Sunday, September 19, 2021
Homeમહેસાણાથી નીતિન પટેલને લોકસભા ચૂંટણી લડાવવા મોવડી મંડળ કામે લાગ્યું,
Array

મહેસાણાથી નીતિન પટેલને લોકસભા ચૂંટણી લડાવવા મોવડી મંડળ કામે લાગ્યું,

ગાંધીનગર: ભાજપમાં હાલ સૌથી વધુ ડખો મહેસાણા લોકસભા સીટ અને ઊંઝા વિધાનસભાના ઉમેદવારનો છે. ભાજપ મહેસાણા બેઠક પરથી લોકસભા લડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના છેલ્લી ઘડીના પ્રયાસ કરી રહ્યું છે. પ્રદેશ પ્રભારી ઓમ માથુરે નીતિન પટેલને કમલમ બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. જો કે, મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા મામલે નીતિન પટેલે એકરાર પણ કર્યો ન હતો કે ઇન્કાર પણ કર્યો ન હતો.

કમલમ ખાતે ઓમ માથુર સાથે બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું હતું કે અમને મનાવવાના ન હોય ઊલટું અમે બીજાને મનાવીએ છીએ.તમે કોને મનાવો છો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે. મહેસાણા બેઠકના ઉમેદવાર તરીકે તમારું નામ ચાલે છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ નિર્ણય પાર્ટીએ જ લેવાનો છે.

બીજીતરફ પાર્ટીના અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ મહેસાણા બેઠક પર નીતિન પટેલને ચૂંટણી લડવા માટે દિલ્હી હાઇકમાન્ડ તરફથી સૂચના મળ્યા બાદ ઓમ માથુર દ્વારા નીતિન પટેલ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા બેઠક પણ ભાજપ માટે બળતું ઘર સાબિત થઇ છે. આશા પટેલને કોંગ્રેસમાંથી લઇ આવ્યા બાદ ભાજપમાં વિરોધ વકરતા હવે તેમને અહીંથી ઉમેદવારી નહીં કરવામાં સમજાવવામાં આવી રહ્યાં છે.

પાટણમાં દિલીપ ઠાકોર લડવા તૈયાર નથી: ભાજપ પાસે પાટણમાં મજબૂત ઉમેદવાર નથી. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાને રીપિટ કરવાના નથી ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને અહીંથી લોકસભા લડાવવા પાર્ટી દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ દિલીપ ઠાકોર મંત્રીપદ છોડવા તૈયાર નથી. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રીપિટ કરાય તેવા સમીકરણો રચાયા છે. ભાજપ શુક્રવારે સાંજ સુધીમાં બાકી તમામ સીટોના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

દિનુબોઘા સોલંકીને રાજેશ ચુડાસમાએ પોતાના હાથે જમાડ્યાં: કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીની હાજરમાં બેઠક મળી હતી. આ બેઠક બાદ દિનુ સોલંકીએ તાલાલા બેઠક માટે જશાભાઇ બારડ અને લોકસભા બેઠક માટે રાજેશ ચુડાસમાનાં નામ જાહેર કરી દીધા હતા ઉપરાંત મિટીંગ બાદ રાજેશ ચુડાસમાંએ દિનુ સોલંકીને પોતાના હાથે ભોજન કરાવ્યું હતું. જેમાં ત્રણેય વચ્ચે સમાધાન થયું હોવાનું બહાર આવ્યું છે.

કોંગ્રેસના દાવેદારો દિલ્હીમાં, ટિકિટોની જાહેરાત અટવાઈ: કોંગ્રેસના ગુરુવારે ટીકીટની જાહેરાત કરશે તેવું સત્તાવાર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યા પછી પણ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઇ નથી. આવા સંજોગોમાં અમદાવાદ પુર્વ વિસ્તારમાંથી ટીકીટ કપાવવાનો ભય લાગતા હિમાંશુ પટેલ દિલ્હી પહોંચ્યા છે. જયારે નાદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાને પણ દિલ્હી બોલાવાતા તેઓ દિલ્હી પહોંચ્યા છે.

લોકસભાના ઉમેદવારોની પસંદગી કરવા માટે દિલ્હી ખાતે મળેલી સીડબલ્યુસીની બેઠક પછી પણ ઉમેદવારોને જાણ કર્યા પછી કોંગ્રેસ સત્તાવારરીતે યાદી જાહેર ન કરતા બારોબાર ગુજરાતની સાત બેઠકોના નામ બહાર આવી ગયા હતા.આવા સંજોગોમાં અમદાવાદ પુર્વની બેઠક પરથી ટીકીટ કપાશે તેવા ભયે ર્ડા.હીમાંશુ પટેલ દિલ્હી પહોંચ્યા છે.તેમણે અહેમદ પટેલ,પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓને મળ્યા હતા.

તેમણે ટોચના નેતાઓને મળીને તેમની દાવેદારી કઇ રીતે યોગ્ય છે તેની રજૂઆત કરી હતી. દરમિયાનમાં ધારાસભ્ય હીમંતસિંહ પટેલ પણ ટીકીટ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાથી કોંગ્રેસ માટે એકાએક અમદાવાદ પુર્વની બેઠક પર દાવેદારો વધી ગયા છે.દરમિયાનમાં ગાંધીનગરની બેઠક પર પાસના નેતા દિલીપ સાબવાનું નામ પણ વહેતું થયું હતું. આવી જ રીતે ભરૂચ બેઠક માટે નાદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાને દિલ્હી બોલાવાયા હતા.

મોદીના મોંઘા સૂટ, તાયફામાં થતો ખર્ચ બચાવી ગરીબોને આપીશું: કોંગ્રેસે ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે તે અંગે રાજકોટમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરા કોંગ્રેસે ગરીબની વ્યાખ્યા શું કરી છે તે સ્પષ્ટ કરી શક્યા ન હતા. આ રકમ ક્યાથી આવશે તેના જવાબમાં કગથરાએ કહ્યું કે, મોદી સરકાર જે અબજો રૂપિયા પ્રચાર, સભા પાછળ ખર્ચ કરે છે, મોદી જે લાખોના સૂટ પહેરે છે તે ખર્ચ બંધ કરી કોંગ્રેસ ગરીબોને રૂપિયા આપશે.

પ્રથમ દિવસે લોકસભા- વિધાનસભામાં એકપણ ઉમેદવારી પત્ર ભરાયા નહીં: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે ગુરૂવારે ચૂંટણી પંચ દ્વારા નોટીફિકેશન જારી કરવામાં આવ્યું હતું અને એ સાથે જ ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઇ હતી પરંતુ પ્રથમ દિવસે લોકસભાની 26 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર એકપણ ઉમેદવારી નોંધાઇ ન હતી. આ ચૂંટણી માટે 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments