રાજકોટમાં કારે ટક્કર મારતા વિદ્યાર્થિનીનું મોત, એમ્બ્યુલન્સ ન આવતા મૃતદેહને છકડોમાં લઇ જવાયો

0
19

રાજકોટ: જેતપુરના મેવાસાની વતની ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા (ઉ.18), અમરેલીના મોણપરની ગોપી અશ્વિનભાઇ પરસાણા અને નેન્સી દિનેશભાઇ સાપરીયા પગપાળા ચાલીને પંયાચય ચોકના સિટી બસ સ્ટોપ પર જઇ રહી હતી. ત્યારે પાછળથી હોન્ડાની બ્રાયો કાર જીજે 3 એફકે-1854 ધસી આવી હતી અને ચાર્મી તથા ગોપી ઠોકરે ચડી ગયા હતાં. સાઇડમાં ચાલી રહેલી નેન્સીનો ચમત્કારીક બચાવ થયો હતો. પરંતુ ચાર્મીનું મોત નીપજ્યું હતું અને ગોપીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. એમ્બ્યુલન્સ ન આવતા કમનસીબે ચાર્મીના મૃતદેહને છકડો રિક્ષામાં લઇ જવો પડ્યો હતો.

ચાર્મી અને ગોપી દોઢેક વર્ષથી રાજકોટ યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહી મહિલા કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી હોય દરરોજ સવારે પોતાના રૂમેથી નીકળી પગપાળા પંચાયત ચોકના સિટી બસ સ્ટોપ સુધી જતી હતી અને ત્યાંથી બસ મારફત કોલેજ સુધી પહોંચતી હતી. તેની સાથે ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતી નેન્સી દિનેશભાઇ સાપરીયા પણ દરરોજ બસમાં જ કોલેજ જતી હતી.

ચાર્મી બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી

મૃત્યુ પામનાર ચાર્મી બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને દોઢેક વર્ષથી રાજકોટ રહી બીસીએ ફર્સ્ટ યરમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા વિઠ્ઠલભાઇ વઘાસીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે. આશાસ્પદ અને યુવાન દીકરીના મોતના વાવડ મળતાં મેવાસાથી પરિવારજનો રાજકોટ આવવા નીકળી ગયા હતાં. આ બનાવથી ચાર્મીના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

કારચાલકનું નામ પણ ચાર્મી હોવાનું જાણવા મળ્યું

કમનસીબ ઘટનામાં જોગાનુજોગ મૃત્યુ પામનાર છાત્રાનું નામ પણ ચાર્મી છે અને કાર ચલાવનાર મહિલાનું નામ પણ ચાર્મી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કારચાલક મહિલા પારસ સોસાયટીમાં રહેતી ચાર્મીબેન અપૂર્વભાઇ મોદી હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here