રાજકોટ : એક્ટીવા લઇને જતી કોલેજીયન યુવતીને આખલાએ ઉલાળી, સારવાર દરમિયાન મોત

0
22

રાજકોટ: ધ્રોલના લ્યારા પાસે રોડ પર અચાનક આખલો ધસી આવતાં એક્ટીવા ઉલળી જતાં તેની ચાલક રાજકોટની કોલેજીયન યુવતી અને પાછળ બેઠેલો સોળ વર્ષનો તેનો ભાઇ ફંગોળાઇ જતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત બહેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી આ યુવતી પરિવારજનો સાથે લ્યારા કુળદેવીના દર્શન કરવા જઇ રહી હતી અને રસ્તામાં આ બનાવ બન્યો હતો.

યુવતી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી હતી: રાજકોટના સાધુ વાસવાણી રોડ પર નટરાજનગર પાસે કૈલાસપાર્ક-14માં રહેતા અને જિલ્લા પંચાયતમાં પ્યુન તરીકે નોકરી કરતાં પ્રવિણભાઇ પાટડીયાના કુટુંબીજનો ગઇકાલે રવિવારે જુદા-જુદા ટુ વ્હીલર પર લ્યારા ગામે કુળદેવીના દર્શન કરવા જવા નીકળ્યા હતાં. જેમાં એક્ટીવા પર પ્રવિણભાઇની દિકરી વિદ્યા (ઉ.21) અને પુત્ર કરણ (ઉ.16) બેઠા હતા. વિદ્યા એક્ટીવા હંકારી રહી હતી. બધા લ્યારા પાસે પહોંચ્યા ત્યારે વાહનો આગળ પાછળ થઇ ગયા હતાં. જેમાં વિદ્યાના એક્ટીવા આડે અચાનક આખલો ધસી આવતાં તેણી અને પાછળ બેઠેલો ભાઇ ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થઇ હતી. ધ્રોલ સારવાર અપાવી વિદ્યાને ગંભીર ઇજા પહોંચી હોય રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર વિદ્યા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here