Wednesday, December 8, 2021
Homeરાજકોટની 6 સ્કૂલે બે વર્ષ પહેલા ઉઘરાવેલા ફીના 16 કરોડ પરત કરવાનો...
Array

રાજકોટની 6 સ્કૂલે બે વર્ષ પહેલા ઉઘરાવેલા ફીના 16 કરોડ પરત કરવાનો આદેશ પણ વ્યાજ કોણ ચૂકવશે?

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા વાલીઓ પાસેથી ફીના નામે થતી ઉઘાડી લૂંટ અટકાવવા માટે ફી નિર્ધારણનો કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે ગોકળગાયની ગતિથી થતી કાયદાની કથિત અમલવારી વાલીઓ માટે ‘લોલીપોપ’ જેવી પુરવાર થઇ છે. ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ રાજકોટની 225 સહિત સૌરાષ્ટ્રની અંદાજે 500 જેટલી સ્કૂલે રાજ્ય સરકારના ધારાધોરણ કરતા વધુ ફી માટે દરખાસ્ત કરી હતી. જેમાંથી 400 કરતા વધુ ખાનગી સ્કૂલની ફી નક્કી થઇ ગઇ છે અને તેમાં રાજકોટની માત્ર 6 સ્કૂલને જ રૂ.16 કરોડ જેવી રકમ પરત ચૂકવવા આદેશ કરાયો છે ત્યારે વાલીઓ પાસેથી કરોડો રૂપિયાની એડવાન્સ ફી વસૂલી લેનારી અંદાજે 150 જેટલી સ્કૂલને રૂ.225 કરોડ જેવી એડવાન્સ લઇ લીધેલી ફી પરત કરવાની થાય છે ત્યારે આ એડવાન્સ ફીનું બે વર્ષનું વ્યાજ કોણ ચૂકવશે તેવો સવાલ ઉઠ્યો છે અને આગામી દિવસોમાં વાલીઓ અને ખાનગી સ્કૂલના સંચાલકો વચ્ચે આ મુદ્દો વિવાદ ઊભો કરે તેવા એંધાણ મળી રહ્યા છે.

ફી રેગ્યુલેટરી કમિટી સૌરાષ્ટ્ર ઝોન દ્વારા ડિસેમ્બરથી અત્યાર સુધીમાં રાજકોટની છ મોટી સ્કૂલની ફી જાહેર કરવામાં આવી છે અને તેમાં રાજકુમાર કોલેજને રૂ.2.50 કરોડ, નિર્મલા કોન્વેન્ટને રૂ.75 લાખ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને અંદાજે રૂ.50 લાખ, નોર્થ સ્ટાર સ્કૂલને અંદાજે રૂ.2 કરોડ, આત્મીય સ્કૂલને અંદાજે રૂ.35 લાખ, મોદી સ્કૂલને અંદાજે રૂ.10 કરોડ જેવી એડવાન્સ લીધેલી વધારાની ફી વાલીઓને પરત કરવાની થાય છે. આ મુજબ જો અંદાજ લગાવીએ તો રાજકોટની જ 150થી વધુ સ્કૂલની અંદાજે 225 કરોડની વધારાની ફી એડવાન્સમાં ખાનગી સ્કૂલોએ ખંખેરી લીધી છે અને હવે આ ફી પરત આપવાની આવી છે ત્યારે મોટાભાગની ખાનગી સ્કૂલોએ વાલાઓને તેની સ્કૂલની ફી નક્કી થઇ ગયાની જાણ પણ કરવાની દરકાર લીધી નથી.
એફઆરસીના નિયમ મુજબ જે ખાનગી સ્કૂલોની ફી નક્કી થાય તેમણે પોતાની ફીની વિગતો નોટિસ બોર્ડ પર અને સ્કૂલની વેબસાઇટ પર મૂકવાની હોય છે. પરંતુ હજુ સુધી એક પણ ખાનગી સ્કૂલે આ નિયમની અમલવારી કરી નથી. તેમજ જે ખાનગી સ્કૂલોને ફી પરત કરવાની થાય છે તે પરત અપાવવાની જવાબદારી સરકારની છે, પરંતુ હજુ સુધી ડીઇઓ તંત્રે એક પણ ખાનગી સ્કૂલને આ માટે ફરજ પાડી નથી. અગાઉના સમયમાં વાલીઓ ફીની તારીખ ચૂકી જાય તો ખાનગી સ્કૂલના સંચાલકો તેમની પાસેથી ગળાકાપ વ્યાજ લેતા હતા. હવે જ્યારે ખાનગી સ્કૂલના સંચાલકોએ વધુ ફી એડવાન્સમાં વાલીઓ પાસેથી ખંખેરી લીધી છે ત્યારે તેનું વ્યાજ તેઓ વાલીઓને આપશે કે નહીં તેવો સવાલ ઉઠ્યો છે. વાલીઓને વધારાની ફી અને તેનું વ્યાજ કોણ ચૂકવશે ખાનગી સ્કૂલના સંચાલકો, સરકાર, ડીઇઓ તંત્ર કે પછી એફઆરસી, તેના માટે કોની જવાબદારી તે નક્કી થવું જરૂરી છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ રૂ.1 કરોડથી ઓછી ડિપોઝિટ માટે બે વર્ષના વ્યાજનો દર 7.30 ટકા છે જે મુજબ વાલીઓ પોતાની વધારાની ફી બે વર્ષ માટે ડિપોઝિટ કરે તો તેમને કુલ રૂ.225 કરોડની અલગ-અલગ ડિપોઝિટ પર રૂ.32.85 કરોડ વ્યાજ મળી શકે છે. – ગણેશ સાહુ, મેનેજર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, જાગનાથ બ્રાન્ચ
ફી નિર્ધારણ કમિટીએ કેટલી ખાનગી સ્કૂલોને ફી પરત કરવા આદેશ કર્યો છે તે ચકાસી લઇ તેની કાર્યવાહી કરાશે તેમજ વ્યાજ માટેની શું જોગવાઇ છે તે પણ ચકાસી લઇએ. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં એફઆરસીને પ્રોવિઝનલ ફી નક્કી કરવા આદેશ કરાયો છે અને ફાઇનલ ફી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નક્કી થશે.- આર.એસ.ઉપાધ્યાય, ડીઇઓ, રાજકોટ જિલ્લા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments