મહેસાણા: મહેસાણાના મોઢેરા અને રાધનપુર રોડ પર દેદિયાસણ ગ્રામ પંચાયતની હદમાં આવેલી 40 જેટલી સોસાયટીઓના રહીશોને કચરાનો નિકાલ ક્યાં કરવો તે મૂંઝવણ સતાવી રહી છે. કારણ કે, છેલ્લા એક મહિનાથી પંચાયતે કચરો લેવા ટ્રેક્ટરની ફેરી બંધ કરી દીધી છે. આ મામલે નર્મદે રેસીડેન્સીના રહીશોએ ગ્રામ પંચાયત, ટીડીઓ અને કલેકટર સુધી રજૂઆતો કરી છે, પરંતુ નઘરોળ તંત્ર સફાઇ વેરો ભરતા રહીશોને સુવિધા આપવામાં ઊણું ઊતર્યુ છે.
નર્મદે રેસીડેન્સીમાં 133 પૈકી 23 ઘરનો કચરો પાલિકા લે, બાકીને નનૈયો
મહેસાણાના મોઢેરા રોડ પરની નર્મદે રેસીડેન્સીમાં રહેતા જીતુભાઇ પટેલે કહ્યું કે, અમારી એક જ સોસાયટીમાં 133 મકાનો છે, પ્રવેશનો એક જ ગેટ છે. તેમાં આગળની હરોળના 23 મકાન પાલિકાની હદમાં આવતા હોઇ ત્યાં સુધી કચરો લઇ વાહન પરત જાય છે. અમે કચરો નાંખવા જઇએ તો ગ્રામ પંચાયતમાં કહો તેમ કહી કચરો
લેવાની ના પાડે છે.
દેદિયાસણ ગ્રામજનોનો તળાવ પાસે નિકાલનો વિરોધ, બીજી જગ્યા નથી
દેદિયાસણ તળાવ પાસે ડમ્પિંગ સાઇટ કચરાનો ભરાવો થતાં જગ્યાના અભાવે ગ્રામજનોએ અહીં વધુ કચરો નાંખવા સામે વિરોધ કર્યો છે. બાજુમાં મંદિર છે. ત્યારપછી સોસાયટીઓમાં ટ્રેકટરફેરી બંધ કરાઇ છે. અમે સોસાયટીઓનો કચરો લઇએ પણ ક્યાં નિકાલ કરવો તે મૂંઝવણ છે, ગૌચરમાં નિકાલ ન થાય. બીજી જગ્યા નથી. અમે પાલિકાની ડમ્પિંગ સાઇટે કચરાનો નિકાલ કરવાની મંજૂરી માટે સહયોગ માંગીશું તેમ દેદિયાસણના તલાટી અશ્વિનભાઇ ચૌધરીએ કહ્યું હતું.
આ સોસા.નો કચરો લેવાનું પંચાયતે બંધ કર્યું
નર્મદે રેસીડેન્સી 1 અને 2, પ્રાંજલ, નંદનવન ટાઉનશીપ, સફલ એવન્યુ, સત્યમ પાર્ક, ગોકુલધામ સોસાયટી, પ્રાર્થના રેસીડેન્સી, પીન્કસીટી બંગ્લોઝ, બાલાજી, સહારા ટાઉનશીપ, શક્તિધારા, શ્રીનાથ, દેવ રેસીડેન્સી, દેવકુટીર સહિત 40 જેટલી સોસાયટીનો સમાવેશ થાય છે