- Advertisement -
રાજકોટ: સરધારના હડમતિયા ગોલિડા ગામે રહેતા અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનું ધરાવતાં પ્રકાશ દામજીભાઇ પાનસૂરિયા (ઉ.વ.30)એ મંગળવારે ઝેરી દવા પી લેતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કડછા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રકાશ પાનસૂરિયાએ લખેલી સૂસાઇડ નોટ મળી આવી હતી જે પોલીસે કબ્જે કરી હતી. જેમાં પત્ની ભાવિકા અને તેના પ્રેમી ચેતન વઘાસીયાના ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે.
પ્રકાશ બે ભાઇમાં મોટો હતો અને તેના લગ્ન સાત વર્ષ પૂર્વે ચાંદલી ગામની ભાવિકા સરધારા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી. પત્ની ભાવિકા કેટલાક સમયથી પિયર બેઠી છે અને તેણે ઘરેલું હિંસાનો કેસ પણ પ્રકાશ સામે કર્યો હતો. સૂસાઇડ નોટમાં પ્રકાશે લખ્યું હતું કે, તેની પત્ની ભાવિકાને રાજકોટના ચેતન વઘાસિયા સાથે પ્રેમસંબંધ છે અને બંનેને મોબાઇલ પર વાત કરતાં પકડ્યા હતા ત્યારે બંનેએ માફી માગી હતી, જો કે બાદમાં ચેતન ગુપચુપ રીતે આવીને ભાવિકાને મળતો હતો. આ અંગે સાસુ મંજુલા સરધારા, પાટલા સાસુ દક્ષા અને સાઢુ વિશાલ રાંકને કહેતા તેણે ભાવિકા અને તેના પ્રેમીનો પક્ષ લઇને માથાકૂટ કરી હતી. પ્રકાશના કારખાનાનો શેડ પત્ની ભાવિકાના નામનો હતો તેની ફાઇલ અને દાગીના સહિતની વસ્તુઓ સાસુ, પાટલા સાસુ અને સાઢુભાઇ લઇ ગયા હતા અને ‘હવે એકલો રહે’ તેમ કહી જતા રહેતા પ્રકાશને માઠું લાગી આવતા પગલું ભરી લીધું હતું.