Thursday, October 21, 2021
Homeમોડી રાત્રે અમૃતસરથી દિલ્હી પહોંચેલા અભિનંદનને સૈન્ય હોસ્પિટલ લઈ જવાયા
Array

મોડી રાત્રે અમૃતસરથી દિલ્હી પહોંચેલા અભિનંદનને સૈન્ય હોસ્પિટલ લઈ જવાયા

નવી દિલ્હી:  વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી વતન પરત આવી ગયા. સવારે 11 કલાકે વાઘા બોર્ડરે અભિની એક ઝલક જોવા માટે એકઠા થયેલા હજારો લોકોને સાંજે 6 વાગે ત્યાંથી હટવું પડ્યું. ભારતીય વાયુદળની ટીમે અભિનંદનને રિસીવ કર્યો. ત્યાર બાદ તેમને દિલ્હી લઇ જવાયા. તેઓ આશરે 60 કલાક સુધી પાકિસ્તાન માં રહ્યા હતા. અભિનંદનને સવારે છોડવાના હતા પરંતુ ડોક્યુમેન્ટેશન પ્રક્રિયાને કારણે છેક રાત્રે 9.22 કલાકે તેઓ ભારતમાં પરત થઇ શક્યા હતા.

60 કલાક સુધી પાકિસ્તાનમાં રહ્યા હતા અભિનંદન વર્ધમાન

ભારતે બીટિંગ રિટ્રીટ રદ કરી, પાકિસ્તાનમાં સીધું પ્રસારણ
પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને બોર્ડર પર થનારી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપવાની વાત કરી હતી. પરંતુ ભારત આ મામલે સંમત ન હતું તેથી મીડિયાનું સીધું કવરેજ રોકવા માટે ભારતે રિટ્રીટ સેરેમની રદ કરી દીધી હતી. સામાન્ય જનતાને આ સ્થળે જવાની પરવાનગી આપી નહીં. ત્યાર બાદ પાકિસ્તાને અભિનંદનને સોંપવાની પ્રક્રિયાનું પીટીવી પર સીધું પ્રસારણ કર્યુ. અભિનો એક વીડિયો પણ મોકલ્યો.
પાકે. વીડિયો રેકોર્ડ કરવા વિંગ કમાન્ડર અભિનંદને અટકાવી રાખ્યા

ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને શુક્રવારે મુક્ત કરવાના સમયમાં ઘણો વિલંબ થયો હતો. આ વિલંબ માટેના કેટલાક કારણોમાંનું એક એ છે કે વૈશ્વિક સ્તરે પોતાના સૈન્યની સારી છબી દર્શાવવા માટે પાકિસ્તાને 2 દિવસમાં અભિનંદનના 4 વીડિયો બનાવ્યા હતા. જોકે, આ વીડિયોને પોતાની રીતે દર્શાવવા માટે તેણે તેમાં 20થી વધુ કટ લગાવ્યા હતા.

પાકિસ્તાની હવાઈદળે અભિનંદનને સોંપવાનો સમય 2 વખત બદલ્યો હતો. તેમની મુક્તિ પહેલાં પણ અભિનંદનના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું. ભારતને સોંપતા પહેલા પાકિસ્તાની અધિકારીઓએ અભિનંદનને કેમેરા પર નિવેદન આપવા કહ્યું હતું. આ નિવેદન તેમણે દબાણમાં આપ્યું છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પાકિસ્તાને રાતે અંદાજે 8:30 વાગ્યે એક વીડિયો લોકલ મીડિયામાં જાહેર કર્યો હતો. પોતાને કેવી રીતે પકડવામાં આવ્યો તે અંગે અભિનંદને તેમાં માહિતી આપી છે.

અભિનંદનને પાક.માં છેક સુધી રોકવા પ્રયાસ થયો હતો

ભારતીય વાયુદળના જાંબાઝ પાઈલટ અભિનંદનને પાકિસ્તાનમાં રોકવા માટે તમામ પ્રયાસ થયા હતા પરંતુ પાકિસ્તાનને તેમાં સફળતા મળી નહોતી. છેવટે ગુરુવારે પાક. વડાપ્રધાન ઇમરાન ખાને તેને છોડવાની જાહેરાત કરવી પડી હતી. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ હતી. તેમાં જણાવાયું હતું કે ભારતીય પાઈલટ અભિનંદનને છોડવામાં આવે નહીં.

જોકે હાઈકોર્ટે આ અરજી કાઢી નાંખી હતી. અરજીમાં જણાવાયું હતું કે અભિનંદને પાકિસ્તાન વિરુદ્ધ ગુનો આચર્યો છે. તેની તપાસ થવી જોઈએ. ઇમરાન સરકારે કરેલા નિર્ણય પર સ્ટે આપવામાં આવે પણ કોર્ટે વાત માની નહોતી.

અભિનંદન હાલમાં ઘરે જઈ શકશે નહીં, સઘન તપાસ થશે

સૌથી પહેલાં રેડક્રોસ મેડિકલ તપાસ કરશે
રેડક્રોસ સોસાયટી અભિનંદનનું મેડિકલ ચેકઅપ કરશે. તેમાં તેમને કેટલી ઇજા થઇ? કેવી રીતે થઇ? શું તેમને ટોર્ચર કરાયું? ટોર્ચર થયું તો ક્યા પ્રકારનું થયું? તેમને ડ્રગ્સ તો નથી અપાયું? વગેરેની તપાસ થશે. એ એટલા માટે કે રેડક્રોસ સોસાયટીના રિપોર્ટના આધારે ભારત ટોર્ચરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવી શકે. જિનિવા સંધિ મુજબ યુદ્ધકેદીઓ સાથે અમાનવીય વ્યવહાર કરી શકાય નહીં.
એરફોર્સ પૂછપરછ કરી સરકારને જણાવશે
અભિનંદનને દિલ્હી પાલમ ટેક્નિકલ એરિયામાં સૌથી પહેલાં એરફોર્સની ટીમના કડક સવાલોનો સામનો કરવાે પડશે. તેમને પૂછવામાં આવશે કે પાક.નો તેમની સાથે વ્યવહાર કેવો હતો? ત્યાં શું પૂછવામાં આવ્યું? કેટલી વખત પૂછપરછ થઇ? તમે શું જવાબ આપ્યો? અભિનંદનથી સંતુષ્ટ થયા બાદ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. એટલા માટે કે વાયુસેના દુશ્મન સેનાના પૂછપરછના પ્રકારોના હિસાબે પોતાના પાઇલટ્સને તૈયાર કરી શકે.
પછી રૉ અને આઇબી અલગ-અલગ તપાસ કરશે
આ પૂછપરછ ખૂબ જ મહત્વની મનાય છે. રૉ અને આઇબી અલગ-અલગ અભિનંદનની સાથે પાકિસ્તાનમાં થયેલા વ્યવહાર અંગે ડીટેલ તૈયાર કરશે. બંને એજન્સીઓ તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરશે કે ત્યાં પાક. સેનાની શું પોઝિશન છે? તૈયારીઓ કેવી હતી? તેમને શું-શું પૂછવામાં આવ્યું અને તેમણે શું જવાબો આપ્યા? આ પૂછપરછ અનેક તબક્કામાં હશે. (એર વાઇસ માર્શલ મનમોહન બહાદુરના જણાવ્યા મુજબ)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments