મુકેશની મદદ છતાં પણ અનિલ અંબાણીની આરકોમ પર દેવાળિયા કાર્યવાહી શરૂ

0
22

મુંબઈઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મંગળવારે દેવાળિયા કાર્યવાહી શરૂ કરવામાં આવી. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલ(આરપી) નિયુક્ત કરવા અને ક્રેડિટર્સની કમિટી(સીઓસી) બનાવવા માટે આરકોમના લેન્ડર્સ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે(એનસીએલટી) પહોંચ્યા. આ કોઈ કંપનીની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવાનું પ્રથમ પગલું છે.

આરકોમે 2 વર્ષ પહેલા ઓપરેશન્સ બંધ કર્યા હતા

આરકોમે ગત વર્ષે દેવાળિયા પ્રક્રિયા પર સ્ટે લીધો હતો. પરંતુ એસેટ્સના વેચાણમાં અસફળ રહેવા પર આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતે જ દેવાળિયા પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના બોર્ડે કહ્યું હતું કે આ પગલું સંબધિત પક્ષોના હિતમાં હશે. તેનાથી 270 દિવસના ગાળામાં આરકોમની સંપતિ વેચીને લોનની ચૂકવણીની પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકશે. થોડા દિવસો અગાઉ આરકોમે અપીલેટ ટ્રિબ્યુનલમાંથી સ્ટેની અપીલ પરત લઈ લીધી હતી.

કારોબારમાં નુકસાન થવા અને દેવું વધવાના કારણે આરકોમે 2 વર્ષ પહેલા ઓપરેશન્સ બંધ કર્યું હતું. તેણે રિલાયન્સ જિયોને સ્પેકટ્રમ વેચીને દેવાળિયા થવાથી બચવાની કોશિશ કરી હતી. પરંતુ લાંબી કાયદાકીય પ્રક્રિયા અને સરકાર તરફથી મંજૂરીમાં મોડું થવાને કારણે ડીલ થઈ ન શકી.

આ વર્ષે માર્ચમાં આરકોમના ચેરમેન અનિલ અંબાણીએ મોટા ભાઈની મદદથી એરિક્સનને 480 કરોડ રૂપિયા ચૂકવ્યા અને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવાથી બચ્યાં હતા, નહિતર અનિલ અંબાણીને જેલમાં જવાનો વારો આવ્યો હોત. એરિક્સન જ ગત વર્ષે આરકોમની વિરુદ્ધ એનસીએલટી ગઈ હતી.