રાજકોટ: રાજકોટના એક યુવકે તેના બે લગ્ન થઈ ગયા હોવા છતાં તેણે ત્રીજી વખત કોલકાતાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોતાના બે લગ્ન થઈ ગયા હોવાની વાત તેણે યુવતીથી છુપાવી હતી. ત્રીજા લગ્નના 9 વર્ષ બાદ ઝઘડો કરીને પત્નીને ઘરમાંથી કાઢી મુકતા તેણે મહિલા કાનૂની સેવા કેન્દ્રની મદદ માંગી હતી. હાલ આ મહિલા પારકા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવીને બાળકોનો ઉછેર કરી રહી છે.
શનિવારે સાંજે 5 કલાકે ભવ્યા (નામ બદલાવેલ છે) નામની યુવતી મહિલા કાનૂની સેવા કેન્દ્રમાં પહોંચી હતી. તેણે અધિકારીને કહ્યું હતું કે, તેના લગ્ન રાજકોટમાં રહેતા ભવ્ય (નામ બદલાવેલ છે) નામના યુવક સાથે આજથી 9 વર્ષ પહેલા થયા હતા. ભવ્યના લગ્ન પહેલેથી જ બે વખત થઇ ગયા હતા. જેમાં એક પ્રેમલગ્ન હતા. આ વાતની જાણ તેને કરી ન હતી. સમય જતા તેના પ્રથમ લગ્ન છૂટાછેડામાં પરિણમ્યા હતા.
પોતાના લગ્ન જીવન દરમિયાન તેણે સંતાનમાં બે બાળકોનો જન્મ થયો હતો .હાલ તેઓને હેરાનગતિ કરે છે. એટલું જ નહીં તેમની ખાધાખોરાકી આપતા નથી. હાલ અત્યારે તેનો પતિ ભવ્ય ચોથી યુવતી સાથે મૈત્રીકરાર કરીને રહે છે. ભવ્યાએ અગાઉ પણ પતિ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી ત્યારથી તેને ઘરની લાઈટ-વીજ કનેક્શન પણ આવીને કાપી જાય છે. હાલ તે કડિયાકામ કરીને બાળકોનું ગુજરાન ચલાવે છે. મહિલા સોમવારે મહિલા કાનૂની સેવા કેન્દ્રમાં ફરિયાદ નોંધાવશે.