Thursday, October 21, 2021
Homeમાંગરોળમાં ઘરમાં ઘૂસેલો દીપડો 3 બાળકો પર ત્રાટકતાં મામાએ બાથ ભીડી, દિપડાને...
Array

માંગરોળમાં ઘરમાં ઘૂસેલો દીપડો 3 બાળકો પર ત્રાટકતાં મામાએ બાથ ભીડી, દિપડાને પતાવી દેવો પડ્યો

સુરતઃ માંગરોળના ધામરોડ ગામે મળસકે એક કદાવર દીપડો ઘરમાં ઘુસી ગયો હતો. સૂતેલા ભાણેજો પર હુમલો કરવાનો પ્રયાસ કરતા જ મામા વચ્ચે આવી દિપડા સાથે બાથ ભીડી હતી. ઘરના સભ્યો જાગી જતાં બૂમાબૂમ કરી હતી. જેથી ફળિયા ના રહીશો યુવાનને બચાવવા લાકડા લઇ ઘરમાં ઘુસી ગયા હતા. દિપડાએ લોકોને જોતા સામે ધસી આવતા લોકોએ સ્વબચાવમાં લાકડાના સપાટા મારતા દિપડાનું મોત થયું હતું. બીજી તરફ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંરે વન વિભાગે મૃત દિપડાનો કબ્જો લઇ પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, જવાબદાર તંત્રની બેદરકારીના ભોગે દિપડાએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે. ખોરાક પાણીની સુવિધાના અભાવે દિપડા રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. વન વિભાગ વન્ય પ્રાણીઓને સાચવવા આગોતરૂ આયોજન કરવામાં સદતંર નિષ્ફળ સાબિત થઇ રહ્યુ છે.

બૂમાબૂમ થતાં જ લોકો દોડી આવ્યા
માંગરોળ તાલુકાના ધામરોડ ગામના નવીનગરી આદિવાસી ફળિયામાં રહેતા દિનેશભાઈ સોમાભાઈ વસાવા સુરત હીરા ઘસવાનું કામ કરે છે. ઘરમાં બેન દક્ષા અને બનેવી રણજીતભાઇ તેમજ ત્રણ ભાણેજ રોકી, ધર્મિષ્ઠા, હાર્દિક સાથે જ રહે છે.  સોમવારે યુવાને નોકરી પર જવાનું હોવાથી વહેલી સવારે 4.30 વાગ્યા ઊઠી ગયો હતો, વાડામાં સ્નાન કરીને ઘરમાં આવ્યો હતો. વાડાનો દરવાજો ખુલ્લો હોય, ઘરમાં કદાવર દીપડો ઘુસી ગયો હતો. પ્રવેશતાની સાથે જ સામે ભાણેજો સુતેલા હોય, તેના પર દીપડો તરાપ મારવાની કોશીશ કરતા જ મામા દિનેશભાઈએ ભાણેજને બચાવવા જીંદગી હોડમાં મુકી દિપડા સાથે બાથ ભીડી હતી. જેથી ઘરના સભ્યો જાગી જતાં બૂમાબૂમ કરી દીધી હતી. ઘરની સામે જ એક વૃધ્ધાનું મરણપ્રસંગ હોવાથી ફળિયાના લોકો બહાર બેઠા હતાં. જેથી યુવાનને બચાવવા લાકડા લઇ લોકો ઘરમાં દોડી આવ્યા હતાં. રહીશોને જોતા જ દીપડો સામે ધસી ગયો હતો. જેથી લોકો સ્વ બચાવમાં લાકડીથી હુમલો કરતા દિપડાના માથામાં સપાટો વાગી જતા સ્થળ પર જ મોત થયુ હતું.
દિપડા ને અગ્નિદાહ અપાયો
દિપડા સાથેની ઝપાઝપીમાં દીનેશ વસાવાને બંને હાથના પંજાના ભાગે તેમજ પગના ભાગે ઈજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે  પાનોલી ની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ વનવિભાગ વાંકલને કરવામાં આવતાં આરએઅફઓ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃત દિપડાનો કબજો લઈ પીએમ કરાવી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
બાળકોને બચાવવા મે ઝંપલાવ્યું
મળસ્કે ઘરના વાડામાં નાહીને આવી સળગતા ચુલા પાસે તાપણુ કરવા બેઠો હતો. ત્યારે મારા બહેનના છોકરાઓ ઘરમાં સૂતા હતાં. આ સમયે ઘરમાં દીપડો ઘૂસી જઇ સૂતેલા ભાણેજો તરફ આગળ વધી રહ્યો હતો. એ જોતા જ મને લાગ્યું કે દીપડો મારા ભાણેજો પર હુમલો કરશે. જેથી કંઇ પણ વિચાર કર્યા વગર અટકાવવા હું દિપડા પર કુદી બાથ ભીડી હતી. મને બચાવવા ફલિયાનો લોકો ઘરમાં દોડી આવ્યા હતા. દિપડા અને મારી વચ્ચેની ઝપાઝપીમાં મને હાથ તેમજ પગમાં ઈજા થઈ હતી.  – દિનેશ સોમા વસાવા
PM રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી
ધામરોડમાં મરણ હાલતમાં કબ્જે કરેલ નર દીપડો અંદાજિત 2.5 વર્ષનો છે. ઘરમાં યુવક અને દિપડા વચ્ચે બાથ ભીડતા લોક ટોળુ બચાવવા માટે જતા સ્વબચાવમાં દિપડા પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળેલ છે. માંગરોળ વેટરનીરી દવાખાને દિપડાનું પીએમ કરાવવામાં આવ્યુ છે. પીએમના રિપોર્ટ બાદ આગળની વધુ કાર્યવાહી હાથ ધરાશે.  – પ્રવીણસિંહ મહિડા, આરએફઓ,માંગરોળ
1200 હેક્ટર જમીન અનેક દિપડાનું ઘર
ઘટના સ્થળેથી અડધો કિમી નેશનલ હાઈવે 48 ક્રોસ કરીએ તો, કેન્દ્ર સરકારનું ભેંસનું પ્રજનન કેન્દ્ર આવેલ છે. જે 1200 હેક્ટરથી વધુ જમીનમાં ફેલાયેલું છે. આ ફાર્મનો મોટાભાગનો વિસ્તાર જંગલ વિસ્તાર જેવો થઇ ગયો છે. ગત વર્ષે આ જગ્યાએ દિપડા દેખાવાની ઘટના બાદ પાંજરુ ગોઠવતાં 3 દિપડા પાંજરે પુરાયા હતાં. હાલ પણ ત્યાં દિપડા દેખાવાની ઘટના બનતી રહેતી હોય છે, ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારોમાં આવી ગયો હોવાની શક્યતાને પણ નકારી શકાતી નથી.
વનખાતાના પાપે લોકોના જીવ જોખમમાં
દિપડા સાથે બાથ ભીડવાની ઘટનામાં લોક ટોળુ યુવાનને બચાવવા ઘરમાં ઘુસી ગયા હતા, જેમાં સ્વબચાવમાં દિપડાને માર મારતા મોત થયું છે. દિપડાઓ રહેણાક વિસ્તારોમાં ખોરાક પાણીની શોધમાં આવી રહ્યા છે. વન વિભાગનું આગોતરૂ આયોજનનો સ્પષ્ટ અભાવ વર્તાઇ રહ્યો છે. જે તે વિસ્તારોમાં દિપડા દેખાવાની ઘટના અંગે તંત્ર યોગ્ય સર્વે કરાતું નથી. આ વન્ય પ્રાણીઓને સાચવવામાં કે પકડવામાં તંત્રની નિષ્ક્રીયતા છતી થઇ રહી છે. પરિણામે ખોરાકની શોધમાં નીકળી પડતા હોય છે. પજેમાં કોઇ વખત આવી ઘટના બની જતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વન વિભાગે આ બાબતે ગંભીરતા પૂર્વક આગોતરૂ આયોજનની કરવાની જરૂર છે. ત્યારે હવે જોવું રહ્યું કે વનવિભાગ આ અંગે કેવી કાર્યવાહી કરે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments