રાજકોટ : ગોંડલ રોડ પર ગેરેજમાં લિફટ નીચે દબાઇ જતાં બે યુવાનનાં મોત

0
59

ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક પાસે આવેલા કારના ગેરેજમાં એક જીવલેણ દૂર્ઘટના બની હતી. જેમાં કારને ઉપર-નીચે લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વજનદાર તોતિંગ લિફટ નીચે દબાઇ જતાં આ ગેરેજના સંચાલક મૂૂળ ટંકારાના સાવડીના લેઉવા પટેલ યુવાન અને તેના કર્મચારી ટંકારાના ગણેશપુરાના લેઉવા યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ટંકારાના સાવડીનો વતની લેઉવા પટેલ યુવાન અલ્પેશ મનસુખભાઇ ગોસરા (ઉ.૨૪) કેટલાક સમયથી ગોંડલ રોડ ચોકડી પાસે રહેતો હતો અને ક્રિષ્ના પાર્ક સામે કિરણ ફર્નિચરની પાસે જયેશ ગોવિંદભાઇ ભુવા સાથે મોટર ગેરેજ નામે ભાગીદારીમાં ગેરેજ ચલાવતો હતો.

તે તથા તેનો કર્મચારી ટંકારાના જ વીરવાવના ગણેશપુરા ગામનો લેઉવા પટેલ યુવાન દિવ્યેશ ગણેશભાઇ ભાગિયા (ઉ.૨૫) સવારે ગેરેજમાં કામ કરી રહ્યા હતાં ત્યારે કારને ઉપર નીચે લઇ જવા માટેની લોખંડની લિફટને સામાન ભરવા માટે નીચે ઉતારવામાં આવી રહી હતી ત્યારે અકસ્માતે લિફટ છટકીને બંનેની માથે પડતાં બંને દબાઇ ગયા હતાં.

આ વખતે અલ્પેશના ભાગીદાર જયેશ ભૂવા સહિતના લોકોએ જેસીબી અને જેકની મદદથી મહામહેનતે દબાયેલા બંનેને બહાર કાઢ્યા હતાં અને લોહીલુહાણ હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. જો કે અહિ બંને યુવાનના મોત નિપજ્યા હતાં.

બનાવ અંગે વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતેથી સિકયુરિટી સુપરવાઇઝર રમેશભાઇ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરતાં આજીડેમના પીએસઓ એમ. ડી. ગોસ્વામીએ ઘટનાની નોંધ કરી હતી. ઘટના સ્થળે અને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે.

ઘટનાથી બંનેના પરિવારજનોમાં તથા ભાગીદાર સહિતના મિત્રો-સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટના ખરેખર કઇ રીતે બની? તે અંગે હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને કિરીટભાઇ રામાવતે વિશેષ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here