Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં તડીપાર થયેલા આરોપીને પકડવા જતા પોલીસ કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો
Array

રાજકોટમાં તડીપાર થયેલા આરોપીને પકડવા જતા પોલીસ કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો

રાજકોટ: શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ સામાન્ય નાગરિકોને તો રંજાડી રહ્યા છે પરંતુ પોલીસનો પણ ખોફ રહ્યો નથી. બુધવારે રાત્રે તડીપાર શખ્સને પકડવા ગયેલી ભક્તિનગર પોલીસ પર નામચીન જયદીપ દેવડાએ હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને તલવારના આડેધડ ઘા ઝીંકતા ઘવાયેલા પોલીસમેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે જયદીપને ઝડપી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી.

કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતો અને તડીપાર કરાયેલો જયદીપ દેવડા શ્રમજીવી સોસાયટી મેઇન રોડ પર હોવાની હકીકત મળતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનનો ડી.સ્ટાફ રવાના થયો હતો. શ્રમજીવી સોસાયટી રોડ પર પાનની દુકાને ઊભેલો નામચીન જયદીપ દેવડા પોલીસને જોતા જ ઉશ્કેરાયો હતો અને પીએસઆઇ જેબલિયા સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. નામચીન શખ્સે જાહેરમાં જ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી અને નજીકમાં આવેલી દુકાનનું શટર ઊંચકી તેમાંથી તલવાર કાઢી પોલીસ તરફ દોટ મૂકી હતી.
તલવાર લઇને દોડેલા જયદીપ દેવડાને ભક્તિનગર પોલીસ સ્ટેશન ડી.સ્ટાફના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલાએ પડકાર્યો હતો અને તેના હાથમાંથી તલવાર આંચકવા જતાં જ જયદીપે પોલીસમેન દિવ્યરાજસિંહને માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસ કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો થતાં લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો. પીએસઆઇ જેબલિયા સહિતના સ્ટાફે જયદીપ દેવડાને દબોચી લઇ પોલીસ મથકે લઇ ગયા હતા અને હુમલામાં ઘવાયેલા દિવ્યરાજસિંહને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે દિવ્યરાજસિંહની ફરિયાદ પરથી જયદીપ દેવડા સામે હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયદીપ દેવડા અગાઉ મારામારી અને જુગાર સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને અગાઉ પાસામાં પણ ધકેલાયો હતો. માથાભારે શખ્સને હદપાર કરવામાં આવ્યો હતો અને હદપાર હોવા છતાં તે શહેરમાં ઘૂમતો હોય તેને પકડવા જતાં તેણે ખૂની હુમલો કર્યો હતો. પોલીસે જયદીપ દેવડાની ધરપકડ કરી આગવીઢબે સરભરા કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments