Wednesday, September 22, 2021
Homeમહેસાણા : શારદા પટેલ ડમી ઉમેદવાર છે? નીતિન પટેલ પર હજૂ દબાણ...
Array

મહેસાણા : શારદા પટેલ ડમી ઉમેદવાર છે? નીતિન પટેલ પર હજૂ દબાણ યથાવત

અમદાવાદ: મહેસાણાની પ્રતિષ્ઠિત લોકસભા બેઠક પરથી ભાજપે શારદાબહેન પટેલનું નામ જાહેર કર્યું ત્યારથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય પ્રગટ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ શારદાબહેનની પસંદગી સામે આઘાત વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અત્યંત આધારભૂત રીતે જાણવા મળ્યા પ્રમાણે, શારદાબહેન એ ભાજપનો ‘ટ્રોજન હોર્સ’ યાને દેખાડાનું મ્હોરું છે. ખરેખર તો છેલ્લી ઘડીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ મહેસાણાથી ઉમેદવારી કરવાની ફરજ પાડવામાં આવે તેમ બની શકે છે.

શા માટે મહેસાણા બેઠક વ્યુહાત્મક છે?

મહેસાણા બેઠક ભાજપ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઉત્તર ગુજરાતનું આ પ્રવેશદ્વાર છે અને વડાપ્રધાન મોદી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો ગૃહ જિલ્લો છે.

આ બેઠક પર અત્યંત પેચીદા સમીકરણો છે. વર્તમાન સાંસદ જયશ્રીબહેન પટેલ સામે નિષ્ક્રિયતાની ફરિયાદો વ્યાપક છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા જીવાભાઈ પટેલ પણ આ બેઠક પર મજબૂત દાવેદાર છે.

સામા પક્ષે કોંગ્રેસે 84 ગામ પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ અંબાલાલ પટેલ (એ.જે.પટેલ)ને પસંદ કરીને બહુ મોટો પડકાર ઊભો કરી દીધો છે. અહીં 84 ગામ સમાજનું પ્રભુત્વ છે. જયશ્રીબહેન પણ આ સમાજના છે અને તેમનું પત્તું કપાવાથી 84 ગામ પાટીદાર સમાજના મતો કોંગ્રેસ તરફ વળી શકે છે.

એ સંજોગોમાં એવા ઉમેદવારની પસંદગી કરવી પડે જે આ તમામ પરિબળોને ખાળી શકે અને બેઠક જીતાડી શકે.

શારદાબહેન પટેલ પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ પટેલના ધર્મપત્ની છે, પરંતુ રાજકારણમાં તેમની સક્રિયતા નહિવત્ત છે. કાર્યકરો સાથે તેમને કોઈ પરિચય નથી. એટલું જ નહિ, જિલ્લાના ગામો સાથેનો વ્યક્તિગત સંપર્ક પણ બિલકુલ નથી. એ જોતાં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર સામે તો શારદાબહેન પ્રથમ
દૃષ્ટિએ જ નબળા જણાય છે.

શા માટે ભાજપે આવો માસ્ટરપ્લાન ઘડ્યો?
મહેસાણાના ધારાસભ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક જ એવું નામ છે જે આ બેઠક પર ભાજપને મૂંઝવી રહેલાં તમામ પરિબળોને ખાળી શકે.

પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ, સહકારી અગ્રણી નટુભાઈ પિતાંબરદાસ સહિતના કોંગ્રેસના દિગ્ગજો સાથે તેમના અંગત સંબંધો એવા છે કે તેમની સામેનો વિરોધ મોળો પડી જાય.

નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી તરીકે નીતિનભાઈ વખતોવખત રૂપાણી સરકાર સામે શિંગડા ભેરવતા રહ્યા છે. ભાજપની આંતરિક જૂથબંધીમાં અમિત શાહ અને આનંદીબહેનના જૂથ પૈકી નીતિનભાઈ આનંદીબહેનના જૂથના હોવાની છાપ વ્યાપક છે. આથી નીતિનભાઈને લોકસભામાં મોકલીને રાજ્ય સરકારમાં વિરોધનું કેન્દ્ર જ નાબુદ કરવાનો ઈરાદો પણ હોઈ શકે.

એટલાં માટે જ ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે નીતિનભાઈ સાથે બંધબારણે બેઠક કરીને તેમને ચૂંટણી લડવા સમજાવ્યા હતા. એ પછી પણ નીતિનભાઈ માન્યા ન હોવાથી તાત્કાલિક ધોરણે શારદાબહેન પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

જાણવા મળ્યા પ્રમાણે, નીતિન પટેલ પર એટલી હદે દબાણ ઊભું કરવામાં આવ્યું કે તમે સંમત નહિ થાવ તો છેલ્લી ઘડીએ તમારું નામ જાહેર કરી દેવામાં આવશે.

હવે ક્યારે અસલી નામ પ્રગટ થઈ શકે?

એવી ધારણા છે કે અમિત શાહ બુધવારે સાંજે અમદાવાદ પહોંચે એ પછી તરત નીતિન પટેલના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

વ્યુહ એવો છે કે છેલ્લી ઘડીએ સત્તાવાર જાહેરાત થયા પછી નીતિનભાઈ માટે પણ આનાકાની કરવાનો કોઈ વિકલ્પ રહે નહિ.

એ પછી છેલ્લા દિવસે નીતિનભાઈ ફોર્મ ભરે, શારદાબહેન ફોર્મ પરત ખેંચે અને એ રીતે હાલ ઓવરકોન્ફિડન્સમાં આવી ગયેલી કોંગ્રેસ પણ ઊંઘતી ઝડપાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments