મહેસાણા : ફાયર સિસ્ટમ લગાવ્યા પછી NOCની ઐસીતૈસી, ટ્યુશન ક્લાસિસ ધમધમ્યા

0
25

મહેસાણા: સુરત અગ્નિકાંડમાં 22 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાના બનાવ પછી મહેસાણા પાલિકાએ ફટાફટ સર્વે કરી ટ્યુશન, કોચિંગ ક્લાસિસ સહિતને ત્રણ દિવસમાં ફાયર સિસ્ટમ લગાવી એનઓસી મેળવી લેવા નોટિસો ફટકારી હતી. પરંતુ દીવા તળે અંધારાની જેમ નોટિસો ફટકાર્યા બાદ ખુદ તંત્ર પાણીમાં બેસી ગયું છે. શહેરમાં ટ્યુશન, કોચિંગ સહિતના 52 એકમોએ ફાયર સિસ્ટમ લગાવી એનઓસી માટે અરજી કર્યાનું અઠવાડિયું થયું છતાં તંત્ર નિરીક્ષણ કરવા ડોકાયું નથી કે એનઓસીનો કોઇ નિર્ણય પણ લીધો નથી. જેને લઇ ઘણા ટ્યુશન- કોચિંગ ક્લાસિસ ફાયર હેન્ડસેટ લગાવી ફરી ધમધમતા થઇ ગયા છે. બાકીની વ્યવસ્થા સુચવ્યા મુજબની છે કે નહીં તેનું ચેકિંગ હાલ તો અધ્ધરતાલ જ છે.

સ્ટેટ ફાયર સર્વિસીસ દ્વારા વધુ નોર્મ્સ સુચિત કરાયા છે ત્યારે આ આકરા નોર્મ્સ મુજબ એનઓસી મળવાપાત્ર થશે. આ ચક્કરમાં હજુ એનઓસી માટે મળેલી અરજીનું ચેકિંગ પણ શરૂ થયું નથી. નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, અહીંથી 52 અરજીઓ સ્ટેટમાં મોકલી હતી, જે પરત આવ્યે ચેકિંગ કરી એનઓસીની કાર્યવાહી કરાશે.

મહેસાણા રાધનપુર રોડથી બાયપાસ તરફ પાંચોટ ગ્રામ પંચાયતની હદમાં આવતા પાંચ જેટલા કોમ્પલેક્ષમાં ચાલતા છ ટ્યુશન ક્લાસિસને ફાયર સિસ્ટમ લગાવા ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી હતી. તલાટી કહે છે, નોટિસ પછી એજન્સી મારફતે ક્લાસિસોમાં ફાયર સિસ્ટમ લાગી છે, અમે જોઇ આવ્યા છીએ, એજન્સીએ ફાયર સિસ્ટમ લગાવ્યાનું પ્રમાણપત્ર આપ્યું છે. ટીડીઓ અજીતદાન ગઢવીએ કહ્યું કે, તાલુકાના મોટા 14 ગામમાં ક્લાસિસ, હોસ્પિટલોમાં નોટિસ આપીને ફાયર સિસ્ટમ લાગી છે કે નહીં તે ચેકિંગ કરાવ્યું છે, એનઓસી માટે કોઇ અરજી આવી નથી. એનઓસી તો કોઇ ફાયર વિભાગના જાણકાર આપી શકે, અમારે આપવાની ન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here