રાજકોટ: વિશ્વના ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના જે 10 શહેરનો સમાવેશ કરાયો છે તેમાનું એક રાજકોટ છે. રાજકોટની વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં આ વખતે કુલ 131 એમઓયુ થવાના છે મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જે 131 પ્રોજેકટના એમઓયુ થવાના છે તેની પાછળ રૂા.4882.57 કરોડનું રોકાણ થશે. જેમાં , રહેણાંક મકાનોના કુલ 80, કોમશિર્યલના 21, રહેણાંક-કોમશિર્યલના 24, સ્માર્ટ સિટીના પાંચ અને અન્ય એક પ્રોજેકટનો સમાવેશ થાય છે.
વૈશ્વિક આર્થિક વિકાસની વાત કરવામાં આવે ત્યારે સને:૨૦૧૯ થી ૨૦૩૫ના સમયગાળા દરમ્યાન સમગ્ર દુનિયામાં ભારતના ૧૦ શહેરોનો જબ્બર દબદબો રહેશે, અને તેમાં ગુજરાતમાંથી સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સના અહેવાલ અનુસાર આગામી દોઢ – બે દાયકા દરમ્યાન રાજકોટ શહેરનો વાર્ષિક સરેરાશ જી.ડી.પી. વિકાસ દર ૮.૩૩ ટકાનો રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે જે ખરેખર ઉત્સાહવર્ધક છે. રાજકોટના આર્થિક વિકાસના પાયામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા પાયાના માળખાકીય વિકાસ કાર્યો અને વર્તમાન મોડર્ન સમયને અનુરૂપ અન્ય આધુનિક વિકાસલક્ષી પ્રોજેક્ટનું મહત્વ ખુબ જ રહે છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.