રાજકોટમાં કારની ઠોકરે વિદ્યાર્થિનીનું મોત, કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય આપોના નારા

0
30

રાજકોટ:  રાજકોટમાં વીરબાઇ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચાર્મી વિઠલભાઇ વઘાસીયા બે સહેલી સાથે કોલેજ જવા માટે બસસ્ટોપ સુધી ચાલીને જતી હતી ત્યારે પાછળથી ચાર્મી મોદી નામની કાર ચાલકે ઠોકરે લીધી હતી. અકસ્માતમાં ચાર્મી વઘાસિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આજે મોટી સંખ્યામાં વીરબાઇ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. વિદ્યાર્થિનીઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને ઇન્દિરા સર્કલે ચક્કાજામ કર્યો હતો.

વિદ્યાર્થિનીઓએ કાર ચાલક મહિલાને સજા કરોની માંગ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીના હાથમાં રહેલા બેનરોમાં લખ્યું હતુ કે, બેટી બચાવો બેટી પઢાવો સાથે બેટીની સુરક્ષા કરોનું અભિયાન પણ શરૂ કરો. તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વિદ્યાર્થીનીઓ અને કોંગ્રેસના આગેવાનોને ન્યાય આપવાની ખાત્રી આપી હતી. આરોપી સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જતા કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલાને ચેમ્બરની અંદર જતા અટકાવાયા હતા. આથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી અશોકસિંહે કમિશનર કચેરી બહાર બેસી જવાની ચીમકી આપી હતી. અશોકસિંહ કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન છે. ચાર્મીનું અકસ્માતમાં મોત થયું છતાં મહિલા કોલેજે શોક પાળવાને બદલે એન્યુઅલ ફંક્શન ચાલુ રાખ્યું હતું.

પોલીસે ગોપી પરસાણાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ચાર્મી અપૂર્વ મોદીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલક ચાર્મી મોદી તેના પુત્રને એસએનકે સ્કૂલેથી મૂકીને પોતાના ઘર તરફ જતી હતી ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતાં ચાર્મી મોદીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ચાર્મી વઘાસિયાનું કારની ઠોકરે મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં ચાર્મી વઘાસીયા અને તેની બે સહેલી ગોપી પરસાણા અને નેન્સી સાપરીયા ચાલીને જતા હતા ત્યારે કાર ચાલક મહિલાએ ચાર્મી અને ગોપીને ફૂટબોલની જેમ પાછળી ફંગોળી હતી. જેમાં ચાર્મીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને ગોપીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. નેન્સી સાઇડમાં ચાલતી હોવાથી તેનો બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here