રાજકોટ: રાજકોટના અંડર બ્રિજ પાસે બાઇકમાં આવેલા પાંચ શખ્સોએ વેપારીની કારની છરીની અણીએ લૂંટ કરી હતી. આથી કાર માલિક રાહુલભાઇ સુરેશભાઇ રામાણીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવીમાં આધારે તપાસ હાથ ધરી છે.
રાહુલભાઇએ ફરિયાદમાં શું જણાવ્યું: રાહુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી પાસે સફેદ કલરની હોન્ડા સિટી કાર નં.જીજે03જેસી 9151 છે. મારા ડ્રાઇવર સાથે હું રવિવારે રાત્રે નવ વાગ્યે કાલાવડ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ભવાની ગોલા પાસે પહોંચ્યા હતા અને ખુલા મેદાનમાં મે મારી ગાડી પાર્ક કરી હતી. હું મારી ગાડીની અંદર જ બેઠો હતો અને મારા મિત્રની રાહ જોઇ રહ્યો હતો. ત્યારે બાજુમાં બાઇક પર બેઠેલા ચાર શખ્સો બેઠા હતા અને એક શખ્સ ત્યાં બાઇક લઇને આવ્યો હતો. તેમની બાજુમાં બેઠેલા બે વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો હતો. બાદમાં મારા મિત્રો સાથે હું નીકળી રહ્યો હતો ત્યારે મારી ગાડી છેલ્લે રહી ગઇ હતી અને તેમાનો એક શખ્સ મારી ગાડીમાં મારી પાસે આવીને બેઠો હતો અને તમને વ્યસન છે તેવું કહ્યું હતું. પરંતુ મે ના પાડી હતી. એટલામાં બે શખ્સો આવ્યા હતા અને મારી બાજુમાં રહેલા શખ્સે એક છરી બીજા શખ્સને આપી દીધી હતી. એકે મારા પગમાં અને એકે મારા ગળા પર છરી રાખી દીધી હતી. આથી ડરીને મારો ડ્રાઇવર ભાગી ગયો હતો. એટલામાં મારા મિત્રો આવી જતા હું તેમની કારમાં બેઠો હતો અને પાછળથી આ શખ્સો મારી ગાડીની લૂંટ ચલાવી હતી.