- Advertisement -
વડોદરા: વડોદરા શહેરમાં આજે સ્વાતંત્ર્ય સેનાની અને મહાગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની 127મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જાણીતા કથાકાર મોરારી બાપુએ જમ્મુ કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકવાદી હુમલા અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પુલવામા ની ઘટના પછી કરેલા પ્રવચનો માં જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલાનો જવાબ આપવામાં આવશે. જેથી હવે દેશની 130 કરોડની જનતાની લાગણી ને ધ્યાન માં રાખીને આતંકવાદીઓને જવાબ આપવાનો સમય પાકી ગયો છે.
પુલવામાની ઘટના તમામ દ્રષ્ટીકોણથી નિંદનીય
કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના પુલવામાની ઘટના તમામ દ્રષ્ટીકોણથી નિંદનીય છે. પુલવામામાં 40 જવાનોની આંખો મિચાઇ ગઇ છે. પરંતુ, તેની સાથે દેશની 130 કરોડની જનતાની આંખો હવે ખુલી ગઇ છે. પહેલાના સમયમાં થઇ ગયેલા મહાત્મા ગાંધી, ઇન્દુચાચા, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા નેતા ઊંચુ માથુ રાખતા હતા. પરંતુ તેઓના પગ જમીન ઉપર રહેતા હતા. વર્તમાન સમાજના નેતાઓને તેમની સમકક્ષ આવવું હોય તો ભલે માથું ઊંચુ રાખે. પરંતુ તેમના પગ પાતાળમાં રાખવા જોઇએ. તો જ છેવાડાના માનવી સુધી તેઓ કામ કરી શકશે.
શહીદ જવાનોને બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટ, સરદાર ભવન ટ્રસ્ટ અને જન જાગૃતિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે સયાજીનગર ગૃહમાં ઇન્દુચાચાની 127મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્વે પુલવામાં શહીદ થયેલા જવાનોને બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરારી બાપુએ ઇન્દુચાચાના કાર્યોને યાદ કરતા જણાવ્યું કે, મારા 3 ચાચા છે. એક નહેરૂ ચાચા, બીજા ઇન્દુચાચા અને ત્રીજા મારા સગા ચાચા ભીખા ચાચા. હું આ ત્રણેય ચાચાને બાળપણથી યાદ કરતો આવ્યો છું.
ઇન્દુચાચા બહુ પ્રતિભાશાળી વ્યક્તિ હતા
મોરારી બાપુએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ઇન્દુચાચા બહુ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. જેથી 21મી સદીમાં પણ તેમના કાર્યોને યાદ કરવામાં આવે છે. તેઓ સાદગીથી જીવન જીવતા હતા. પરંતુ તેમના કર્મો ઉચ્ચ કોટીના હતા. તેઓ બહુજન સુખાય..બહુજન હિતાય..માં માનનાર વ્યક્તિત્વ હતા. આજે બાપુના હસ્તે સામાજિક સેવા કરતા સુનિલભાઇ, નિશીતા રાજપૂત અને દર્શન ચંદનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ઇન્દુચાચાની જન્મ જયંતિ નિમીત્તે આયોજીત નિબંધ સ્પર્ધામાં વિજેતા 3 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ડો. જીગીશાબહેન શેઠ, ઇન્દુચાચા ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પંડ્યા સહિત મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા લેખક ડંકેશ ઓઝાએ ઇન્દુચાચા અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.