Wednesday, December 8, 2021
Homeમોદીએ ‘નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કરી કહ્યું, દાંડી તિર્થ ક્ષેત્ર બનશે
Array

મોદીએ ‘નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કરી કહ્યું, દાંડી તિર્થ ક્ષેત્ર બનશે

સુરતઃ દાંડીમાં નમક સત્યાગ્રહનું રાષ્ટ્રાર્પણ કરવા આવેલા નરેન્દ્ર મોદી એ સૌપ્રથમ સ્મારકની મુલાકાત લીધી હતી. અને એક એક બાબતની ઝીણવટપૂર્વક માહિતી મેળવીને પોતાના સૂચનો રજૂ કર્યાં હતાં. બાદમાં જાહેર સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં નકારાત્મક વિચારવાવાળો એક વર્ગ ગાઁધીજી વખતથી છે. તેઓ નમક સત્યાગ્રહને નાનો માનતાં પણ અંગ્રેજોની સલતનત જતી રહી. આ ગાંધીજીના વિચારોને અમર કરતું સ્મારક આવનારા દિવસોમાં તિર્થક્ષેત્ર બનશે અને લોકોને રોજગારી આપવા માટેનો નવું પ્રવાસન સ્થળ બનશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

દાંડી સત્યાગ્રહે દેશને એક કર્યોઃ મોદી

આઝાદીની લડતમાં દાંડીએ મહત્વની ભૂમિકા ભજવી

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દાંડી મીઠાના સત્યાગ્રહના કારણે દેશ અને દુનિયાના લોકોની ભારત તરફની વિચારસરણી બદલી હતી. પશ્ચિમના લોકોને આ વાત ગમી હતી. દુનિયાએ નોંધ લેતા ગાંધીજીનો ફોટો 1930માં ટાઈમ મેગેઝીને કવર પેજ પર છાપ્યો હતો. અને પર્સન ઓફ ધ યર બનાવ્યાં હતાં. માત્ર વિરોધથી આંદોલન શક્ય ન બન્યું હોત પરંતુ આ યાત્રાના કારણે લોકોમાં એકતા વધી હતી. દાંડી સાથે અન્યાય વર્ષો સુધી થયો પરંતુ અમારી સરકારે ગાંધીજી અને સરદારની પ્રતિમાઓ બનાવી જેનો પણ લોકો વિરોધ કરી રહ્યાં હતાં. આવું ભારતમાં જ બને અમેરિકામાં તેની પ્રતિમા કે બ્રાઝીલમાં એફિલ ટાવરનો વિરોધ નથી થતો. આ સ્મારકોથી આસપાસમાં રોજગારીના નવા અવસરો અને ખાસ કરીને પ્રવાસન વિકસતા દેશ પરદેશથી લોકો અહિં આવી રહ્યાં છે.

આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહારો

મોદીએ સભાન સંબોધતા આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમે ગાંધીજીના મુલ્યો સાથે સ્વચ્છ ભારત અને શૌચાલયની વાતો કરી તો અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. પરંતુ હવે દેશમાં 98 ટકા સુધીનું કામ પહોંચી ગયું છે. ત્યારે ગાંધીજીની વાતો કરનારા તેના મુલ્યોને ઘોળીને પી ગયાં હોય તેવું લાગે છે. સાથે જ મોદીએ કહ્યું કે, નેગેટીવીટીથી ભરેલા લોકો માત્ર સ્વાર્થ જ જુએ છે જ્યારે અમે દેશ માટે કામ કરીએ છીએ.

દાંડી સત્યાગ્રહે અંગ્રોજની સલતનત ઉખેડીઃ રૂપાણી

દાંડીમાં ચપટી મીઠૂં ઉપાડી અંગ્રેજ સલતનતને લૂણો લગાડ્યો હતો. નમક સત્યાગ્રહણ લોકોને જોડનારૂં ગાંધીજીનું કાર્ય હતું. મોદી સરકારે સ્મારક બનાવીને ગાંધીને અમર કર્યાં છે. નવી પેઢી પ્રેરણા લે તે માટે નરેન્દ્ર મોદીએ દરેક નાની નાની વાતને ઉજાગર કરી છે. કોંગ્રેસમાં પરિવાર વાદ એક જ પરિવારનો ઈતિહાસ ચાલે છે ત્યારે મોદી સરકારે આ દેશના બાકીના લોકોને જેમણે ત્યાગ બલિદાન કર્યું છે તેને ન્યાય અપાવ્યો છે.કોંગ્રેસે ગાંધી, આંબેડકર, સરદાર, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝને ભુલાવ્યાં હતાં. મોદી સરકારે તમામને ન્યાય અપાવ્યો છે.

દાંડીને ન્યાય મળ્યોઃ પાટીલ

નવસારીના સાંસદ સી આર પાટીલએ જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ દાંડી વિકાસની રાહ જોઈ રહ્યું હતું. આટલા વર્ષોથી અન્યાય થઈ રહ્યો હતો. ત્યારે મોદી સરકારે આઝાદીના લડવૈયાઓની યાદી આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતા રહે તે પ્રકારનું સ્મારક બનાવવામાં આવ્યું છે. મોદી સરકારે દાંડીને ન્યાય આપ્યો છે.

ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા મૂકવામાં આવી

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવામાં દાંડીકૂચ મહત્ત્વનું પરિબળ બની રહી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલના રોજ ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા ઉપરના કરના કાયદાનો ભંગ કર્યો હતો. દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને આઝાદી મળી હતી.  દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ ઉપાડ્યું હતું.  આ ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ ‘નમક સત્યાગ્રહ સ્મારક’ રૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે. દાંડીયાત્રા 75 વર્ષની ઉજવણી વખતે 6 એપ્રિલ 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 14 વર્ષે પૂરા થયેલા આ પ્રોજેક્ટમાં દાંડીના દરિયા કિનારે ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે.

સ્મારકમાં સોલાર ટ્રી મૂકવામાં આવી

નમક સત્યાગ્રહ સ્મારક સ્થળે 41 સોલાર ટ્રી મૂકવામાં આવી છે. જેમાં દરરોજ 144 કિલોવોટ વીજળી ઉત્પન્ન થશે. જે આ સ્મારકમાં જરૂરી વીજપુરવઠો પૂરો પાડશે.

14 સોલ્ટ મેકિંગ પેન

સોલાર મેકિંગ બિલ્ડિંગમાં 14 સોલ્ટ મેકિંગ પેન મુકવામાં આવી છે. ત્યાં ખારું પાણી પણ ઉપલબ્ધ છે. ખારું પાણી જ્યારે પર્યટકો પેનમાં મુકશે ત્યારે તે પાણીનું પેનની અંદર લગાવાયેલ મશીન પાણીનું બાષ્પીભવન કરશે અને પેનમાં મીઠું રહી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments