માછલીઓને જાળમાં ફસાવનાર યુવકો પોલીસની જાળમાંથી છટકી ગયા

0
32

શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલ તળાવમાં મોડી રાત્રે જાળ નાંખીને માછલીઓ પકડવાનું કૌભાંડ ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. માછીમારો તળાવમાં સિક્યોરિટી સાથે મળીને મોડી રાત્રે માછલી પકડતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા છે.

છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિકો સમગ્ર ઘટના જોઇ રહ્યા હતા જ્યારે તેમણે આજે વહેલી સવારે તેમનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ અરજી આપી છે. જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મોડી રાત્રે વોચ ગોઠવીને માછલી ચોરનાર યુવકોને પકડનાર સ્થાનિકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ઇસનપુર પોલીસની હાજરીમાં ચારેય યુવકો નાસી ગયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ઘોડાસર તળાવમાં મોડી રાત્રે કેટલાક લોકો માછીમારી કરી રહ્યા હોવાની જાણ સ્થાનિકોને થઇ હતી.

જેના કારણે ગઇ કાલે મોડી રાત્રે કેટલાક યુવકોએ વોચ ગોઠવી હતી. રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એક રિક્ષામાં ચાર યુવકો આવ્યા હતા અને તેમની પાસે માછલી પકડવાની જાળ હતી. સ્થાનિક યુવકોએ તેમને પકડવા માટે પ્લાન બનાવીને રાખ્યો હતો. જેમાં ચારેય યુવકો પહેલાં તળાવમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સિક્યોરિટી ગાર્ડની મદદથી તળાવની તમામ લાઇટો બંધ કરી દીધી હતી.

તળાવની લાઇટો બંધ થઇ જતાં ચારેય યુવકોએ શાંતિથી માછીમારી કરી હતી અને કેટલીક માછલીઓને જાળમાં ફસાવી હતી. માછલી પકડીને તેઓ બહાર આવતા હતા ત્યારે ચારેય યુવકોને તેમજ સિક્યોરિટી ગાર્ડને  સ્થાનિકોએ પકડી પાડયા હતા માછલીની જાળ સાથે રૂમમાં પૂરી દીધા હતા.

સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી દેતાં ઇસનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક યુવકોએ તળાવમાંથી માછલીઓને પકડવાની જાળ પણ બહાર કાઢી હતી.

ઇસનપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી ત્યારે માછલી ચોરનાર યુવકો તેમની સામેથી છટકીને નાસી ગયા હતા. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એમ.સોલંકીએ જણાવ્યુ છેકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ લેખિતમાં ફરિયાદ આપી છે. જેના આધારે અમે તપાસ શરૂ કરી છે. માછલી પકડનાર યુવકો નાસી ગયા છે. જેથી તેમને પણ ઝડપથી પકડી લેવામાં આવશે.