Monday, October 18, 2021
Homeમ્યુનિસિપલ હોસ્પિટલોમાં પણ સ્વાઇન ફ્લૂની સ્થિતિની તપાસ કરો: HC
Array

મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પણ સ્વાઇન ફ્લૂની સ્થિતિની તપાસ કરો: HC

અમદાવાદ: રાજ્યભરમાં ફેલાયેલા સ્વાઇન ફ્લૂના મામલે સિવિલ હોસ્પિટલમાં અરજદારના વકીલની તપાસ બાદ હવે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં પણ સ્વાઇન ફ્લૂ માટે ક્યા પ્રકારની તૈયારીઓ છે તે અંગે સ્થળ સ્થિતિની તપાસ કરી અહેવાલ આપવા અરજદારના વકીલ તેમજ તેમની સાથે અન્ય એક વકીલને જોડાવા માટે કાર્યકારી ચીફ જસ્ટિસની ખંડપીઠે નિર્દેશ આપ્યો છે.

માત્ર સિવિલમાં જ 2159 જેટલા સેમ્પલ પૈકી 1234 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા

રાજ્યમાં સ્વાઇન ફ્લૂ સમયે સરકારી તંત્ર દ્વારા યોગ્ય અસરકારક પગલાં લેવામાં આવ્યાં નથી. તેમજ જે પગલાં લેવામાં આવ્યા છે તેની ખરેખર શું સ્થિતિ છે તે બાબતે સ્થળ તપાસ કરાવા માટે સિવિલ હોસ્પિટલ જવાની અરજદારના એડવોકેટ કે.આર.કોષ્ટી દ્વારા પરવાનગી માગવામાં આવી હતી.

જે કેસમાં હાઇકોર્ટે પરવાનગી આપતા તેમણે સિવિલની મુલાકાત લઇ કરેલી તપાસમાં એ‌વી હકીકત બહાર આવી હતી કે, અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ અલગ અલગ નથી. 24 કલાક તબીબ ત્યાં હાજર નથી હોતા. માત્ર સિવિલમાં જ 2159 જેટલા સેમ્પલ પૈકી 1234 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 65 લોકોના સ્વાઇન ફ્લૂને કારણે મોત થયાં છે.

બીજી તરફ સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આ‌વી હતી કે, તેમણે પૂરતી વ્યવસ્થા ગોઠવી છે. એટલું જ નહીં પણ ખાનગી હોસ્પિટલમાં પણ તેમણે મફત સારવાર આપવાની જોગવાઇ ગોઠવી છે. આઇસોલેશન વોર્ડમાં દરેક જગ્યાએ ઓક્સિજનની આવશ્યકતાની જરૂર નથી. 24 કલાકમાં જ રાજ્યના કોઇ પણ સ્થળેથી સેમ્પલ 3 લેયરમાં લેબોરેટરીમાં પહોંચાડી તેની તપાસ કરવામાં આવે છે.
VSના વોર્ડની બારીઓ ખુલ્લી છતાં કાર્યવાહી નહીં

સ્વાઇન ફ્લૂની સારવાર આપતી હોસ્પિટલોમાં ચેકિંગ કરીને સાત હોસ્પિટલોને કોર્પોરેશને નોટિસ પાઠવી હતી. આ દરમિયાન મ્યુનિ. સંચાલીત વીએસ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડની બારીઓ ખુલ્લી  હોવાની આંચકારૂપ  ઘટના સામે આવી છે. ખાળે ડૂચા દરવાજા મોકળા જેવી સ્થિતિમાં સ્વાઇન ફ્લૂ હવાથી ફેલાતો હોવા છતાં વી.એસના સ્વાઇન ફ્લૂ વોર્ડની બારીઓ ખુલ્લી છે અને મ્યુનિ.નો હેલ્થ વિભાગ સબ સલામતના દાવા કરી રહ્યો છે.

મ્યુનિ. હેલ્થ વિભાગે જણાવ્યું હતુ કે, શુક્રવારે સ્વાઇન ફ્લૂના વધુ 35 કેસ નોંધાયા છે. આમ ફેબ્રુઆરી મહિનામાં જ સ્વાઇન ફ્લૂના કુલ 544 કેસ નોંધાઇ ચુક્યાં છે. જ્યારે ચાલુ વર્ષનો આંક 757 થઇ ગયો છે. જે ગત વર્ષ 2018ના આખા વર્ષ જેટલો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments