લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. મહેસાણામાં પાલિકામાં 7 સભ્યો એ જુદી જુદી કમિટીના સભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે. બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર પણ ભાજપમાં જોડાતા હોવાની અફવાને મામલે તેમણે મોટો ખુલાસો કર્યો છે. મહેસાણામાં પાટીદાર આંદોલનને પગલે હાલમાં કોંગ્રેસનો દબદબો છે પણ જૂથવાદમાં કોંગ્રેસ ભાજપને સામેથી તક આપી રહી છે. મહેસાણા એ મોદીનું હોમગ્રાઉન્ડ છે. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે સારી તક હોવાથી ઘર ફૂટે ઘર જાય તેમ કોંગ્રેસીઓ અંદરોઅંદરની લડાઈમાં કોંગ્રેસને કમજોર બનાવી રહ્યાં છે. મહેસાણામાં હાલમાં ધારાસભ્ય નીતિનભાઈ પટેલ છે. જો કોંગ્રેસમાં અંદરો અંદર ડખાનો ફાયદો ભાજપ ઉઠાવે તેવી પૂરી સંભાવના છે.
મહેસાણા પાલિકામાં 3 જૂથો વર્ચસ્વ જમાવવા મેદાને
એકતરફ મહેસાણા પાલિકામાં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસ સત્તા પર આવી હોવાના દાવાઓ વચ્ચે પાટીદાર સભ્યો સત્તામાં વધુ ભાગ બટાઇ માગી રહ્યા છે તો બીજી તરફ જૂના છ સભ્યોમાંથી તમામને પાલિકામાં મહત્ત્વના હોદ્દા જોઇએ છે અને જિલ્લા સંગઠનમાં પણ મહત્ત્વનાં હોદ્દા જોઇએ છે. બહુચરાજીના ધારાસભ્યે દિલ્હીમાં રજૂઆત કરી છે કે, તેમના સમાજની અવગણના થઇ રહી છે. મહેસાણા નગરપાલિકામાં જયદીપસિંહ ડાભી, અમીત પટેલ અને પૂરીબેન પટેલ એમ ત્રણ ગ્રુપ છે. આ ત્રણે ય ગ્રુપોમાં સત્તામાં ભાગબટાઇ માટે સતત કલહ થતો રહે છે. આ આંતરિક કલહના કારણે ભરત ઠાકોર ભાજપમાં જાય છે એવી સોશિયલ મીડિયામાં વાત વહેતી થઇ હતી. જેને ભરત ઠાકોરે રદિયો આપ્યો છે.
સત્તા જૂથવાદના કારણે કોંગ્રેસ પચાવી શકી નથી
આ અસંતોષ વચ્ચે મહેસાણા પાલિકાની કારોબારી યોજાઇ હતી. આંતરિક વિખવાદના કારણે મહેસાણામાં વિકાસનાં કામોની ચર્ચા બાજુ પર રહી જાય છે. પાટીદાર આંદોલન બાદ મળેલી સત્તા જૂથવાદના કારણે કોંગ્રેસ પચાવી શકી નથી, હાલ તો રાજીવ સાતવ પર પ્રેશર ઊભું કરવા જુદી જુદી કમિટિઓમાંથી કોંગ્રેસના સભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે પણ હાલના તબક્કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મીડિયા સમક્ષ કશું ફોડ પાડીને કહેવા તૈયાર નથી.
સમિતિના સભ્યપદેથી કુલ 7 સભ્યો એ રાજીનામાં આપી દીધા
નગરપાલિકામાં ગત 13 ડિસેમ્બરે વિવિધ સમિતિઓની રચનામાં નવા પ્રોજેક્ટ અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે અમિત પટેલની વરણી કરાઇ હતી. ઉપરાંત વોટરવર્કસ, બાગ બગીચા અને રમતગમત, લાઇટ, સ્ટાફ સિલેકશન અને જન્મ મરણ, વળતર તેમજ ટાઉનહોલ સમિતિમાં સભ્ય તરીકે નિયુક્તિ બોર્ડમાં કરાઇ હતી. આ તમામ સમિતિના સભ્યપદેથી કુલ 7 સભ્યો એ રાજીનામાં આપી દીધા છે. જોકે, શહેરમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાન અને પાલિકાના કોર્પોરેટર દ્વારા સમિતિ વરણીના એક મહિનામાં જ રાજીનામું આપી દેતાં ફરી પાલિકાના વહીવટમાં સત્તાધિશોમાં આંતરિક વિખવાદના તર્ક-વિતર્ક ચર્ચાવા લાગ્યા છે. જો મહેસાણા જિલ્લા કોંગ્રેસનો જૂથવાદ આમ જ ચરમસીમાએ પહોંચેલો રહેશે તો આજ નહીં તો કાલ ભાજપને સત્તા આંચકી લેવાનું સહેલું પડશે. લાગે છે કે આ દિવસો બહુ દૂર નથી.