- Advertisement -
મહીસાગરઃ મહીસાગરના જંગલમાં 4 મહિના પહેલા વાઘ હોવાની વનવિભાગને જાણ હોવા છતાં તેના ભોજનની પૂરતી વ્યવસ્થા નહીં કરતાં અંતે વાઘને ભૂખે મરવાનો વારો આવ્યો હોવાનું અનુમાન છે. ન્યૂઝ પોર્ટલ ફર્સ્ટ પોસ્ટમાં અજય સૂરી એ 22 ફેબ્રુઆરીએ મહીસાગરનું જંગલ વાઘ જેવા વાઇલ્ડ એનિમલ માટે પ્રતિકૂળ હોવાનું કહી વાઘ અહીં લાંબો સમય ટકી નહીં શકે તેવો ઇશારો કર્યો હતો. ફોર્મર પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ઓફ ગુજરાત છવીનાથ પાંડેએ પણ 1986-87 સુધી મહીસાગરના જંગલોમાં 5થી 6 વાઘ હતા, જોકે લાંબા સમય સુધી શિકાર ન મળવાના કારણે તેઓ અહી નહીં રહી પાછા જતા રહ્યા હોવાનું પણ તેમાં જણાવાયું હતું.
વાઘનો ખોરાક અને પેટર્ન અંગે ઝીણવટભર્યા અભ્યાસનો અભાવ મોતનું કારણ ?
દીપડાને સાચવવામાં માહેર મહીસાગર વન વિભાગ વાઘને બચાવવામાં કાચુ પડ્યું છે. લુણાવાડા અને સંતરામપુરમાં લોકોએ વાઘ જોયો હોવાનું કહેતા હતાં. 4-5 મહિના પહેલા વાઘના ફૂટ માર્ક અને ડ્રોપિંગ સહિતના નમૂના મળ્યા હોવા છતાં વનવિભાગે દીપડો હોવાનો જ રાગ આલાપ્યો હતો. વન વિભાગના સંત પ્લોટમાં જ 4 મહિના પહેલા એક સિક્યુરિટી જવાને નરી આંખે વાઘને જોયો હતો અને તેણે 15 લોકોને બતાવ્યો પણ હતો, પરંતુ ઉચ્ચ અધિકારીઓએ તેને દીપડામાં ખપાવી દીધો હતો.
બે-અઢી મહિના પહેલા મંદિર બહાર કીચડમાં વાઘના ફૂટ માર્ક પડ્યા હતાં
હર્ષદી માતાના મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ બે-અઢી મહિના પહેલા મંદિર બહાર કીચડમાં ફૂટ માર્ક પડ્યા હતાં. વનવિભાગના અધિકારીએ જ જાણ કરી હતી કે, વાઘના પંજાના નિશાન છે. તમારા પશુ બહાર ના બાંધશો. લુણાવાડા ના ઇન્ચાર્જ આરએફઓ રોહિત પટેલને પણ દોઢ મહિના પહેલા દીપડા કરતા મોટા ફૂટ માર્ક મળ્યા હતાં. જે વાઘના હોવાનું તેઓ જાણતા હતા પરંતુ પાછળથી મોટા પંજા વાળો દીપડો હશે, કદાચ ગુજરાતમાં આવો પહેલો દીપડો હશે, કહી વાતને આડા પાટે ચડાવી દીધી હતી.
વાઘના પૂરતા ખોરાકની પણ વ્યવસ્થા કરી ન હતી
શિક્ષકનો ફોટો વાયરલ થયા બાદ નાઇટ વિઝન કેમેરા ગોઠવી સર્ચ ઓપરેશન કરાવ્યું હતું અને 3 દિવસમાં જ વાઘને શોધી કાઢ્યો હોવાનું નાયબ વન સંરક્ષક પરમાર કહી રહ્યા છે, પરંતુ 4 મહિનાથી ફૂટ પ્રિન્ટ, મોટા મારણની નિશાની મળવા છતાં કેમેરા ગોઠવવાની તસ્દી લીધી ન હતી. એટલું જ નહીં, વાઘની જાહેરાત કર્યા બાદ પણ વન વિભાગમાં એકશન પ્લાનનો અભાવ હતો. વાઘનું વર્તન કેવું હતું. રૂટ કયો હતો, તેની પેટર્ન કેવી હતી, કયા પ્રકારનો શિકાર કરતો હતો, કેટલા દિવસે શિકાર કરતો હતો, કેટલો ખોરાક હતો, તેનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ થયો ન હતો. વાઘના પૂરતા ખોરાકની પણ વ્યવસ્થા કરી ન હતી તેમજ વાઘને ટ્રેક કરનાર એક્સપર્ટની મદદ પણ વનવિભાગે લીધી ન હતી.
એેક્શન પ્લાનમાં ખામી રહી ગઇ હોય તો આવું થાય
વર્ષ 2017માં વાઘ દેવાસથી નીકળ્યો ત્યારથી અમે 30 જણ તેને ટ્રેક કરી રહ્યા હતાં. 25 દિવસ સુધી એક જ જોડી કપડાંમાં તેની પાછળ હતો. ગુજરાત બોર્ડર પાસે પહોંચ્યો પછી પરત ફર્યો હતો. ગુજરાત માટે એ સ્પેશિયલ હતો. મારા મત મુજબ એક્શન પ્લાનમાં કોઇ ખામી રહી ગઇ હશે તો આવું થયું હોય. પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે ક્યાં ચૂક થઇ છે. વાઘ માટે એકશન પ્લાનની શું કાર્યવાહી કરાઇ છે તેની અમને જાણ નથી પરંતુ 10-15 હજાર સ્કે. ફૂટનો એક વાડો બનાવી વાઘને શીફ્ટ કરી નિગરાની રાખી શક્યા હોત, આ વાડામાં જંગલી સુવર, હરણ જેવા શિકાર કરતો. તેના પંજાના નિશાનની મદદથી 100 -150 મીટર દૂરથી તેને ટ્રેક કર્યો હોત. ચોકીદારને તાલીમ આપી હોત. ત્યાં શું કર્યું છે તે અમને ખબર નથી.
-વિવેક પગારે, વન્ય જીવ વિશેષજ્ઞ, ઉજ્જૈન
-વિવેક પગારે, વન્ય જીવ વિશેષજ્ઞ, ઉજ્જૈન
વાઘનો શિકાર થયો નથી, નખ-દાંત બધુ જ સલામત છે
જંગલમાં જ 9 જણની પેનલે સ્થળ પર પેનલ પોસ્ટમોર્ટમ કર્યું છે અને સેમ્પલ લઇ તપાસાર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે,તેના પર ઇજાના નિશાન નથી, ચામડીનો એકપણ વાળ ઉખડ્યો નથી, તેના 18 નખ- દાંત સહિતના બધા જ અંગો સલામત છે. મૃતદેહને અગ્નિદાહ પણ આપી દેવાયો છે. વાઘ માટે અમે એકશન પ્લાન કર્યો હતો. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરતા હતા.
-આર.એમ.પરમાર, નાયબ વન સંરક્ષક, લુણાવાડા
-આર.એમ.પરમાર, નાયબ વન સંરક્ષક, લુણાવાડા