Friday, December 3, 2021
Homeયુગાન્ડામાં ઇન્ટરનેટ પર ટેક્સ, 25 લાખ લોકોએ નેટ છોડ્યું
Array

યુગાન્ડામાં ઇન્ટરનેટ પર ટેક્સ, 25 લાખ લોકોએ નેટ છોડ્યું

કંપાલા: આફ્રિકન દેશ યુગાન્ડામાં લોકો ઓનલાઈન ગોસિપિંગ ના કરે તે માટે સરકારે સોશિયલ મીડિયા પર જ ટેક્સ ફટકારી દીધો છે. ફેસબુક-વૉટ્સએપ અને ટિ્વટર સહિત 60 વેબસાઈટને ટેક્સના દાયરામાં લાવી દેવાઈ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર સરકારે રોજના 200 યુગાન્ડન શિલિંગ (આશરે રૂ. ચાર)નો ટેક્સ ફટકાર્યો છે. આ નિર્ણય પછી 25 લાખ લોકોએ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દીધું છે. હવે પાંચ કરોડની વસતી ધરાવતા દેશમાં ફ્ક્ત 12 લાખ નાગરિક જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

પ્રજાને સરકારના અસલી હેતુ વિશે જાણ થવા લાગી હતી

યુગાન્ડાના મીડિયાના અહેવાલો પ્રમાણે, સોશિયલ મીડિયા પર ટેક્સ લગાવવાનો નિર્ણય પહેલીવાર જુલાઈમાં રાષ્ટ્રપતિ યુવેરી મુસેવિનીએ કર્યો હતો. તેનો હેતુ લોકો સરકાર વિરુદ્ધ આડીઅવળી વાતો ના કરે એ તેમજ સરકારવિરોધી સમાચારો દેશ બહાર ના જાય તે હતો.

ત્યાર પછી અનેક નાગરિકોએ એ નિર્ણયને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની તરાપ ગણાવી હતી. કેટલાક સામાજિક કાર્યકર આ નિર્ણય વિરુદ્ધ અદાલતમાં પણ ધા નાંખી છે અને અનેક લોકો તેના સમર્થનમાં રસ્તા પર પણ ઉતરી રહ્યા છે.

આ નિર્ણય વિરુદ્ધ અદાલતમાં ગયેલા એક વકીલે કહ્યું હતું કે, યુગાન્ડામાં મોટા ભાગના લોકો સમાચારો માટે સોશિયલ મીડિયા પર નિર્ભર છે. પ્રજાને સરકારના અસલી હેતુ વિશે જાણ થવા લાગી હતી. એવામાં જ સરકારે સોશિયલ મીડિયા પર ટેક્સ ફટકારી દીધો હતો, જેથી લોકો ધીમે ધીમે ઈન્ટરનેટથી દૂર થઈ જાય અને સાચી માહિતી લોકો સુધી પહોંચે જ નહીં.

જોકે, ઈન્ટરનેટનો ઉપયોગ ઘટતા ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ઓછી આવક થવાથી અનેક કંપનીઓ કર્મચારીઓને પગાર પણ નિયમિત રીતે આપી શકતી નથી. ટેક્સ લાગુ થતાં જ આ કંપનીઓની આવક અગાઉ કરતા ચોથા ભાગની થઈ ગઈ છે. સરકારના આ નિર્ણય પછી કેટલીક કંપનીઓએ તો કોસ્ટ કટિંગના બહાને કર્મચારીઓની છટણી પણ શરૂ કરી દીધી છે.

લોકો VPN સોફ્ટવેરથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે
યુગાન્ડા સરકારના આ નિર્ણય પછી અનેક લોકો વીપીએન સોફ્ટવેરની મદદથી ચોરીછુપીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણસર ટેલિકોમ કંપનીઓને કયો નાગરિક કેટલા ડેટાનો સોશિયલ મીડિયા પર ઉપયોગ કરે છે એ વિશે માહિતી નથી મળતી. આ ઉપરાંત લોકોએ સોશિયલ મીડિયા પર ‘નો ટુ સોશિયલ મીડિયા ટેક્સ’ હેશટેગ શરૂ કરીને સરકારની નીતિઓનો વિરોધ શરૂ કર્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments