‘મારા મોતનું કારણ તુ જ સે, તે મને પ્રેમમાં ફસાવીને દગો દીધો સે’ , યુવકે ગળાફાંસો ખાધો

0
41

પોરબંદર નજીકના આદિત્યાણા ગામે યુવતીના ગળાડૂબ પ્રેમમાં રહેલા યુવાન સાથે યુવતીએ બેવફાઈ કરી હોવાનું જણાતા નાસીપાસ બનેલા આ યુવાને બે પાનાની સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. આદિત્યાણાના નવા વણકરવાસમાં રહેતા વિપુલ સોમાભાઈ મારું નામના યુવાને તેના ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા રાણાવાવ પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પંચનામું કર્યું હતું.

મરતાં પહેલા બે પાનાની સુસાઈડ નોટ લખી

ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેનાર યુવાને મરતાં પહેલા બે પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં ‘મારી મોતનું કારણ તું જ સે, તે મને પ્રેમમાં ફસાવીને દગો દીધો સે’ તેવું એક યુવતીના નામજોગ લખ્યું હતું. એટલું જ નહી પરંતુ એ યુવતીના પરિવારજનોને પણ બન્નેના પ્રેમ પ્રકરણની જાણ હતી અને લગ્ન પણ કરાવી દેવાના હતા અને બન્ને હર્ષદ ફરવા પણ ગયા હતા. પરંતુ તેમ છતાં આ યુવતી કોઈ બીજા સાથે ફોન ઉપર વાતો કરતી હતી એટલું જ નહીં પરંતુ આ યુવતીએ વિશ્વાસઘાત કરીને આ યુવાનને દવા પણ પીવડાવી દીધાનું સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. હોસ્ટેલમાં રહેતી તે યુવતીએ બેવફાઈ કરી હોવાનું જણાતા વિપુલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે.  બે પાનાની સુસાઈડ નોટ કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મોબાઈલના કોલ ડીટેઈલ્સ સહિત સુસાઈડ નોટમાં જે યુવતીનું નામ લખવામાં આવ્યું છે. તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે.

મૃતદેહને પોરબંદર લવાતા વિવાદ

આત્મહત્યાનો આ બનાવ આદિત્યાણામાં બન્યો છે અને રાણાવાવ પોલીસે પંચનામું પણ ત્યાં કર્યું છે. તેમ છતા મૃતદેહને રાણાવાવ સરકારી હોસ્પીટલે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાને બદલે પોલીસતંત્ર ભૂલથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાશને લવાઈ હતી. આથી વહેલી સવારે સાડા પાંચ વાગે લાશ આવ્યા બાદ સવારે નવ વાગ્યા સુધી ભાવસિંહજી હોસ્પિટલના ડોકટરોએ પોસ્ટમોર્ટમ કરવાનો એટલા માટે ઇનકાર કર્યો હતો કે રાણાવાવની હોસ્પિટલમાં ડોકટરોની પેનલ છે અને પંચનામું આદિત્યાણામાં થયું હોવાથી પી.એમ. પણ રાણાવાવ થવું જોઈએ. તેવો નિયમ છે. તેથી પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલમાં તંત્રએ આનાકાની કરી હતી.

સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ તે અંગે હોસ્પિટલના તંત્રને અને પોલીસને પણ રજૂઆત કરીને મૃતદેહને રાણાવાવ લઇ જવાને બદલે હવે પોરબંદર લાવ્યો છે ત્યારે અહીંયા જ પી.એમ. કરી દેવા વિનંતી કરી હતી અને ત્યારબાદ ભાવસિંહજી હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here