મોસમનાં બદલાયેલાં મિજાજે કરેલાં નુકસાનથી કેસર કેરી બનશે મોંઘી

0
0

અમદાવાદઃ ગીરની ખુશબોદાર કેસર કેરીનો સ્વાદ કેરીના શોખીનો માટે તૈયાર થવા લાગ્યો છે પરંતુ મોસમે છેલ્લા બે દિવસમાં બદલેલા મિજાજના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીના સારા પાકની આશા પર પાણી ફરી વળતાં સ્વાદરસિયાઓને પણ કેરી આ વર્ષે મોંઘી પડશે. બે દિવસનાં વાતાવરણનાં પલટાનાં કારણે આંબા પરથી કેરીના ગોરવા મોટી સંખ્યામાં ખરી પડ્યાં છે.

ગીરનાં ખેડૂત અગ્રણી નટુભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિ જોતાં ખાતર ,દવા અને મજૂરીનો ખર્ચ માટે પડશે. કેરીનો પાક માંડ ૩૦ ટકા જેટલો બચ્યો હોઈને કેરીનું બજાર મોંઘુ રહેશે. તલાલા પંથકના ખેડૂતોએ વાતાવરણના કારણે વધુ નુકસાન ન જાય તે માટે આગોતરો પાક ઉતારવાનું શરૂ કરી દીધું છે. તલાલા માર્કેટિંગ યાર્ડને ખૂલવાને હજુ વાર હોવા છતાં ખેડૂતો આંબા પરથી કેસર કેરી ઉતારીને દસ કિલોના બોક્સ ભરવા લાગ્યાં છે.

અમદાવાદના બજારોમાં ખેડૂતો દ્વારા સીધી કેરીની આવકનું વેચાણ શરૂ થઈ ગયું છે. જો કે ગીર કેસરના ભાવ બમણા છે. ક્વોલિટી મુજબ એક બોક્સ રૂ ૮૦૦થી ૧૫૦૦ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. હાલમાં પાકેલી કેસર રૂ ૧૭૦થી ૨૦૦ના ભાવથી વેચાણ થઈ રહી છે ચાલુ વર્ષે કેરીનો પાક પ્રતિકૂળ વાતાવરણ થી નુકસાનીના કારણે ઊંચો રહેશે. બીજી તરફ અન્ય કેરી હાફૂસ અને લંગડો કેરી હજુ સ્વાદ શોખીનોને રાહ જોવડાવશે.

અત્યારે અમદાવાદનાં બજારમાં ૨૦ ટનથી વધુ દેશી કેરીની આવક થઈ રહી છે. કેસર કેરીની મામૂલી આવક સાથે બદામ કેરીની આવક પણ હાલમામ મધ્યમ છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે દેશી કેરીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. એક સપ્તાહ પછી કેરીની આવક વધશે. જૂનાગઢથી ૬૫ કિલોમીટરનાં અંતરે તલાલા ગીર કેસર કેરીની રાજધાની છે. તલાલા તાલુકાના ૪૯ ગામોની ૨૯૮૦૦ હેકટર ખેતી લાયક જમીન પૈકી અંદાજીત ૧૬૯૦૦ હેકટર જમીનમાં આંબાવાડીઓ ઊભી છે. વાતાવરણની ખાસ અસરના કારણે કેરીના પાકનું ઓછું ઉત્પાદન થયું છે. ઠંડીના કારણે આંબાના કૂમળા ફ્લ બળી જતાં પાક ઓછો થયો હોવાનું બહાર આવ્યું હતું. તેમાં ફરી માવઠું થતાં કેરીના ભાવ પણ ડબલ ચૂકવવા પડે તેવી નોબત આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here