રાજકોટમાં બ્રહ્મસમાજની ચૂંટણીમાં ધમાલ, પ્રમુખપદના ઉમેદવારના ટેકેદારને રિવોલ્વર બતાવી

0
42

રાજકોટ: રવિવારે બ્રહ્મસમાજની ચૂંટણીનું ઇશ્વરિયા મંદિરે મતદાન ચાલતું હતું ત્યારે પ્રમુખપદના ઉમેદવાર રાવલના ટેકેદાર પર એડવોકેટ બંધુ સહિતના શખ્સોએ હુમલો કરી રિવોલ્વર તાકતા ધમાલ મચી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

ઇશ્વરિયા મહાદેવ મંદિરે ચૂંટણી યોજવામાં આવી હતી

જામનગર રોડ પરના ગાયત્રીધામમાં રહેતા કૃણાલ નિરંજનભાઇ દવે (ઉ.વ.28)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એડવોકેટ કે.સી.વ્યાસ, તેના ભાઇ પી.સી.વ્યાસ, સની જાની, કલ્પેશ વ્યાસ, નિશાંત અને પાંચ જેટલા અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. કૃણાલ દવેએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ રાજકોટ જિલ્લાની રવિવારે બપોરે ઇશ્વરિયા મહાદેવ મંદિરે ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રમુખપદે પંકજભાઇ રાવલ અને સામાપક્ષે ભરત જાનીએ ઉમેદવારી કરી હતી.

મતદાન ચાલુ હતું ત્યારે સાંજે છ વાગ્યે મામલો બિચક્યો

મતદાન ચાલુ હતું ત્યારે સાંજે છ વાગ્યે મામલો બિચક્યો હતો અને ઉપરોક્ત આરોપીઓએ ઉમેદવાર પંકજભાઇ રાવલના ટેકેદાર કૃણાલ દવે સાથે માથાકૂટ શરૂ કરી તેને મારકૂટ કરી હતી અને આરોપી પૈકી એક કૃણાલ દવેના લમણે રિવોલ્વર તાકી મારી નાખવાની ધમકી આપી હતી. ટેકેદાર કૃણાલ પર હુમલો થતાં પંકજભાઇ અને તેમના ભાઇ મયૂરભાઇ રાવલ સહિતના દોડી ગયા હતા અને એક તબક્કે બંને જૂથ વચ્ચે ધમાલ થઇ ગઇ હતી. મયૂરભાઇ રાવલે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ આવતા જ હુમલાખોરો નાસી ગયા હતા

પોલીસને જોતા જ હુમલાખોરો નાસી ગયા હતા. પોલીસે કૃણાલ દવેની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મયૂરભાઇ રાવલે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણીમાં પંકજભાઇ રાવલની જીત નિશ્ચિત લાગતાં હરીફ જૂથ તરફના એડવોકેટ બંધુ સહિતનાઓએ માથાકૂટ કરી કાયદો હાથમાં લીધો હતો. ધમાલ બાદ હુમલાખોર જૂથના લોકોએ ચૂંટણી જીત્યાનો દાવો કર્યો હતો તો મયૂરભાઇ રાવલે કહ્યું હતું કે, ધમાલ થતાં મોરબી અને બોટાદથી આવેલા ચૂંટણી નિરીક્ષકોએ ચૂંટણી સ્થગિત કરી દીધી હતી. સમગ્ર ઘટનાથી બ્રહ્મસમાજમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here