Tuesday, December 7, 2021
Homeરશિયામાં જહાજમાં આગ લાગતા વલસાડના બે યુવકના મોત, અંતિમયાત્રા નીકળી
Array

રશિયામાં જહાજમાં આગ લાગતા વલસાડના બે યુવકના મોત, અંતિમયાત્રા નીકળી

વલસાડ: ગત 21મી જાન્યુ.ના રોજ રશિયન દરિયામાં બે જહાજોમાં લાગેલી ભયાનક આગમાં 14થી પણ વધુ ખલાસી મોતને ભેટ્યા હતા. જેમાં કેટલાક જીવ બચાવવા દરિયામાં કૂદી પડતાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં વલસાડના બે યુવકોના મોત નીપજ્યાં હતા. જ્યારે એક બચી ગયો હતો. ગત રોજ મૃતકોના મૃતદેહ વતન વલસાડના હીંગળાજ ખાતે પહોંચ્યા હતા. અને અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં આખું ગામ જોડાયું હતું.

યુવકે ઈશ્વરનો આભાર માન્યો

રશિયન દરિયામાં બે જહાજોમાં લાગેલી ભયાનક આગમાં ભારતનો એકમાત્ર યુવા ખલાસી દરિયામાં કૂદી પડ્યા બાદ દોઢ-બે કલાક બર્ફીલા પાણીમાં તરતો રહેતાં બચી ગયો હતો. આ યુવાન વલસાડના હિંગળાજ ગામનો ખલાસી છે. યુવકે વર્ણવેલી આપવીતીમાં તેનો બચાવ માત્ર ભગવાનને આધારે થયો હોવાનું જણાવી ઈશ્વરનો આભાર માન્યો હતો.

ઈંધણની અદલાબદલી દરમિયાન વિસ્ફોટ

કમલેશ ટંડેલે પોતાની આપવીતી વર્ણવતાં જણાવ્યું કે, વલસાડ નજીક હિંગળાજ ગામના અમે 3 મિત્ર ગત 16મી જાન્યુઆરીથી તૂર્કીથી નિમ્બસ કંપની દ્વારા શિપમાં જોડાયા હતા. જેમાં હું કમલેશ ગોપાલ ટંડેલ અને પિનલ ભરત ટંડેલ કેન્ડી નામની શિપમાં હતા, જ્યારે કરણ હરિ ટંડેલ મેસ્ટ્રો નામની શિપમાં હતો. તૂર્કીથી ઉપડેલા એલપીજીના બે જહાજમાં ભારતના 7 ખલાસી હતા. રશિયન સમુદ્રમાં ગત 21મી જાન્યુ.ના રોજ બે જહાજ માં ઈંધણની અદલાબદલી દરમિયાન વિસ્ફોટ સાથે ભયાનક આગ ફાટી નિકળી હતી. જેમાં 14 થી વધુ ખલાસી ભડથું થઈ ગયા હોવાનું જણાય છે. જેમાં કેટલાક ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા. હું અને પિનલ દરિયામાં કૂદી પડ્યા હતા. બીજી બોટમાંથી પણ ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા હતા. જેમાં કરણ પણ કૂદી પડ્યો હતો.

શરીર અક્કડ અને નિસ્તેજ થઈ ગયું

કમલેશ ટંડેલે વધુમાં જણાવ્યું હતું કે, અમને બચાવવા તૂર્કી, રશિયા સહિત અનેક દેશોની બોટ ત્યાં આવી પહોંચી હતી. કેટલાક ખલાસીઓ દરિયામાં ડૂબી ગયા હતા. જેમાં કરણ ટંડેલ રહે.નૂતનનગર, હિંગળાજ અને પિનલ ભરત ટંડેલ રહે.ચિકુવાડી, હિંગળાજ સહિત ભારતના અન્ય 4 ખલાસી દરિયામાં ડૂબી ગયા હતા. માત્ર હું એકલો 2 કલાક સુધી ભયંકર ઠંડી અને ભરફ જેવા ઠંડાપાણીમાં તરતો રહ્યો હતો. કિનારા સુધી પહોંચતા મારું શરીર એકદમ અક્કડ અને નિસ્તેજ થઈ ગયું હતું. ભગવાનની કૃપા અને ઘરના મા-બાપ અને વડીલોના આશીર્વાદથી આજે હું વલસાડના ઘરે હેમ ખેમ પહોંચી ગયો છું.

પહેલી જ વાર શિપમાં ગયો હતો

શિપમાં કમલેશ ટંડેલ ઓઈલર તરીકે કામ કરતો હતો, જ્યારે પિનલ અને કરણ વાઈપર તરીકે ફરજ બજાવતા હતા. રશિયન સમુદ્રમાં 10 કિમી અંદર 21 જાન્યુઆરીએ સાંજે 5:30 આસપાસ આ ઘટના બની હતી. અમે એન્જીન રૂમમાં કામ કરતાં હતા. બીજા ખલાસીઓએ બૂમાબૂમ કરતાં મેં પણ દરિયામાં ઝંપલાવ્યું હતું. બીજા દેશોની બોટના ખલાસીઓ મને બચાવી રશિયા લઈ ગયા હતા. જ્યાં 3-4 દિવસ હોસ્પિટલમાં રાખી નવો પાસપોર્ટ બનાવી મુંબઈ મોકલી આપ્યો હતો. 27મીએ સાંજે વલસાડ આવી ગયો હતો. નિમ્બસ કંપનીમાં હું અને કરણ પ્રથમવાર શિપમાં ગયા હતા. જ્યારે પિનલને બીજી વખત હતો. – કમલેશ ટંડેલ, હિંગળાજ

કરણના મામાના 28મીએ લગ્ન હતા

આ ઘટના 21મી જાન્યુ.એ બની હતી. જેના સમાચાર ગામમાં તો પહોંચી ગયા હતા, પરંતુ કરણના સગામામાના લગ્ન 28મીએ નિર્ધારેલા હોવાથી તમામ તૈયારીઓ પણ થઈ ગઈ હતી. રશિયામાં કરણ- પિનલના મોતની જાણ પરિવારજનોને ન હોતી કરાઈ.

પિનલ પરિવારમાં એકમાત્ર દીકરો

મૃતક પિનલ એક જ છોકરો હતો. જેથી તેમના માતા-પિતાનો આધાર છીનવાઈ ગયો છે. પિનલનો જન્મ તેના માતા-પિતાના લગ્ન બાદ 10 વર્ષે થયો હતો. જ્યારે કરણને પરિવારમાં 2 ભાઈ છે, એક મોટો અને એક તેનાથી નાનો. બંને ભાઈ અપરણિત છે.

ગામે એકતાનો ભાઈચારો બતાવ્યો

હિંગળાજમાં રહેતા તમામ લોકો અને ખાસ કરીને માછીમારોના પરિવારજનોએ રશિયા ખાતે શિપમાં થયેલા બે યુવાનના મોત બાદ તેમના પરિવારજનોને આશ્વાસન અને દિલાસો આપ્યો હતો. બીજુ આ દિવસોમાં લગ્નપ્રસંગ પણ હોવાથી તમામ લોકોએ સાથ સહકાર આપ્યો હતો. સમાજના લોકોએ સંયમ જાળવી આ ઘટનાની જાણ કોઈને કરવા દીધી ન હતી. ગામમાં બે-ચાર વર્ષે આવી ઘટના બનતી રહે છે. – જગુભાઈ ટંડેલ, પ્રમુખ, હિંગળાજ મંદિર ટ્રસ્ટ.

સહાય મળે તે માટે રજૂઆત

આ ઘટનામાં વલસાડના બે યુવકો મોતને ભેટ્યા હતા. જ્યારે એક યુવાનનો બચાવ થયો હતો. તેઓના પરિવારજનોને આર્થિક સહાય મળી રહે તા માટે નૂસી નેશનલ યુનિયન સિફેશર્સ ઓફ ઈન્ડીયાની કચેરી, મુંબઈ ખાતે રજૂઆત કરાઈ છે. નૂસીના ચેરમેન અને મેનેજરને કરાયેલી રજૂઆતમાં તાત્કાલિક મૃતકના પરિવારજનોને સહાય મળે તે માટે વિનંતી કરાઈ છે. – રણજીત ટંડેલ, પ્રમુખ, હિંગળાજ સિમેન્સ એસો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments