રાજકોટ: તનિષ્ક જ્વેલર્સના માલીકના પત્નીએ બિમારીથી કંટાળીને આજે વહેલી સવારે સાતમાં માળેથી પડતુ મુકી આપઘાત કર્યો છે. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. લીલાવતીબેન મહેતા છેલ્લા ઘણા સમયથી બિમારીથી પીડાઈ રહ્યાં હતા અને તેઓ વારંવાર એવુ રટન કરતા હતાં કે ‘બિમારી સહન કરવા કરતા મોત આવે તો સારૂ.’ ત્યારે આજે વહેલી સવારે પતિ મનુભાઈ મહેતા ન્હાવા ગયા હતા બાદ લીલાબેન મહેતાએ કિચનની બાલકની માંથી પડતું મુકી જીવન ટુંકાવ્યું હતું. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ મોત નિપજ્યું
ઘટનાની વિગત અનુસાર અમીન માર્ગ પર આવેલા વાલ્કેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મનુભાઈ વહેલી સવારે 8 વાગ્યા આસપાસ ન્હાવા ગયા બાદ લીલાવતીબેને કીચનની બાલકનીમાંથી છલાંગ લગાવી હતી. વૃદ્ધા સાતમા માળેથી નીચે પટકાતા અવાજ આવ્યો. જેથી ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ દોડીને ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. જ્યારે વૃદ્ધા લોહીલુહાણ હાલતમાં જોવા મળતા આસપાસના લોકોને જાણ કરી હતી. વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.
છેલ્લા ઘણા સમયથી લીલાવતીબેન પુરતી ઉંઘ લેતા ન હતાં
મનુભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી બિમારીના કારણે લીલાવતીબેન પુરતી ઉંઘ લેતા ન હતાં અને વારંવાર એવું કહેતા કે બિમારી સહન કરવા કરતા તો મોત આવે તો સારૂ. મહત્વનું છે કે લીલાવતીબેનના પતિ મનુભાઈ મહેતા યાજ્ઞિક રોડ પર તનિષ્ક જ્વેલર્સ નામનો શોરૂમ ધરાવે છે. મૃતક વૃદ્ધના સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે.