રાજકોટ કોંગ્રેસ પ્રમુખે કલેક્ટર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું બાદમાં માફી માગી

0
29

રાજકોટ: કુબલીયાપરાના નિરાશ્રીતોને આવાસ આપવાની માગ સાથે કલેક્ટર કચેરીએ પહોચેલા કોંગ્રેસ પ્રમુખે ધમાલ કરી હતી. ચાલું વિડીયો કોન્ફરન્સમાં ઘુસી કલેક્ટરને બહાર આવવા માટે હાકલા-પડકારા કરી ઉધ્ધતાઇ શરૂ કરતાં પોલીસે ધક્કા મારી બહાર કાઢ્યા હતા. ધરણા સહિતના ડીંડક કર્યા બાદ પ્રમુખે કલેક્ટરની માફી માગી હતી.

કલેક્ટરે તુંકારો આપી અપમાન કર્યાના આક્ષેપ સાથે અશોક ડાંગર કલેક્ટર કચેરીમાં જ ધરણા પર બેસી ગયા હતા. વિડીયો કોન્ફરન્સ પૂરી થયા બાદ કલેક્ટરે મળવા બોલાવતા ઓફિસમાં ડાંગર ડાહ્યા ડમરા થઇ ગયા હતા અને પોતાની વર્તણૂંક અંગે માફી માગી હતી. અગાઉ કોંગ્રેસમાંથી જ ચૂંટાઇને મેયર રહી ચુકેલા અશોક ડાંગર બાદમાં ભાજપમાં જોડાઇ ગયા હતા અને કોર્પોરેશનની ગત ચૂંટણીમાં ભાજપમાં હાર્યા બાદ ફરીથી કોંગ્રેસનો પાલવ પકડ્યો હતો. અઠવાડીયા પૂર્વે જ શહેર કોંગ્રેસનું પ્રમુખ પદ મળતાં ડાંગરે પોતાની તાકાત બતાવવા રજુઆતની અયોગ્ય પધ્ધતિ અપનાવ્યાની ચર્ચાઓઅએ જોર પકડ્યું હતું.

શહેરના કુબલિયાપરામાં લાગેલી આગમાં 100થી વધુ ઝૂંપડાં ખાક થઇ જતાં નિરાશ્રિત થયેલા લોકોને આવાસ આપવાની માગ સાથે શનિવારે કોંગ્રેસની આગેવાનીમાં ટોળું મુખ્યમંત્રી તરફ ધસવાનો પ્રયાસ કરતું હતું ત્યારે પોલીસે થોરાળામાં જ કોંગ્રેસના ત્રણ આગેવાન સહિત ચારને અટકાયતમાં લીધા હતા. ચારની અટકાયત થતાં ટોળું રોષે ભરાયું હતું અને પોલીસની ગાડી આડે સૂઇ જતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જોકે બાદમાં વિફરેલા લોકો કેરોસીન ભરેલા ડબલા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને સામૂહિક આત્મવિલોપનની ચીમકી દેતા પોલીસે અટકાયતીઓને મુક્ત કરવા પડ્યા હતા. સવારના 11 વાગ્યાથી ચાલુ થયેલી ધમાલ સાંજે કલેક્ટર અને પોલીસ કમિશનરને મળ્યા બાદ સાંજે પૂરી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here