Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં મંજૂરી વગર આયુષ્માન કાર્ડ કાઢી આપી લોકો પાસેથી રૂ.100 ખંખેરવાના કારસ્તાનનો...
Array

રાજકોટમાં મંજૂરી વગર આયુષ્માન કાર્ડ કાઢી આપી લોકો પાસેથી રૂ.100 ખંખેરવાના કારસ્તાનનો પર્દાફાશ

રાજકોટ:  જરૂરતમંદ પરિવારજનોને ખાનગી હોસ્પિટલમાં રૂ.5 લાખ સુધીની સારવાર મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. શુભ હેતુથી શરૂ થયેલી આ યોજનાઓમાં પણ ગઠિયાઓ લોકોને છેતરવાનું છોડતા નથી. રાજકોટના કોઠારિયા રોડ પર કમ્પ્યુટર ક્લાસીસના સંચાલકે માન્યતા વગર આયુષ્માન કાર્ડ કાઢવાની યોજના અમલી બનાવી લોકો પાસેથી કાર્ડના નિયમાનુસાર રૂ.30ને બદલે રૂ.100 ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઉઠતાં ‘દિવ્ય ભાસ્કર’, જિલ્લા પંચાયત અને મનપાની આરોગ્યની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડી લોકોને છેતરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

જરૂરતમંદ પરિવારને રૂ.5 લાખ સુધીની સારવાર ખાનગી-સરકારી હોસ્પિટલમાં આ કાર્ડ હેઠળ વિનામૂલ્યે મળી શકે. આ માટે પરિવારના સભ્યોને આયુષ્માન કાર્ડ કઢાવવાનું હોય છે, પરિવારમાં પાંચ સભ્યો હોય તો પાંચ કાર્ડ કઢાવવામાં આવે છે અને પાંચેય વચ્ચે રૂ.5 લાખની સારવાર મળી શકે. કાર્ડ દીઠ રૂ.30 જે તે એજન્સીને ચૂકવવાના હોય છે જેના બદલામાં કલર આયુષ્માન કાર્ડ લેમિનેટ કરીને આપવાનું હોય છે. રાજકોટનો સંદીપ કાર્ડ દીઠ રૂ.100 ઉઘરાવતો, પરિવારના પાંચ સભ્યો કાર્ડ કઢાવે તો રૂ.150ને બદલે રૂ.500 વસૂલતો હતો.

કોઠારિયા રોડ વિસ્તારમાં આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ જ કરવામાં આવી નથી આ છતાં સંદીપે કાર્ડ કાઢી આપવાનું કામ શરૂ કરી દીધું હતું, એટલું જ નહીં લોકો પોતાની ઓફિસ સુધી પહોંચે તે માટે આશાવર્કર બહેનો વિસ્તારમાં શેરી-ગલ્લીમાં જાય ત્યારે તેમના મારફત ઘરે ઘરે કહેવામાં આવતું હતું કે, તપસ્વી કમ્પ્યુટરમાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે જેના પગલે સંદીપે માત્ર 27 દિવસમાં 2135 લોકોનું રજિસ્ટ્રેશન કરી રૂ.2 લાખથી વધુ રકમ એકઠી કરી લીધી હતી.

આયુષ્માન કાર્ડ માટે એક વખત રજિસ્ટ્રેશન થયા બાદ અન્ય સ્થળેથી ફરીથી તેનું રજિસ્ટ્રેશન થઇ શકે નહીં. તપસ્વી કમ્પ્યુટરના સંચાલકે ગેરકાયદે 2135 લોકોનું રજિસ્ટ્રેશન કરી તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. નિર્દોષ લોકોને સેન્ટરની માન્યતા અંગે જાણ ન હોય અને તે સંદીપના કૌભાંડનો ભોગ બને નહી તે માટે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોર્ડિનેટર નિખીલભાઇએ કહ્યું હતું કે, જે લોકોના રજિસ્ટ્રેશન થયા છે તેમને કાર્ડ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

જિલ્લા પંચાયયત અને મનપાની સંયુક્ત ટીમે ઓફિસમાંથી તમામ દસ્તાવેજો કબજે કર્યા બાદ તપાસ કરતાં સંદીપ દ્વારા આધારકાર્ડ કઢાવી આપવાની તેમજ ચૂંટણીકાર્ડમાં પણ ફેરફાર કરી આપવાની ગેરકાયદે કામગીરી થતી હોવાના કેટલાક પુરાવા મળ્યા હતા. આધારકાર્ડ કાઢી આપવાની કામગીરી હાલમાં માત્ર મનપા કચેરીમાં જ થાય છે છતાં ઓફિસમાં તે અંગેની જાહેરાતના બોર્ડ ટીંગાડવામાં આવ્યા હતા અને રજિસ્ટરમાં પણ તે અંગેની નોંધ જોવા મળી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments