું ધ્રુવીકરણ કરવામાં માહેર અમિત શાહે મુર્શિદાબાદ, 24 પરગણાના કોમી રમખાણોમાંથી રાજકીય ફાયદો રળવાનો વ્યુહ અપનાવ્યો. સામા પક્ષે મમતાએ ભાજપના અશ્વમેધને રોકવા તમામ તાકાત કામે લગાડી દીધી. પરિણામ અલબત્ત, પૂર્ણતઃ મમતાની તરફેણમાં આવ્યું અને 34 બેઠકો જીત્યા. સામા પક્ષે ભાજપને માત્ર 2 બેઠક મળી, પરંતુ એ સફળતા પણ બહુ મોટી હતી. કારણ કે, જ્યાં એક તણખલું સુદ્ધાં ઊગતું ન હતું એ ભૂમિ પર બે બગીચા ખીલવવા સમાન એ સફળતા હતી.

  • બંગાળની ફળદ્રુપતા પારખીને લગાતાર પાંચ વર્ષથી ભાજપે અહીં એકધારી આક્રમકતા અપનાવી રાખી છે, જે મોદી અને મમતા વચ્ચેની અંટસ વધુને વધુ વકરાવવામાં નિમિત્ત બની છે.
મોદી-મમતા બંને માટે અસ્તિત્વનો સવાલ
  • 2019ની ચૂંટણી નિર્ણાયક છે અને તેનો નિર્ણય પણ બંગાળમાં જ થવાનો છે. ઉત્તરપ્રદેશ સહિતના હિન્દી બેલ્ટમાં ભાજપ માટે મુશ્કેલ સ્થિતિ છે. ગઢ ગણાતાં ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ થોડુંક નુકસાન થઈ શકે છે. એ સંજોગોમાં 272ના મેજિક ફિગર સુધી પહોંચવા ભાજપે જે પ્રાંતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમાં બંગાળની 25 બેઠકો અને ઓરિસ્સાની 15 બેઠકો છે. જો આ 40 બેઠકો જીતવામાં ભાજપને સફળતા મળે તો અન્યત્ર થનારી નુકસાન મહદ્ અંશે સરભર થઈ શકે અને જો એ શક્ય ન બને તો ભાજપ માટે 2019માં સરકાર રચવી મહામુશ્કેલ બની જાય.
  • સામા પક્ષે મમતાએ પોતાના પ્રાંતમાં પોતાની સર્વોપરિતા જાળવવાનો પડકાર તો છે જ, આ વખતે તેઓ પોતાના માટે વડાપ્રધાનપદની તક પણ જુએ છે. હાલ વ્યક્ત થઈ રહેલી ધારણાઓ મુજબ ત્રિશંકુ પરિણામો આવે તો બિનભાજપ, બિનકોંગ્રેસ મોરચા તરીકે મમતાને વડાપ્રધાન બનવાની તક મળી શકે. એ માટે પૂર્વશરત ફક્ત એટલી છે કે તેમણે પોતાના પ્રાંતમાં 42માંથી ઓછામાં ઓછી 30-35 બેઠક જીતવી પડે.
  • બંને પ્રતિસ્પર્ધીઓ અસ્તિત્વનો જંગ ખેલી રહ્યા હોવાથી તેમની વચ્ચેની લડાઈ જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જશે તેમ તેમ વધુને વધુ કટ્ટર બનતી જશે એ નિશ્ચિત છે.
સતત ધસમસતી ભાજપની આગેકૂચ
  • લોકસભાની ચૂંટણીમાં 17 ટકા મતો મેળવીને ભાજપ બીજા નંબરે રહી. એ પછી પેટાચૂંટણીમાં પણ ભાજપે તૃણમૂલને બરાબર હંફાવી.
  • પંચાયત ચૂંટણીઓમાં પણ ભાજપે 5657 બેઠકો મેળવીને સાબિત કરી દીધું કે મમતા દીદીએ હવે ડાબેરી કે કોંગ્રેસ સાથે નહિ, પરંતુ ભાજપ સાથે જ મુખ્ય સ્પર્ધા કરવાની છે.
  • રાજ્યમાં મુસ્લિમનું તુષ્ટિકરણ, બાંગ્લાદેશીઓની ઘુસણખોરી, ઉદ્યોગોની બદહાલી, બેરોજગારી જેવા મુદ્દાઓ અસ્તિત્વમાં છે. આથી હિન્દુવાદ, રાષ્ટ્રવાદ અને વિકાસવાદ એવા ભાજપના ત્રણેય બ્રહ્માસ્ત્રો અહીં કારગત નીવડે તેમ છે.
પાંચ વર્ષમાં સતત ઘર્ષણ
  • કેન્દ્રના ટોલ પ્લાઝા પર સેના તૈનાત કરવાના મુદ્દે મમતાએ મોરચો માંડ્યો અને સેના તખ્તો પલટાવવા માંગે છે એવા આક્ષેપ સાથે રાઈટર્સ બિલ્ડિંગ (સચિવાલય)માં રાતભર બેઠા રહ્યા.
  • 19 જાન્યુઆરીએ મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં મહારેલી કરી. આ મહારેલીમાં સમગ્ર વિપક્ષે મમતાને સમર્થન આપ્યું.
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં રથયાત્રાની જાહેરાત કરી પરંતુ મમતા સરકારે રથયાત્રાની મંજૂરી ન આપી.
  • સુપ્રીમ કોર્ટે શરતી મંજૂરી આપતા અમિત શાહે રથયાત્રાનો આરંભ કર્યો પરંતુ બીજા દિવસે હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન મળતાં અમિત શાહે રેલી કેન્સલ કરવી પડી.
  • 2 ફેબ્રુઆરીએ મોદીએ ઠાકુરનગર અને દુર્ગાપુરમાં રેલી કરી. મોદીની રેલીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને મોદીને સાંભળવા સ્ટેજ પાસે ધસી જવા ભાગદોડ પણ થઈ ગઈ હતી.
  • મોદી લહેર છવાયા પછી 4 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પશ્ચિમ બંગાળમાં રેલી માટે હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામા ન આવી અને તેમણે વીડિયો કોન્ફરન્સ કરીને સંતોષ માનવો પડ્યો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular